Vadodara

કાલોલ તાલુકામાં માવઠાથી ડાંગરના પાકની નુકસાની અંગે સરકાર પાસે રાહતની માંગ

કાલોલ: કાલોલ તાલુકા વિસ્તારમાં પાછલા બે દિવસોમાં આભેથી આફત બનીએ આવેલા માવઠાએ માઝા મૂકતા ખેતીને મોટાભાગે નુકસાન પહોંચ્યું હતું. જે મધ્યે શુક્રવારે સવારે જ્યારે આભ ખુલ્લુ થયું ત્યારે ખેડૂતોને થોડી રાહત મળી હતી પરંતુ કમોસમી વરસાદ પછી શુક્રવારે સવારે જે ખેડૂતોનો પોતાનો તૈયાર ડાંગરના પાકની કાપણી રહી ગઈ હોય અથવા કાપણી કરેલો પાક રહી ગયો હોય એવા ખેડૂતો જ્યારે પોતાના ખેતરોમાં પહોંચ્યા ત્યારે પોતાના પાકની હાલત જોઈને ખેડૂતો રાતા પાણીએ રોવાની કફોડી હાલત બની જવા પામી હતી.

ખાસ કરીને જ્યારે કાલોલ તાલુકા વિસ્તારમાં અંતિમ તબક્કાની ડાંગરની કાપણી વચ્ચે અચાનક પલટવાર કરીને આવેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદની આફતે બે દિવસોમાં થયેલા કુલ અડધા ઈંચ જેટલા વરસેલા કમોસમી વરસાદે અંતિમ તબકકાની ડાંગરની કાપણીનો દાટ વાળી દીધો હતો. જેને પગલે ચાર મહિનાની મહેનતના ઉભા પાક પર વરસાદી પાણી ફરી જતા અનેક ખેડૂતોને રોવાની સ્થિતિ સર્જાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ તાલુકા વિસ્તારમાં ૫૬૬૯ હેક્ટર જમીનમાં ડાંગરની વાવણી કરવામાં આવી હતી જે મધ્યે મોટાભાગના ખેતરોમાં ડાંગરની કાપણીમાં થઈ ગઈ હતી. પરંતુ પંદર દિવસમાં બે વખત આવેલા માવઠાને કારણે ૪૦% જેટલી કાપણી બાકી રહી જતા અચાનક આવેલા માવઠાએ બાકી રહી ગયેલા ડાંગરના પાકને મોટુ નુકસાન પહોંચાડયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે તૈયાર થયેલા ડાંગરના પાક પર વરસેલા વરસાદને કારણે ડાંગર એ આભ ખુલ્લુ થયા પછી થોડા દિવસોમાં ઉંગી નીકળે છે જેથી વરસાદમાં પલળી ગયેલો ડાંગરનો પાક સંપૂર્ણ રીતે નિષ્ફળ નીવડે છે. જેથી પાછલા બે દિવસોથી થતા રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતો પોતાની કાપીને તૈયાર થયેલી ડાંગરનો અવેર કરે કે ઘાસચારો બચાવે તેવી બેવડા મારની કફોડી સ્થિતિ ઉભી થવા પામી હતી. આ ૪૦% જેટલો ડાંગરનો પાક, મોટાભાગનો ઘાસચારો ઉપરાંત અન્ય ખેતરમાં ઉભા કપાસ અને તુવેર પાકને પણ નુકસાન થવાની દહેશતને પગલે ધરતીપુત્રોની હાલત કફોડી બની હતી. જેથી પાછલા બે દિવસોમાં થયેલા કમોસમી વરસાદને કારણે ધોવાઇ ગયેલા ડાંગરના પાકને માટે ખેડૂતોને સરકાર તરફથી જરૂરી રાહત મળે તેવી ખેડૂતોની લોકમાંગ ઉઠવા પામી છે.

Most Popular

To Top