નડિયાદ: નડિયાદમાં મહાગુજરાત હોસ્પિટલ નજીક આવેલ ખેતા તળાવની ફરતે બનાવવામાં આવેલા વોક-વેની કામગીરીમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવે તેવી માંગ સાથે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતીના લીગલ સેલના પ્રમુખ જે. જી. તલાટીએ ૈજિલ્લા પોલીસ અધિક્ષકને પત્ર લખી રજુઆત કરી છે.
નડિયાદ શહેરના મીની કાંકરિયા ગણાતાં ખેતા તળાવમાં 2016માં પાલિકા તંત્ર દ્વારા તળાવના બ્યુટીફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સન 2019ના પ્રારંભમાં તળાવના બ્યુટીફિકેશનની કામગીરી પૂર્ણ થઈ જતાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે તે વખતે તળાવના બ્યુટીફિકેશનની કામગીરીમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની બુમો ઉઠી હતી. પરંતુ તેને ધ્યાનમાં ન લઈ પાલિકા તંત્રએ સમગ્ર મામલો દબાવી દીધો હતો. જો કે માત્ર બે વર્ષના ટુંકા સમયગાળામાં જ તળાવ ફરતે બનાવેલા વોક-વે પરના બ્લોક ઉખડવા લાગ્યાં હતાં.
આ બાબત જાગૃતજનોના ધ્યાનમાં આવે અને ભ્રષ્ટાચારનો મુદ્દો ઉછળે તે પહેલાં જ પાલિકાતંત્રએ ચતુરાઈ દાખવી વોક-વે પરના બધાં જ બ્લોક કાઢી નાંખી તે જગ્યાએ ટાઈલ્સ નાંખવાની તજવીજ હાથ ધરી હતી. પરંતુ પાલિકાની આ કામગીરી લોકોના ધ્યાને ચઢી જતાં ફરી એકવાર ભ્રષ્ટાચારનો મુદ્દો ઉછળ્યો હતો. જાહેર મિલકતોને નુકશાન પહોંચાડી તેમજ જાહેર નાણાંનો વ્યય કરી કાયદાની પ્રવૃત્તિ અનુસર્યા વિના ભ્રષ્ટાચાર કરવાના ઈરાદે શહેરમાં આવેલ ખેતા તળાવની ફરતે વોક-વે બનાવતા સમયે તેમજ ક્ષતિગ્રસ્ત બનેલા વોક-વેની મરામતની દરમિયાન સત્તાધીશો તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા લાખો-કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવા બાબતે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ લિગલ સેલના પ્રમુખ જે.જી. તલાટી (એડવોકેટ) એ ખેડા જિલ્લા પોલીસ અધિક્ષકને પત્ર લખી રજુઆત કરી છે.