Columns

દુનિયાના દેશોમાં ઇરાદાપૂર્વક કટોકટી પેદા કરવામાં આવી રહી છે?

ભારતના લગભગ તમામ પડોશીઓ દુ:ખી છે. પાકિસ્તાનમાં ઇમરાન ખાનની સરકારે બહુમતી ગુમાવતાં તેનું પતન થયું છે અને શાહબાઝ શરીફની સરકાર સત્તા પર આવી છે. ઇમરાન ખાન સરકારનું પતન થવાનું મુખ્ય કારણ વધી રહેલી મોંઘવારી અને ફુગાવો હતું. શ્રીલંકામાં પણ જે કટોકટી પેદા થઈ છે, તેનું મૂળ ખોટી આર્થિક નીતિઓ છે. શ્રીલંકાની તમામ સરકારોએ ભવિષ્યની ચિંતા કર્યા વગર ઉધારી કરીને ગાડું ગબડાવ્યા કર્યું. કોરોનાને કારણે મંદી આવી ત્યારે હૂંડિયામણના ભંડારો ખાલી થઈ ગયા અને બળતણ તેમ જ અનાજની તંગી પેદા થઈ. સરકારે મંદીનો મુકાબલો કરવા બેફામ નોટો છાપ્યા કરી, જેને કારણે ફુગાવો નિયંત્રણ બહાર નીકળી ગયો.

ભારતમાં સોનું ૫૦ થી ૫૫ હજાર રૂપિયામાં ૧૦ ગ્રામ મળે છે ત્યારે શ્રીલંકામાં સોનું બે લાખ રૂપિયે ૧૦ ગ્રામ પર પહોંચી ગયું છે. મધ્યમ વર્ગનાં લોકો આવશ્યક ચીજો ખરીદવા સોનાના દાગીના વેચવા ઝવેરીની દુકાનોની બહાર લાઇનો લગાવી રહ્યા છે. શ્રીલંકાની સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે તે વિદેશમાંથી લીધેલી ૫૧ અબજ ડોલરની રકમ પાછી ચૂકવી શકે તેમ નથી અને તેનું વ્યાજ પણ ભરી શકે તેમ નથી. જો તે વ્યાજ ભરવામાં ડોલરનો ઉપયોગ કરે તો તેણે અનાજની આયાત અટકાવી દેવી પડે, જેને કારણે તેને ત્યાં ભૂખમરો પેદા થઈ શકે છે. ભારતની દક્ષિણે આવેલું શ્રીલંકા કટોકટીમાં ઢસડાઈ ગયું છે તો નેપાળના હાલ પણ બહુ સારા નથી. નેપાળનું અર્થતંત્ર પણ પર્યટનના વ્યવસાય પર ટકેલું હોવાથી કોરોના કાળમાં ટુરિસ્ટો ઘટી જતાં ડોલરના ભંડારો ખાલી થઈ રહ્યા છે. નેપાળમાં ૭ મહિના ચાલે તેટલું જ હૂંડિયામણ બચ્યું છે. હૂંડિયામણના ભંડારો બચાવવા નેપાળની સેન્ટ્રલ બેન્કે લક્ઝરી કારોની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. નેપાળ સરકારે સેન્ટ્રલ બેન્કના ગવર્નરની જ હકાલપટ્ટી કરી છે. નેપાળમાં પણ ફુગાવો વધતાં મોંઘવારી માઝા મૂકી રહી છે.

નેપાળ અને શ્રીલંકાની સરખામણીએ ભારતનું મોટું પડોશી ચીન ઓછું દુ:ખી છે, પણ તેના આર્થિક પાટનગર ગણાતાં શાંગહાઈ શહેરમાં કંઈક અલગ જ પ્રકારની કટોકટી પેદા થઈ છે. શાંગહાઈ શહેરમાં કોરોનાના કેસો અચાનક વધી જતાં તેના અઢી કરોડ નાગરિકો જાણે નજરકેદ થઈ ગયાં છે. તેનાં તમામ નાગરિકો પોતાની સોસાયટીના કમ્પાઉન્ડની બહાર નીકળી શકતાં નથી. તેમને દરરોજ ફરજિયાત કોવિડ-૧૯ ની ટેસ્ટ કરાવવી પડે છે. જો તેઓ ટેસ્ટ કરાવવા ઘરની બહાર ન નીકળે તો આરોગ્ય કર્મચારીઓ તેમના દરવાજે ટકોરા મારે છે.

તેઓ દરવાજો ન ખોલે ત્યાં સુધી ટકોરા ચાલુ રહે છે. શાંહગાઈનાં નાગરિકોને જીવનાવશ્યક ચીજો ખરીદવા માટે પણ પોતાનાં ઘરોની બહાર નીકળવાની છૂટ આપવામાં આવતી નથી. સરકાર દ્વારા ડિલિવરી વાનમાં જે કંઈ ખાદ્ય પદાર્થો મોકલવામાં આવે છે, તે ખાઈને શાંગહાઈનાં લોકોને પોતાનું જીવન ટકાવી રાખવું પડે છે. બેન્કમાં તેમનાં ખાતાંમાં લાખો યુઆન પડ્યા હોવા છતાં તેમણે એક ટંક ભોજન કરવું પડે છે. તેમાં પણ તેમની પસંદગીનું ફુડ નથી મળતું પણ સરકાર જે આપે તેમાં ચલાવી લેવું પડે છે. શાંગહાઈનાં નાગરિકો પોતાના મકાનની જેલમાં રહીને એટલાં કંટાળી ગયા છે કે તેઓ ચીસો પાડી રહ્યાં હોય તેવા વીડિયો બહાર આવી રહ્યા છે. હવે પ્રજા બળવો કરશે તેવા ડરથી સરકારે લોકડાઉનમાં રાહત આપવાનું ચાલુ કર્યું છે. કોરોનાના કેસો વધી રહ્યા હોવા છતાં લોકડાઉન હળવું કરવામાં આવી રહ્યું છે.

ભારતના પડોશીઓની ગંભીર હાલત જોયા પછી હવે જ્યાં યુદ્ધ ચાલી રહ્યું છે તેવા યુક્રેનની વાત કરીએ. રશિયાના હુમલા પછી યુક્રેનની ચાર કરોડની વસતિ પૈકી લગભગ એક કરોડ નાગરિકો પોતાનાં ઘરબાર છોડીને નિરાશ્રિત થઈ ગયા છે. યુક્રેનના નાગરિકો પાસે બંગલા હતા, ગાડીઓ હતી, બેન્કોમાં બેલેન્સ હતી, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ હતા અને વેપાર-ધંધા પણ હતા. યુદ્ધ જાહેર થતાં જ તે બધું નકામું પુરવાર થયું છે. તેમણે પહેરેલાં કપડે પોતાનું વતન છોડીને ચાલી નીકળવું પડ્યું છે. તેમના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ નકામાં થઈ ગયાં છે, કારણ કે એટીએમમાં કેશ નથી. તેમની પાસે જે સોનાના દાગીના હતા તે વેચીને તેઓ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. આવી આપત્તિના સમયે સોનું જ કામ આવે છે. યુક્રેનમાં સરકાર દ્વારા કટોકટીની પરિસ્થિતિ જાહેર કરવામાં આવી છે અને નાગરિકોના તમામ મૂળભૂત અધિકારો થીજાવી દેવામાં આવ્યા છે. યુક્રેનના ૧૮ થી ૬૦ વર્ષની વચ્ચેના તમામ પુરુષોને ફરજિયાત લશ્કરમાં જોડાવું પડે છે. હમણાં કેટલાક પુરુષો ભાગવાની કોશિશ કરી રહ્યા હતા તો તેમને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા. યુક્રેનની કટોકટી પણ માનવસર્જીત છે.

નેપાળ, શ્રીલંકા, ચીન અને યુક્રેનમાં જે કટોકટીની પરિસ્થિતિ પેદા થઈ છે તે કુદરતસર્જીત નથી, પણ માનવસર્જીત છે. શ્રીલંકામાં પર્યટન વ્યવસાય ઠપ થઈ જવાનું કારણ કોરોના નહોતો, પણ કોરોનાથી ડરીને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલું કડક લોકડાઉન હતું. લોકડાઉનને કારણે વિમાની કંપનીઓ દ્વારા ઇન્ટરનેશનલ ફ્લાઇટો બંધ કરવામાં આવી હતી, જેને કારણે ટુરિસ્ટોનો પ્રવાહ ખોરવાઈ ગયો હતો અને હૂંડિયામણની તંગી પેદા થઈ હતી. ઇન્ટરનેશનલ રેટિંગ એજન્સીઓ દ્વારા શ્રીલંકાને ડાઉનગ્રેડ કરવામાં આવી તેને કારણે તેને મળતી વિદેશી મૂડી બંધ થઈ ગઈ હતી, જેને કારણે હૂંડિયામણની ભારે તંગી પેદા થઈ હતી. મંદીનો મુકાબલો કરવા સરકારે બેફામ ચલણી નોટો છાપવાનું શરૂ કર્યું હતું.

એક જ વર્ષમાં તેણે ચાર લાખ કરોડથી વધુ રૂપિયાની નોટો છાપી હતી. તેને કારણે આવશ્યક ચીજોના ભાવો આસમાને પહોંચ્યા હતા અને ગરીબો ભૂખે મરવા લાગ્યાં હતાં. શ્રીલંકાની વર્તમાન સરકાર પોતાનું સાર્વભૌમત્વ ટકાવી રાખવા કોઈ સંયોગોમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની લોન લેવા તૈયાર નથી. તેને બદલે તેણે દેવાળું ફૂંકવાનું પસંદ કર્યું છે. શ્રીલંકાના વિપક્ષો સત્તા પર આવે તો તેઓ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની લોન લેવા તૈયાર છે, માટે વિદેશી તાકાતો સરકારને જ ઉથલાવી પાડવા સજ્જ બની છે. શ્રીલંકામાં જે સરકારવિરોધી દેખાવો ચાલી રહ્યા છે તેમાં વિપક્ષો ઉપરાંત વિદેશી પરિબળોનો પણ હાથ છે. પાકિસ્તાનમાં સફળ સત્તાપલટા પાછળ જેમ અમેરિકાનો હાથ હતો તેમ શ્રીલંકામાં પણ અમેરિકા સત્તાપલટો કરાવવા માગે છે. જો સત્તાપલટો થાય તો નવી સરકાર આવે તે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની લોન લેવા તૈયાર થઈ જાય.

અત્યારે દુનિયાના દેશોમાં પ્રજા જે આફતોનો સામનો કરી રહી છે તે તમામ આફતો કુદરતસર્જીત નથી, પણ માનવસર્જીત છે. કોરોના વાયરસ કદાચ કુદરતે તૈયાર કર્યો હશે, પણ લોકડાઉન નાખવામાં આવ્યું તે સરકારો દ્વારા નાખવામાં આવ્યું હતું. આફ્રિકાના મોટા ભાગના દેશોમાં લોકડાઉન નહોતું તો પણ કોરોના તેમનું કાંઇ બગાડી શક્યો નહોતો. ખરું નુકસાન કોરોનાને કારણે નથી થયું પણ સરકારની નીતિઓને કારણે થયું છે. ચીનના શાંગહાઈ શહેરમાં જે પરિસ્થિતિ પેદા થઈ છે, તેના માટે કોરોના જવાબદાર નથી, પણ ચીનની સરકાર જવાબદાર છે. યુક્રેનમાં જે પરિસ્થિતિ પેદા થઈ છે, તેના માટે રશિયાની સરકાર જવાબદાર છે. આ કટોકટી પેદા કરવા પાછળ કેટલાંક સ્વાર્થી હિતોની યોજના છે. આ યોજના માનવજાતને નબળી પાડીને ગુલામ બનાવવાની છે. આવી કટોકટી દરેક દેશમાં પેદા કરવામાં આવશે અને લોકશાહી ખતમ કરવામાં આવશે.

Most Popular

To Top