National

નવા સંસદ ભવનના ઉદ્ઘાટનનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ઘાટન કરાવવાની માંગ

નવી દિલ્હી: (New Delhi) નવા સંસદ ભવનનાં (Parliament Building) ઉદ્ઘાટનનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી પીઆઈએલમાં માંગ કરવામાં આવી છે કે સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે. નોંધપાત્ર વાત એ છે કે સંસદ ભવનનું ઉદ્ઘાટન (Inauguration) પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવે તેને લઈને ઘણા વિરોધ પક્ષોએ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની વાત કરી છે.

ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિને ઉદ્ઘાટન સમારોહમાંથી બાકાત રાખીને સરકારે ભારતીય બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. આમાં બંધારણનું સન્માન થતું નથી. જેમાં માંગ કરવામાં આવી હતી કે સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે. જણાવી દઈએ કે 28 મે ના રોજ દેશના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન થનાર છે.

28 મેના રોજ બપોરે 12 વાગ્યે પીએમ મોદી નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. તેના પર કોંગ્રેસના નેતાઓ અને અન્ય ઘણા વિપક્ષી નેતાઓનું માનવું છે કે પીએમના બદલે રાષ્ટ્રપતિએ ઉદ્ઘાટન કરવું જોઈએ. કોંગ્રેસનું કહેવું છે કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા જ થવું જોઈએ. રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન એ લોકતાંત્રિક મૂલ્યો અને બંધારણીય શિષ્ટાચાર પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતિક હશે.

નવા સંસદ ભવનના ઉદ્ઘાટનને લઈને સતત રાજકીય હોબાળો ચાલી રહ્યો છે. 28મી મેના રોજ યોજાનાર સમારોહમાં અનેક રાજકીય પક્ષોએ બહિષ્કાર કર્યો છે. જ્યારે અનેક દળો તેમાં શામેલ થનાર છે. સમારોહમાં ભાગ લેનાર રાજકીય પક્ષો તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી), શિરોમણી અકાલી દળ, બીજુ જનતા દળ (બીજેડી) અને યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી (વાયએસઆરસીપી) છે. આ પક્ષોએ બુધવારે જાહેરાત કરી હતી કે તેઓ ઉદ્ઘાટનમાં હાજર રહેશે.

કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ડાબેરી પક્ષો, તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને આમ આદમી પાર્ટી સહિત 19 વિપક્ષી દળોએ વડાપ્રધાન મોદી દ્વારા નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. વિપક્ષી દળોનો આરોપ છે કે કેન્દ્રમાં વર્તમાન સરકારમાં સંસદમાંથી લોકશાહીની ભાવનાને દૂર કરવામાં આવી છે. બીજી તરફ AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન કરવું જોઈએ અને જો આમ નહીં થાય તો તેમની પાર્ટી ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે નહીં.

Most Popular

To Top