National

હથિનીકુંડ બેરેજમાંથી પાણી છોડાતા દિલ્હીમાં યમુનાનું જળસ્તર ફરી વધવા લાગ્યું

નવી દિલ્હી: ગુજરાત (Gujarat) પછી ફરીવાર દિલ્હીમાં (Delhi) વરસાદે (Rain) હાહાકાર મચાવ્યો છે. યમુના નદી (Yumna River) જોખમી ક્ષેત્રની ઉપરથી વહી રહી છે. દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર સવારે 7 વાગ્યે 205.81 મીટર હતું. જ્યારે તેની ભયજનક સપાટી 204.50 છે. બીજી તરફ હથિનીકુંડમાંથી 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. યમુનામાં જળસ્તર વધવાને કારણે પૂરથી (Flood) પ્રભાવિત લોકો ફરી રિંગરોડ પરના રાહત શિબિરમાં આવવા લાગ્યા છે.

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં સતત પડી રહેલા વરસાદના કારણે હથિનીકુંડ બેરેજમાંથી 2 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું હતું. જે યમુના નદીમાં પહોંચ્યું હતું. પૂરની સંભાવનાના લઈને નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો બીજી તરફ દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં હિંડોન નદી તબાહી મચાવી રહી છે. હિંડોનનું જળસ્તર વધ્યા બાદ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. NDRFની ટીમે રેસ્કયુ ઓપરેશન શરૂ કર્યું હતું. જ્યારે પંજાબના જલંધરમાં પણ કલાકોના મુશળધાર વરસાદ બાદ શહેરમાં અનેક ફૂટ પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદ બાદ નદીઓનાં જળસ્તરમાં ઉછાળો આવ્યો હતો. ભગવાન રામની નગરી અયોધ્યાના લોકોમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે કારણકે સરયુ નદીમાં પણ પૂર બાદ પાણીનું સ્તર સતત વધી રહ્યું છે.

હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ભાગોમાં 25 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે આગામી 24 કલાક માટે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. મહારાષ્ટ્ર, ગુજરાત, હિમાચલ અને ઉત્તરાખંડમાં સ્થિતિ સૌથી ખરાબ છે. ગઈકાલે હિમાચલના કુલ્લુ અને સિમલામાં વાદળ ફાટવાની ઘટનાઓ બની હતી, જ્યારે અલગ-અલગ અકસ્માતમાં 7 લોકોનાં મોત પણ થયાં છે.

Most Popular

To Top