નવી દિલ્હી: હિન્દુ સંગઠનના સભ્યોએ મંગળવારે દિલ્હીમાં કુતુબ મિનાર પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સદીઓ જૂના કુતુબ મિનારનું નામ બદલીને વિષ્ણુ સ્તંભ રાખવાની માંગ કરી છે. જો કે આ વિરોધ પ્રદર્શનની જાણ પોલીસને અગાઉથી જ થઇ ગઇ હતી. તેથી આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. છતાં હિન્દુ સંગઠન મહાકાલ માનવ સેવાના સભ્યોએ કુતુબ મિનાર પાસે હનુમાન ચાલીસાના પાઠ કરીને વિરોધ કર્યો હતો.
જો કે સંગઠનના સભ્યો કુતુબ મિનારની નજીક પહોંચે તે પહેલા જ પોલીસે પ્રદર્શનકારીઓને અટકાવ્યા અને તમામને કસ્ટડીમાં લીધા હતા. હિન્દુ સંગઠન મંગળવારે કુતુબ મિનાર સંકુલમાં હનુમાન ચાલીસાના પાઠ કરવા જઈ રહ્યું હતું, પોલીસે તેમને રોકવા માટે ચારેબાજુ બેરિકેડ લગાવી દીધા હતા.
સંયુક્ત હિન્દુ મોરચા અને રાષ્ટ્રવાદી શિવસેનાના કાર્યકરોને મંગળવારે દિલ્હીના કુતુબ મિનાર પાસે અટકાયતમાં લેવામાં આવ્યા હતા, જ્યાં તેઓ હનુમાન ચાલીસાના પાઠ કરવા એકઠા થયા હતા. હિન્દુ સંગઠનોએ દાવો કર્યો છે કે કુતુબ મિનાર મૂળરૂપે વિષ્ણુ મંદિર હતું અને તેનું નામ ‘વિષ્ણુ સ્તંભ’ હોવું જોઈએ. જણાવી દઈએ કે ગયા મહિને દિલ્હીની એક અદાલતે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) ને કુતુબ મિનાર સંકુલમાંથી ભગવાન ગણેશની બે મૂર્તિઓને આગળના નિર્દેશો ન મળે ત્યાં સુધી ન હટાવવાનો નિર્દેશ આપ્યો હતો.
મંગળવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને સુપરત કરાયેલ આવેદનમાં ભાજપના નેતા જય ભગવાન ગોયલે કહ્યું હતું કે “કહેવાતો” કુતુબ મિનાર વાસ્તવમાં એક જૂનું વિષ્ણુ મંદિર હતું. તેના સંકુલની દિવાલો પર સ્પષ્ટપણે ઉલ્લેખિત છે કે 27 મંદિરોને તોડી પાડ્યા પછી મળેલી સામગ્રીમાંથી કુતુબ મિનાર બનાવવામાં આવ્યું હતું. સંકુલમાં હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ છે. ગોયલે વધુમાં કહ્યું કે કુતુબુદ્દીન ઐબકને સ્મારકના સ્થાપક માનવામાં આવે છે. જો કે ઘણા ઇતિહાસકારોએ કહ્યું છે કે આ “ચાતુકાર (બદમાશ) મુસ્લિમ લેખકો”નું કાર્ય છે અને વાસ્તવિક સ્થાપક ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય હતા.
આ દિવસોમાં દિલ્હીમાં નામ બદલવાની રાજનીતિ જોરશોરથી ચાલી રહી છે
દિલ્હી બીજેપી અધ્યક્ષ આદેશ ગુપ્તાએ મંગળવારે નવી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (NDMC) ને પત્ર લખીને રાજધાનીના કેટલાક મુખ્ય રસ્તાઓને બદલવાની માંગ કરી છે. તુગલક રોડ, અકબર રોડ, ઔરંગઝેબ રોડ, હુમાયુ રોડ, શાહજહાં રોડ સહિત. તેઓએ મહર્ષિ વાલ્મિકી, મહારાણા પ્રતાપ, જનરલ બિપિન રાવત અને ડૉ. એપીજે અબ્દુલ કલામના નામ પર નામ બદલવાની માંગ કરી છે.