નવી દિલ્હી: (New Delhi) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) મંગળવારે નવા સંસદ ભવનમાં (Parliament House) પ્રથમ કાયદો લાવવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સરકાર મહિલા સશક્તિકરણ માટે નારી શક્તિ વંદન બિલ લાવવા જઈ રહી છે. પીએમ મોદીએ આ માટે વિપક્ષી પાર્ટીઓ પાસેથી સહયોગ માંગ્યો અને કહ્યું કે 19 સપ્ટેમ્બરનો આ દિવસ ઈતિહાસમાં અમર રહેશે. આ પછી કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે આ બિલને ગૃહમાં રજૂ કર્યું હતું. જેમાં લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જાહેરાત કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે હવે લોકસભામાં મહિલાઓ માટે 181 સીટો આરક્ષિત કરવામાં આવશે.
કેન્દ્રીય કાયદા મંત્રી મેઘવાલે કહ્યું કે મહિલાઓને લોકસભા અને વિવિધ રાજ્યોની વિધાનસભાઓમાં 33 ટકા અનામત આપવામાં આવશે. તેમણે કહ્યું કે આ કાયદો બન્યા બાદ ગૃહમાં મહિલાઓની સંખ્યા વધશે. મહિલા અનામતનો સમયગાળો હાલમાં 15 વર્ષનો રાખવામાં આવ્યો છે. લોકસભાને તેનો સમયગાળો વધારવાનો અધિકાર હશે. મેઘવાલે આરોપ લગાવ્યો હતો કે અગાઉ બિલને જાણી જોઈને પસાર થવા દેવામાં આવ્યું ન હતું.
બિલ રજૂ કરતાં વડાપ્રધાને કહી આ વાત
નારી શક્તિ વંદન બિલ રજૂ કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે દરેક દેશની વિકાસયાત્રામાં એવા માઈલસ્ટોન હોય છે જ્યારે તે ગર્વથી કહે છે કે આજે આપણે બધાએ એક નવો ઈતિહાસ રચ્યો છે. જીવનમાં આવી ક્ષણો ઓછી મળે છે. નવા ગૃહના પ્રથમ સત્રના પ્રથમ પ્રવચનમાં હું આત્મવિશ્વાસ અને ગર્વ સાથે કહું છું કે આજનો ક્ષણ અને આજનો દિવસ સંવત્સરી અને ગણેશ ચતુર્થીના આશીર્વાદ મેળવીને ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવવાનો સમય છે. આ આપણા બધા માટે ગર્વની ક્ષણ છે. ઘણા વર્ષોથી મહિલા અનામતને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. મહિલા અનામતને લઈને સંસદમાં કેટલાક પ્રયાસો થઈ ચૂક્યા છે. આને લગતું બિલ 1996માં પહેલીવાર રજૂ કરવામાં આવ્યું હતું. અટલજીના કાર્યકાળમાં ઘણી વખત મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ તેઓ તેને પસાર કરવા માટે ડેટા એકત્ર કરી શક્યા નહોતા અને તેથી જ તે સપનું અધૂરું રહી ગયું હતું.
જણાવી દઈએ કે આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મંગળવારે જુની સંસદમાંથી નવા સંસદમાં જવાની કાર્યવાહીમાં સાંસદોએ જોરશોરથી ભાગ લીધો હતો. ઘણા સાંસદો જૂની ઇમારતથી નવા સંસદ ભવન સુધી ચાલીને ગયા હતા. થોડા સમય બાદ સંસદના નવા બિલ્ડીંગમાં લોકસભાની કાર્યવાહી શરૂ થઈ. વડાપ્રધાન મોદીની સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વડા જેપી નડ્ડા પણ હતા. એનડીએના સાંસદો ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ જેવા નારા લગાવતા તેમની પાછળ ચાલી રહ્યા હતા.