National

દિલ્હીથી પેરિસ જઈ રહી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ટેકઓફ સમયે ફાટ્યું ટાયર, 220 મુસાફરો મુશ્કેલીમાં મુકાયા

નવી દિલ્હી: એર ઈન્ડિયાની (Air India) ફ્લાઈટમાં (Flight) અકસ્માતની ઘટના બનતા રહી ગઇ હોવાનું સામે આવ્યુ છે. શુક્રવારે બપોરે દિલ્હીના (Delhi) ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટથી પેરિસ (Paris), ફ્રાંસ માટે ટેકઓફ કર્યો હતો. આ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં આશરો 220 મુસાફરો સવાર હતા. ફ્લાઈટના ટેકઓફ બાદ જ્યારે એરપોર્ટ પર ગ્રાઉન્ડ ફોર્સને રનવે પર શંકાસ્પદ ટાયરનો કાટમાળ પડ્યો દેખાયો હતો. ત્યારે મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. આ કાટમાળ જોઈને એરપોર્ટ પર હોબાળો મચી ગયો હતો. ઉતાવળમાં ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. તેમજ તરત જ વિમાનને પાછું બોલાવવામાં આવ્યું હતું.

IGI એરપોર્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર શુક્રવારે રનવે પર શંકાસ્પદ ટાયરનો કાટમાળ જોવા મળ્યા બાદ પેરિસ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને ટેક-ઓફ પછી તરત જ આઈજીઆઈ એરપોર્ટ પર પરત ફરવું પડ્યું હતું. દિલ્હી એર ટ્રાફિક કંટ્રોલ (ATC) એ બપોરે 1.22 વાગ્યે ઉડાન ભર્યા પછી તરત જ ફ્લાઇટના ક્રૂને પરિસ્થિતિ વિશે જાણ કરી હતી. જો કે તે સમયે ફ્લાઈટમાં 220 લોકો સવાર હતા. મળતી માહિતી મુજબ આ ઘટનામાં કોઇ જાનહાનિ થવાનું સામે આવ્યુ નથી.

આ મામલે એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “28 જુલાઈ 2023ના રોજ દિલ્હી-પેરિસ ફ્લાઈટ AI143 ટેક-ઓફ પછી તરત જ પાછી આવી હતી. કારણ કે દિલ્હી ATCએ પ્રસ્થાન પછી રનવે પર શંકાસ્પદ ટાયરના કાટમાળ અંગે ક્રૂને જાણ કરી હતી.” પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, “ફ્લાઇટ બપોરે 2.18 વાગ્યે સુરક્ષિત રીતે દિલ્હી પરત આવી હતી. દિલ્હીમાં જરૂરી તપાસ બાકી હોય મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમે મુસાફરોને થયેલી અસુવિધા માટે ખેદ વ્યક્ત કરીએ છીએ, પરંતુ હંમેશની જેમ, મુસાફરોની સલામતી માટે ખાતરી રાખવી, જે એર ઈન્ડિયાની ટોચની પ્રાથમિકતા છે.

Most Popular

To Top