નવી દિલ્હીઃ દિલ્હી-NCRમાં (Delhi NCR) ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની (EarthQuake) તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 હતી અને તેનું કેન્દ્ર નેપાળ હતું. દેશની રાજધાની અને એનસીઆરમાં એક સપ્તાહમાં બીજી વખત ભૂકંપ આવ્યો છે. નોઈડા અને ગાઝિયાબાદમાં લોકોએ આ આંચકા અનુભવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ આંચકા 54 સેકન્ડ સુધી અનુભવાયા હતા.
દિલ્હી-NCRમાં સાંજે લગભગ 7.57 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા આવતા જ લોકો ઓફિસ અને ઘરની બહાર દોડવા લાગ્યા હતા. આ પહેલા મંગળવારે પણ દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર પણ નેપાળમાં જ હતું.
મંગળવારે પણ ભૂકંપ આવ્યો હતો
મંગળવારે પણ દિલ્હી-NCR અને UP સહિત 5 રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેનું એપી સેન્ટર નેપાળમાં પણ હતું અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 હતી. આ ભૂકંપના કારણે 6 લોકોના મોત થયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર નેપાળમાં આ ભૂકંપ 9 નવેમ્બરે બપોરે 1:57 કલાકે આવ્યો હતો. જેના કારણે ડોટી જિલ્લામાં મકાન ધરાશાયી થયું અને 6 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
આજે ઉત્તરાખંડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા
શનિવારે સાંજે ઉત્તરાખંડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લગભગ 4.25 કલાકે અહીં ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.4 હતી. ભૂકંપના આંચકા અનુભવાતા જ અહીંના લોકો પણ પોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર આવી ગયા હતા.
2015માં આવેલા ભૂકંપમાં 9 હજારથી વધુ લોકોના મોત થયા હતા
25 એપ્રિલ 2015ના રોજ સવારે 11:56 વાગ્યે નેપાળમાં ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 હતી. જેના કારણે 9 હજારથી વધુ લોકોના મોત થયા છે અને 23 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. તેનું કેન્દ્ર નેપાળથી 38 કિમી દૂર લામજુંગ ખાતે હતું.