National

દિલ્હી સરકારે નવી એક્સાઇઝ પોલિસી પાછી ખેંચી

નવી દિલ્હી: દિલ્હી સરકારે નવી એક્સાઇઝ પોલિસી પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે અને ફક્ત સરકાર સંચાલિત દુકાનો પરથી જ શરાબનું વેચાણ કરવાનો આદેશ આપ્યો છે એમ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ આજે જણાવ્યું હતું. શહેરમાં કાર્યરત એવી ૪૬૮ ખાનગી શરાબની દુકાનો પહેલી ઓગસ્ટથી બંધ થઇ જશે જ્યારે તેમના લાયસન્સની મુદ્દત અને તે સાથે નવી એક્સાઇઝ પોલિસી પણ ૩૧ જુલાઇએ પુરી થાય છે. ભાજપને નિશાન બનાવતા તેમણે આક્ષેપ કર્યો હતો કે તેઓ ગુજરાતમાં ગેરકાયદે દારૂનો ધંધો ચલાવે છે અને દિલ્હીમાં પણ આવું કરવા માગે છે.

નાયબ મુખ્યમંત્રી, કે જેઓ એક્સાઇઝ ખાતું પણ સંભાળે છે તેમણે એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે દિલ્હીના મુખ્ય સચિવને આદેશ આપવામાં આવ્યો છે કે તે સુનિશ્ચિત કરવામાં આવે કે શરાબનું વેચાણ માત્ર સરકારી દુકાનો પરથી જ થાય અને કોઇ અંધાધૂંધી નહીં સર્જાય. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભાજપ સીબીઆઇ અને ઇડી જેવી એજન્સીઓનો ઉપયોગ દારૂના લાયસન્સધારકોને ધમકીઓ આપવા માટે કરે છે, તેમાના ઘણાએ હવે દુકાનો બંધ કરી દીધી છે અને એક્સાઇઝ અધિકારીઓ રિટેલ લાયસન્સોની ખુલ્લી હરાજી શરૂ કરતા ગભરાય છે. તેઓ શરાબની તંગી ઉભી કરવા માગે છે જેથી તેઓ દીલ્હીમાં પણ ગુજરાતની જેમ ગેરકાયદે દારૂનો ધંધો ચલાવી શકે એમ સિસોદીયાએ કહ્યું હતું.

તેમણે દાવો કર્યો હતો કે દિલ્હીમાં ગેરકાયદે દારૂનો ધંધો બંધ થઇ ગયો છે જ્યારે ગુજરાતમાં લઠ્ઠાકાંડ જોવા મળે છે. દિલ્હી સરકારની નવી એક્સાઇઝ પોલિસી હેઠળ દિલ્હીમાં હાલમાં શરાબની ૪૬૮ દુકાનો ચાલી રહી છે. તે એપ્રિલથી બે વખત બે મહિનાના ગાળા માટે લંબાવવામાં આવી છે અને હાલ તે ૩૧ જુલાઇએ સમાપ્ત થઇ રહી છે.

Most Popular

To Top