Gujarat

ગુજરાતમાં સત્તા પરિવર્તનની જરૂર છે, ઇમાનદાર સરકાર લાવવી પડશે- અરવિંદ કેજરીવાલ

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણીને (Election) લઈને તમામ પાર્ટીઓ (Party) સીધો જ જનસંવાદ કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ભાજપને (BJP) ટક્કર આપવા આમ આદમી પાર્ટીના (AAP) રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અમદાવાદ ખાતે બે દિવસના પ્રવાસે આવી પહોંચ્યા છે. દિલ્હીના (Delhi) સીએમ અરવિંદ કેજરીવાલ 3 અને 4 જુલાઈ એમ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે કેજરીવાલ વીજળી અંગે લોકો સાથે સંવાદ કર્યો હતો. તેમણે કહ્યું કે અમે જે કહીએ છે તે કરી બતાવીએ છે. અમારા નેતાઓ છેલ્લા એક વર્ષથી ગુજરાતના ગામડાઓમાં ફરે છે. અમને ખબર છે લોકો તકલીફમાં છે.

ભાજપ પર પ્રહાર કરતા કેજરીવાલે કહ્યું કે કોઈ પણ નેતા વીજળી અંગે કેમ ચર્ચા નથી કરતા કેમ તેઓ ક્યારે પૂછવા નથી આવતા. તેમણે કહ્યું કે અમે પહેલાં ચૂંટણી લડીએ છીએ પછી જે વાયદો કર્યો હોય તે પુરો કરી છીએ. દિલ્હી અને પંજાબમાં અમે કરી બતાવ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે હું ફરીવાર રવિવારે અમદાવાદ આવીશ અને વીજળીની સમસ્યાનું સમાધાન કરીશ. ગુજરાતમાં પણ વીજળી સસ્તી અને ફ્રી જોઈએ તો તેના માટે સત્તા પરિવર્તન કરવું પડશે. ઇમાનદાર સરકાર લાવવી પડશે. આ સરકારને પ્રજાને લૂંટવી છે માટે તેઓ વીજળી ફ્રી નથી કરતા.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપના નેતાઓ કહે છે કે ગુજરાતમાં 24 કલાક વીજળી આપવામાં આવે છે. ગુજરાતમાં વીજળી કાપ નથી. તો શું શહેરમાં પણ વીજળી જાય છે? જ્યારે તેઓ વીજળી અંગે ગુજરાતની જનતા સાથે સંવાદ કરી રહ્યા હતા ત્યારે તેમણે જનતાને પૂછ્યું કે ગુજરાતમાં કેટલું લાઈટ બિલ આવે છે? ત્યારે લોકોએ કહ્યું કે 4000 બિલ આવે છે.

કેજરીવાલે દિલ્હી અને પંજાબમાં વીજળી ફ્રી અંગે ઉદાહરણ આપતા કહ્યું કે કોંગ્રેસની સરકારમાં દિલ્હીમાં પહેલા સામાન્ય લોકોનું ઘણું વીજળી બિલ આવતું હતું. વીજ બિલ ઓછું કરાવવા મેં 15 દિવસના ઉપવાસ કર્યા, 15 લાખ લોકોની સહી લીધી કે વીજ બિલમાં ઘટાડો થવો જોઈએ. દિલ્હીમાં આપની પ્રથમ સરકારે વીજ બિલ અડધા કર્યા. ત્યાર બાદ ચૂંટણી જીતી અને વીજળી ફ્રી કરી દીધી. દિલ્હીમાં 24 કલાક વીજળી ફ્રી મળે છે. સાત વર્ષથી વીજ બિલના ભાવ નથી વધાર્યા. આ સિવાય તેમણે કહ્યું કે પંજાબમાં પણ 1 જુુલાઈથી ફ્રી વીજળી આપવાનું શરૂ કરી દીધું છે. ત્યારે ગુજરાતમાં 70થી 80 ટકા વીજ બિલ વધુ આવે છે. ગુજરાતમાં પણ ઈમાનદાર સરકારની જરૂર છે.

Most Popular

To Top