National

મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને મંત્રી પદેથી રાજીનામું આપ્યું

નવી દિલ્હી: (New Delhi) મનીષ સિસોદિયાની (Manish Sisodia) જામીન મામલે સુપ્રીમ કોર્ટની (Supreme Court) ફટકાર બાદ દિલ્હીથી મહત્વના સમાચાર આવ્યા છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને મંત્રી સત્યેન્દ્ર જૈને (Satyendra Jain) રાજીનામું આપી દીધું છે. સીએમ કેજરીવાલે બંને મંત્રીઓના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે. સિસોદિયા કથિત એક્સાઇઝ કૌભાંડના સંબંધમાં પાંચ દિવસના CBI રિમાન્ડ પર છે. જ્યારે આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગ કેસમાં પહેલેથી જ જેલમાં છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે સિસોદિયાની અરજીમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો હતો અને તેમને હાઈકોર્ટનો દરવાજો ખખડાવવાની સલાહ આપી હતી.

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને મંગળવારે રાજીનામું આપી દીધું છે. બંને મંત્રીઓ હાલમાં તપાસ એજન્સીઓની કસ્ટડીમાં છે. બંને પર રાજીનામું આપવાનું દબાણ હતું. તમને જણાવી દઈએ કે CBI દ્વારા રવિવારે જ દિલ્હી દારૂ કૌભાંડમાં મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ સત્યેન્દ્ર જૈન ચિટ ફંડ કૌભાંડમાં છેલ્લા ઘણા મહિનાઓથી તિહાર જેલમાં બંધ છે. ED દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.

મનીષ સિસોદિયાની રવિવારે સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને સોમવારે કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં સફળ રહ્યા હતા. સીબીઆઈની આ કાર્યવાહી સામે સિસોદિયા મંગળવારે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા પરંતુ ત્યાંથી તેમને રાહત મળી ન હતી. કોર્ટે તેને હાઈકોર્ટમાં જવાની સલાહ આપી. જસ્ટિસ પીએસ નરસિમ્હાએ કહ્યું કે મામલો દિલ્હીમાં છે તેનો અર્થ એ નથી કે તમારે સીધો સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવો જોઈએ. તેમણે કહ્યું કે નાયબ મુખ્યમંત્રી સિસોદિયા પાસે તેમના જામીન અંગે ઘણા વિકલ્પો છે. તેણે દિલ્હી હાઈકોર્ટમાં જવું જોઈએ. અમે આ મામલે હસ્તક્ષેપ કરી શકીએ નહીં.

Most Popular

To Top