Columns

જિંદગીની વ્યાખ્યા

એક સાહિત્યપ્રેમી ગ્રુપ નામ – ચાલો મળીએ . આ ગ્રુપમાં બધા પોતાની ભાષાને પ્રેમ કરતા હતા અને દર મહિને એક શનિવાર ભેગા મળતા અને સાહિત્યની મહેફિલમાં પોતાની કોઈ રચના કે પોતાનું કોઈ લખાણ કે અન્ય કોઈનું પણ વાંચવાલાયક લખાણ રજુ કરતા અને બધા તેનો આનંદ લેતા. આજે આ ગ્રુપને 2 વર્ષ પૂરા થતા હતા અને મહેફિલ જામી હતી. બધાએ પોતાની રજૂઆત કરી. પછી કેક કાપી અને પછી વાતવાતમાં એમ નક્કી કર્યું કે દરેક જણ અત્યારે આ ઘડીએ જિંદગી વિષે શું વિચારે છે તે માત્ર 2 – 3 વાક્યમાં રજૂ કરે. વિચારવા માટે 5 જ મિનિટનો સમય. પછી બધાએ કાગળ પર પોતાનો વિચાર લખી નાખવાના.  બધા વિચારવા લાગ્યા. 5 મિનિટ થઈ ગઈ. બધાએ વિચાર કાગળ પર લખી નાખ્યા અને એક પછીએ એક વાંચવાનું શરૂ કર્યું. એક કવિએ લખ્યું હતું, ‘જિંદગી એક ઉપહાર છે. ભગવાને આપેલા આ ઉપહારનો પ્રેમથી સ્વીકાર કરો અને જે મળ્યું છે તેને જાળવીને તેનો આનંદ લો.’  એક વૃધ્ધ દાદાએ લખ્યું કે ‘જિંદગી એક અહેસાસ છે, તે અહેસાસને સમજીને જાણીને મહેસૂસ કરો.’

આગળ એક દાદીએ લખ્યું હતું, ‘જિંદગી એક દર્દ છે, એકબીજાનું દર્દ સમજીને વહેંચી લઈએ.’ એક તૂટેલા દિલના શાયરે લખ્યું, ‘જિંદગી એક તડપ અને વિરહ છે. જુદાઈમાં પણ હસતા રહીએ.’ એક યુવાને લખ્યું, ‘જિંદગી એક મિલન છે, એનું સ્મિત સાથે સ્વાગત કરીએ.’ એક પ્રોફેસરે લખ્યું, ‘જિંદગી એક પરીક્ષા છે, તેમાં મહેનતથી સફળ થઈએ.’ એક દુઃખી સ્ત્રીએ લખ્યું, ‘જિંદગી એક આંસુ છે. તેને પી લો, છુપાવી લો અને હસીને જીવો.’ એક પ્રેમીએ લખ્યું, ‘જિંદગી પ્રેમ છે. પ્રેમ આપો અને પ્રેમ વહેંચતા રહો.’ એક સજ્જને લખ્યું, ‘જિંદગી એક કસોટી છે, દરેક કપરા કાળમાં ધીરજ રાખીને જીવીએ.’

એક યુવતીએ લખ્યું, ‘જિંદગી સુંદર છે, તેને વધુ ને વધુ સુંદર બનાવીએ.’ એક યુવાને લખ્યું, ‘જિંદગી એક યુદ્ધ છે, તેમાં હિંમત રાખી તકલીફો સામે લડીએ અને જીતીએ.’ એક રમતપ્રેમીએ લખ્યું, ‘જિંદગી એક હરીફાઈ છે, તેમાં બધાને સાથે લઈને દોડીએ તો ખરેખર સફળ થઈએ.’ કોઈકે લખ્યું, જિંદગી એક રમત છે, કોઈકે લખ્યું જિંદગી એક જુગાર છે, કોઈકે લખ્યું જિંદગી એક રેસ છે, કોઈકે લખ્યું જિંદગી એક મેળો છે, કોઈકે લખ્યું જિંદગી એક ગીત છે. આમ, બધાના જવાબ પોતાના અનુભવો પ્રમાણે જુદા હતા. બધા જ વાત કરતા હતા જિંદગીની પણ જુદી જુદી. જિંદગી તો જિંદગી છે. ચાલો તેને હસીને પ્રેમથી માણી લઈએ. એમ નક્કી કરી બધા ફરી મળવા છુટા પડ્યા.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top