ભરૂચ, અંકલેશ્વર: અંકલેશ્વરના બાકરોલ ગામની સીમમાં અજીબ ઘટના સામે આવી છે. જ્યાં વીજ થાંભલા ઉપર બેસેલા રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરવા જતાં શિકારી દીપડો અને બચવા જતાં મોર બંને વીજ કરંટ લાગતાં મોતને ભેટ્યા છે. મોતને ભેટેલાં પ્રાણી અને પક્ષી શિડ્યુલ વનમાં આવતા હોવાથી PM કરાવીને અંતિમસંસ્કાર આપવામાં આવશે.
અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામે વીજ થાંભલે મોર બેઠો હતો. જેને પોતાનો ખોરાક બનાવવા દીપડાએ પ્રયાસો હાથ ધર્યા હતા. વીજ થાંભલા ઉપર રાષ્ટ્રીય પક્ષી મોરના મારણ કરવાના દીપડાના પ્રયાસો અને બીજી તરફ બચવાના મોરના પ્રયત્નોમાં બંને મોતને ભેટ્યાં હતાં. કરંટ લાગવાથી મોતને ભેટેલા બંને શિડ્યુલ એકના પ્રાણી અને પક્ષીના મૃતદેહ વન વિભાગે મેળવી તેનું પોસ્ટમોર્ટમ કરાવી અંતિમસંસ્કારની વિધિ હાથ ધરી હતી.
તમને જણાવી દઈએ કે હવે દક્ષિણ ગુજરાતના જંગલો છોડી દીપડા શહેરી વિસ્તારોમાં પણ દેખાવા લાગ્યા છે. બે દિવસ પહેલાં જ કીમમાં દીપડો દેખાયો છે. અહીં રેલવે ટ્રેક પર દીપડાની કપાયેલી હાલતમાં લાશ મળી આવતા વન વિભાગ દોડતું થયું હતું. સામાન્ય રીતે ડાંગના જંગલોની આસપાસના ગામડાંઓમાં દીપડા જોવા મળતા હતા પરંતુ તે હવે જંગલ અને ગામ છોડી શહેરોમાં પણ દેખાવા લાગતા વન વિભાગ અને તંત્રની ચિંતામાં વધારો થયો છે.
દમણમાં દીપડો દેખાતા લોકોને એલર્ટ રહેવા તંત્રની તાકીદ
દમણ : (Daman) સંઘ પ્રદેશ દમણના કોસ્ટગાર્ડ (Cost Guard) એર સ્ટેશન (Air Station) વિસ્તારમાં દીપડા (Panther) જેવું હિંસક પ્રાણી (Wild Animal) દેખાતા પ્રશાસને લોકોને ચેતવણી (Alert) આપી સુરક્ષિત (Safe) રહેવાની સલાહ આપી છે.
દમણના ડેપ્યુટી કલેક્ટર મોહિત મિશ્રાએ લોકોને સલાહ આપતો એક પત્ર જારી કરી જણાવ્યું કે, દમણના કોસ્ટગાર્ડ એર સ્ટેશન વિસ્તારમાં દીપડા જેવું હિંસક પ્રાણી જોવા મળ્યું છે. ત્યારે લોકોએ સુરક્ષિત રહેવા માટે પોતાના ઘરમાંથી રાત્રીના સમયે એકલા નીકળવું નહીં, નાનાં બાળકોને ઘરની બહાર એકલા રમવા માટે મોકલવા નહીં, ઘર કે ટેરેસ અને અન્ય ખુલ્લી જગ્યાએ રાત્રી દરમ્યાન સૂવું નહીં તથા ઘરેલુ પ્રાણીઓને સુરક્ષિત જગ્યાએ રાખવાની વ્યવસ્થા કરવા અનુરોધ કર્યો છે. આ સાથે દીપડા જેવા જંગલી જાનવરને પકડવા માટે કોસ્ટગાર્ડ એર સ્ટેશન વિસ્તારમાં પાંજરું મૂકી તેને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે જ્યાં સુધી ઉપરોક્ત જંગલી જાનવર પકડાય નહીં ત્યાં સુધી સાવચેતી સાથે સુરક્ષિત રહેવા માટે પ્રશાસને લોકોને અપીલ કરી છે.