કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯થી દુનિયામાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશ ઇટાલીમાં હવે આ રોગથી મૃત્યુનું પ્રમાણ ઘટવા માંડ્યું છે અને અહીંની સરકારે લૉકડાઉન ઉઠાવી લેવા માટે તૈયારીઓ કરવા માંડી છે.
ઇટાલીમાં નવમી માર્ચે જ્યારે ૪૨૭ મોત નોંધાયા હતા તેના પછીથી સૌથી નીચો દૈનિક મૃત્યુઆંક નોંધાયો છે અને કેસો વધવાની ઝડપ પણ ઘણી ઓછી થઇ ગઇ છે. એવુ માનવામાં આવે છે કે લૉકડાઉનને અહીં સફળતા મળી છે અને તેના ફળસ્વરૂપે જ કેસો વધતા ઓછા થઇ ગયા છે. હવે જ્યારે કેસો અને મૃત્યુઓ નોંધપાત્ર ઓછા થઇ ગયા છે ત્યારે ઇટાલી સરકારે લૉકડાઉન ઉઠાવી લેવાની યોજના જાહેર કરી છે. ઇટાલીના આરોગ્ય મંત્રીએ લૉકડાઉન હળવો બનાવવા માટેના બીજા તબક્કાની યોજનાઓની આજે જાહેરાત કરી હતી. આ યોજનાઓ એના વચ્ચે આવી છે જ્યારે સ્પેનનો કડક લૉકડાઉન કામ કરી રહેલો જણાય છે તેવા સંકેતો મળ્યા હતા અને આ દેશમાં પણ મૃત્યુઆંક નોંધપાત્ર ઘટી ગયો છે.
ઇટાલીના આરોગ્ય મંત્રી રોબર્ટો સ્પેરન્ઝાએ ગઇકાલે એક યોજના જાહેર કરી હતી જે મુજબ ઇટાલીનો લૉકડાઉન હળવો બનાવતા પહેલા ટેસ્ટિંગ વ્યાપક બનાવવામાં આવશે અને આરોગ્ય સેવાઓને વેગ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઇટાલીમાં ૯મી માર્ચે લૉકડાઉન અમલી બનાવાયો હતો અને તેનો કડક અમલ શરૂ કરાવાયો હતો.