નવસારી : નવસારીમાં (Navsari) આજે ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા (Board exam) આપવા જતા વિદ્યાર્થીને (Student) અચાનક હાર્ટ એટેક (Heart attack) આવતા મોત (Death) નીપજ્યું હતું. આ ઘટનાથી તંત્ર ચકિત થઈ ગયું હતું અને દોડતું થયું હતું. પરિવારે વિદ્યાર્થીના ચક્ષુઓનું દાન કર્યું.
હાલમાં રાજ્યમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. કોરોનાને પગલે 2 વર્ષ બાદ બોર્ડની પરીક્ષાઓ યોજાઈ હતી. ગત રોજથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ હતી. આજે મંગળવારે ધોરણ 10 ના વિદ્યાર્થીઓનું પેપર ન હતું. જોકે ધોરણ 12 ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા હતી. 2 વર્ષ બાદ યોજાયેલી બોર્ડની પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંતુ નવસારીમાં એક દુઃખદ ઘટના બનતા તંત્ર સહિત લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.
નવસારીમાં બોર્ડની પરીક્ષા આપતા એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. નવસારીમાં રહેતો ઉત્સવ નરેન્દ્રભાઈ શાહ વિદ્યાકુંજ શાળામાં ધોરણ 12માં કોમર્સમાં અભ્યાસ કરી રહ્યો હતો. હાલમાં ચાલી રહેલી બોર્ડની પરીક્ષામાં ઉત્સવનું સેન્ટર અગ્રવાલ સ્કૂલ હતું. જ્યાં ઉત્સવ ગત રોજ પરીક્ષા આપવા ગયો હતો. પરંતુ બોર્ડની પરીક્ષાનું બીજું પેપર ઉત્સવ આપી શક્યો ન હતો. આજે બપોરે ઉત્સવ સ્ટેટિક્સ વિષયની પરીક્ષા આપવા જવાની તૈયારી કરી રહ્યો હતો. દરમિયાન પરીક્ષા આપવા ઘરેથી નીકળવાની તૈયારી કરતો હતો ત્યાં તો ઉત્સવ ઢળી પડ્યો હતો. જેથી પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. અને તાત્કાલિક નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાંથી તેને નવસારી સિવિલ હોસ્પિટલમાં રીફર કરતા ફરજ પરના ડોકટરે તેને ચકાસીને મૃત જાહેર કર્યો હતો.હાર્ટ એટેકના પુત્રનું મોત થતા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. પરિવારે પોતાના વ્હાલસોયા પુત્રના અવસાન બાદ તેની આંખોને દાન કરી હતી. આ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી.
વિદ્યાર્થીના મોતને પગલે તંત્ર દોડતું થયું
નવસારી : નવસારીમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપતા ઉત્સવની મોતને પગલે નવસારી જિલ્લા તંત્ર દોડતું થયું હતું. નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી રાજશ્રીબેન ટંડેલ, ડી.ડી.ઓ. અર્પિત સાગર, જિલ્લા કલેકટર અમિત યાદવ અને નવસારી-વિજલપોર પાલિકાના પ્રમુખ જીગીશ શાહે ઉત્સવના પરિવારની મુલાકાત લીધી હતી. જિલ્લા શિક્ષણ અધિકારીએ હોસ્પિટલ પહોંચી ઘટનાનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે પરિવાર સહિત શાહ સમાજમાં પણ શોક લાગણી ફેલાઇ ગઇ હતી.
ધોરણ-12નું આંકડાશાસ્ત્ર અને ઇતિહાસનું પેપર પણ સહેલું રહેતા વિદ્યાર્થીઓ હરખાયા
સુરત : શહેર અને જીલ્લામાં ગુજરાત શિક્ષણ બોર્ડની રાજ્યવ્યાપી પરીક્ષામાં આજે બીજા દિવસે ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં આટર્સમાં ઇતિહાસ અને વાણિજ્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્રની પરીક્ષા નિર્વિઘ્ને સંપન્ન થઇ હતી. પરીક્ષાના બીજા દિવસે ગેરરીતિનો કોઇ બનાવ બહાર આવ્યો નથી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનું આજે બીજુ પેપર હતું. શહેરના અલગ-અલગ પરીક્ષા કેન્દ્રો ઉપર સામાન્ય પ્રવાહના કુલ 34,658 વિદ્યાર્થી નોંધાયા હતા. જે પૈકી 367 વિદ્યાર્થી ગેરહાજર રહ્યાં હતાં. ધોરણ-12 કોમર્સના વિદ્યાર્થીઓની આજે સ્ટેટેસ્ટિક (આંકડાશાસ્ત્ર)ની પરીક્ષા લેવાઇ હતી. જ્યારે ધોરણ-12 આર્ટ્સના વિદ્યાર્થીઓએ ઇતિહાસનું પેપર આપ્યું હતું. આ અંગે વાતચીત કરતા જિલ્લા શિક્ષણ અધિકારી રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, પરીક્ષા શાંતીપૂર્ણ માહોલમાં યોજાઇ હતી. આજે કોઇ અનિચ્છનીય બનાવ નોંધાયો નથી. ઇતિહાસની પરીક્ષામાં કુલ 2649 વિદ્યાર્થી પૈકી 86 પરીક્ષાર્થી અનુપસ્થિત રહ્યાં હતાં. ઇતિહાસની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ પ્રશ્ન પત્ર સહેલું રહ્યું હોવાનું જણાવ્યું હતું. અભ્યાસક્રમમાંથી જ તમામ પ્રશ્નો અને એમસીક્યુ પણ સરળ પુછાયા હતા.
આંકડાશાસ્ત્રનું પ્રશ્નપત્ર સહેલું રહેતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ
આંકડાશાસ્ત્રની પરીક્ષા આપનાર પરીક્ષાર્થી રીયા પટેલે જણાવ્યું હતું કે, પેપર સહેલું રહ્યું છે. 95થી વધુ ગુણાંક આવશે. 20 માર્કસના એમસીક્યુ પણ ઇઝી હતા. ઓવરઓલ પેપર સ્કોરિંગ રહ્યું હતું. જેને લઇને પરીક્ષા કેન્દ્રોમાંથી બહાર આવતા પરીક્ષાર્થીનો ચહેરા પર ખુશી જોવા મળી હતી.