લખનૌ: લખનૌ એક્સપ્રેસ વે (Express Way) પર એક મોટો રોડ અકસ્માત (Accident) થયો છે. મળતી માહિતી મુજબ એક સ્લીપર બસ ડમ્પર સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 4 લોકોના મોત (Death) થયા છે અને લગભગ 42 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ બસ ગોરખપુરથી અજમેર જઈ રહી હતી. ઘાયલોને સૈફઈની પીજીઆઈ હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવ્યા છે.
ટાયર ફાટવાને કારણે અકસ્માત સર્જાયો હતો
ગોરખપુરથી અજમેર જઈ રહેલી સ્લીપર બસને લખનૌ એક્સપ્રેસ વે પર અકસ્માત નડ્યો હતો. માહિતી મળી આવી છે કે રેતીથી ભરેલા ડમ્પરનું ટાયર ફાટ્યું અને પાછળથી આવી રહેલી સ્લીપર બસ સીધી ડમ્પર સાથે અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો.
બસ ખીચોખીચ ભરેલી હતી, અકસ્માત સમયે લોકો સૂતા હતાઃ મુસાફરો
સૈફઈ મિની પીજીઆઈના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ.એસ.પી. સિંહે જણાવ્યું કે 43 ઘાયલો અમારી પાસે આવ્યા છે. 7 મુસાફરોની હાલત ગંભીર છે. જ્યારે ચાર લોકોના મોત થયા છે. તે જ સમયે ઘાયલ મુસાફરમાંથી એકે જણાવ્યું હતું કેતે લખનૌથી બસમાં બેસીને જયપુર જઈ રહ્યો હતો. એમજે ટ્રાવેલર્સની બસ સંપૂર્ણ ખીચોખીચ ભરેલી હતી. તેમજ અકસ્માત સમયે તમામ મુસાફરો સૂઈ રહ્યા હતા.
સીએમ યોગી આદિત્યનાથે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે
ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. આ સાથે સીએમએ ડીએમ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને તાત્કાલિક અકસ્માત સ્થળ પર પહોંચવાના નિર્દેશ આપ્યા છે. આ સાથે ઘાયલ મુસાફરોને યોગ્ય સારવાર આપવા માટે પણ સૂચના આપવામાં આવી છે. તેમણે ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે.
બીજેપી નેતાનું મેરઠ રોડ અકસ્માતમાં મોત
આ પહેલા યુપીના મેરઠમાં તાજેતરમાં એક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માત સહારનપુર હાઈવે પર દેવબંદ પાસે થયો હતો. આ અકસ્માતમાં મેરઠ બીજેપી નેતા ગૌરવ ચૌહાણનું મોત થયું હતું. આ અકસ્માતમાં ભાજપના નેતા ગૌરવનો ભત્રીજો યશ પણ ઘાયલ થયો હતો. રાજ્ય ધોરીમાર્ગ પર સાઈધામ મંદિર પાસે સહારનપુરથી મુઝફ્ફરનગર જઈ રહેલા પીક-અપ વાહન અને મેરઠના એક બીજેપી નેતાની કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેના કારણે બંને વાહનોને ભારે નુકસાન થયું હતું.