ભારતમાં કોરોનાવાયરસના રોગચાળાનું બીજું મોજું ઘણું કાતિલ પુરવાર થયું છે અને દેશના અનેક ભાગોમાં જાણે મોતનું તાંડવ મચી ગયું છે. આવા સમયે સંસાધનોના અભાવ અને સરકારી તંત્રોની ઉદાસીનતા જેવી બાબતોના કારણે એવા બનાવો પણ બની રહ્યા છે જેમાં માનવીય ગરિમા જ મરી પરવારતી જણાય. માનવ મૃતદેહો રઝળી રહ્યા હોય, કે એકના ઉપર એક મૃતદેહ નાખીને લઇ જવાતા હોય તેવા મોતના મલાજાને તોડતા અનેક બનાવો બની રહ્યા છે, આવા જ એક વધુ બનાવમાં આંધ્રપ્રદેશમાં શબવાહિનીના અભાવે બે લાચાર પુત્રોએ પોતાની માતાના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે મોટર સાઇકલ પર લઇ જવો પડ્યો હતો.
આંધ્રપ્રદેશમાં કોવિડથી મૃત્યુ પામેલી એક મહિલાના મૃતદેહને હોસ્પિટલેથી સીધો સ્મશાન ગૃહે લઇ જવાનું નક્કી કરાયું હતું પણ કોઇ એમ્બ્યુલન્સ કે શબવાહિની હાજર નહીં હતી તેથી આ મહિલાના નરેન્દ્ર અને રમેશ ચેન્ચુ નામના પુત્રોએ પોતાની માતાનો મૃતદેહ બે મોટરસાઇકલ પર વચ્ચે મૂક્યો હતો અને સ્મશાન તરફ લઇ જવા માંડ્યા હતા. સાથે અન્ય લોકો પણ જોડાયા હતા. આ ઘટનાનો આઘાત જનક વીડિયો ફરતો થતા લોકોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
આવા તો અનેક આઘાત જનક બનાવો બની રહ્યા છે અને તે સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારો ભારતની આ રોગચાળાની કટોકટી પર ઢાંકપિછોડો કરવા અને તેના સમાચારો દબાવી દેવા પ્રયાસો કરી રહી હોવના આક્ષેપો વધી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં તો એમ કહેવાય છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પરિસ્થિતિ પર ઢાંકપિછોડો કરવા ધમકીભર્યું વર્તન કરી રહ્યા છે. રાજ્યમાં જો કોઇ ઑક્સિજન કે દવાઓના અભાવની વાત કરે તો તેને પકડી લેવાય છે. હાલમાં એક શખ્સે પોતાના એક ૮૮ વર્ષીય સંબંધીને ઑક્સિજન નહીં મળી રહ્યો હોવાની વાત ટ્વીટર પર જણાવી હતી તો તેના પર ખોટી વાત ફેલાવવાનો આરોપ મૂકીને તેની સામે ગુનો દાખલ કરાયો હતો.