Business

પ્રિય સન્નારી

કેમ છો? મજામાં ને?
કોરોના પછી ઘણા સમયે ઉત્સવોનો  ઉત્સાહ લોકોમાં જામ્યો છે. રક્ષાબંધન અને જન્માષ્ટમી પછી પર્યુષણ અને ગણેશચતુર્થી.. આશા રાખીએ કે લોકોનાં  જીવનમાં રોનક પાછી આવે. સન્નારીઓ, કાલે‘ટીચર્સ ડે’  છે. એક સમયે ટીચર એ સમાજનું  સન્માનનીય અંગ ગણાતું, લોકોમાં  એમનો પ્રભાવ હતો. સ્કૂલમાં બાળકને  ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોઈને નહીં પરંતુ આચાર્ય  અને શિક્ષકોના પ્રભાવ જોઈને મોકલાતા.  જો, કે આ વાત પણ ભારતીય સંસ્કૃતિના  સુવર્ણયુગની જેમ ઈતિહાસ છે. ‘સારા શિક્ષક એ બાળકના ભવિષ્યના ઘડવૈયા છે કે સૃષ્ટિના સર્જનની અને વિનાશની  શક્યતા શિક્ષકના હાથમાં છે’ એવું  ચાણક્યનું વિધાન આજે વધારે પડતું લાગે કારણ કે શિક્ષક સિવાયનાં અનેક પરિબળો બાળકો કે વિદ્યાર્થીઓનાં જીવનને  પ્રભાવિત કરે છે અને તેથી જ શિક્ષકની  જવાબદારી આજે વધુ છે. ક્ષીર-નીર,  સાચું-ખોટું અને સારું-ખરાબ ઓળખવાની દૃષ્ટિ જો કુમળી વયે શિક્ષકો જ કેળવી શકે તો બાહ્ય પરિબળોનાં વણજોઈતાં પ્રભાવને ખાળવાનું કૌવત એમનામાં વિકસી શકે.

સવાલ એ છે કે શિક્ષક પાસે જે અપેક્ષાઓ રાખવામાં આવે છે અથવા તો જે આદર્શ શિક્ષકોની તસવીર આપણી આંખ સમક્ષ છે એવા શિક્ષકો સમાજમાં કેટલા? અગર  નથી તો એ માટે જવાબદાર કોણ? અને  એ સ્થિતિ સુધારવા માટે શું કરી શકાય?  આ પ્રશ્નોના ઉત્તર મેળવવા આજના દિને ખૂબ જરૂરી છે. પહેલી વાત તો એ કે જેને સાચા અર્થમાં  શિક્ષક કહી શકાય અથવા જેમને હૈયે  વિદ્યાર્થીનું હિત વસેલું છે, જેઓ શિક્ષણને વ્યવસાય કરતાં વિશિષ્ટ સમજે છે એવા  શિક્ષકો જૂજ છે કારણ કે શિક્ષકની કરિયર  70% લોકો માટે મજબૂરી અને 30% માટે  જ દિલની પસંદગી છે કારણ કે આ  ક્ષેત્રમાં અન્ય જોબ જેવું ગ્લેમર કે તગડા પગાર નથી.

એમાં જવાબદારી છે, સાધના છે, નૈતિક પ્રતિબધ્ધતા છે. વળી, ટોપ પર પહોંચવાની સડસડાટ સીડી નથી. પ્રાઈવેટ સ્કૂલોમાં શોષણ છે અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં  શિક્ષણ સિવાયનાં સરકારી કામોનો  અઢળક બોજો છે. અહીં જાત પ્રત્યેની પ્રામાણિકતા અને કામ માટેની વફાદારી જાળવી રાખવા માટે સ્ટ્રોંગ મોરલ જોઈએ.  જે બધામાં નથી હોતું. શિક્ષક સહાયક  તરીકે એમ.એ.બી.એડ કર્યા પછી પણ  પાંચ-સાત હજાર જ ચાર વર્ષ સુધી મળતાં  હોય તો તેઓ ટ્યુશન ન કરે તો બીજું શું  કરે? કામના પ્રમાણમાં પગાર ન મળે તો  બેઈમાની આવવાની જ. આ ફિલ્ડમાં જ્યાં શોષણ છે તે દૂર થાય અને સારા પગારધોરણ અને સલામતી મળે તો તેઓ કામ માટે સમર્પિત બને.

બીજું, શિક્ષક એ આજીવન વિદ્યાર્થી છે. જે  શિક્ષક નવું-નવું શીખવાની અને નોલેજ  મેળવવાની પ્રક્રિયા પર પૂર્ણવિરામ મૂકે છે  તે એની યોગ્યતા ગુમાવી દે છે. આજે ગાઈડ અને ડાયજેસ્ટ દ્વારા પાંચ-પાંચ વર્ષ  સુધી એકસરખું ભણાવનારા શિક્ષકો વધારે છે. કોર્સ પતાવી અને એક્ઝામ રીલેટેડ ગોખણપટ્ટી કરાવી સારું રિઝલ્ટ  લાવવા જેટલી મહેનત કરાવવાથી સારા  શિક્ષક બનાતું નથી. જેમની જ્ઞાનની ક્ષિતિજ અમાપ છે, જે સમય સાથે એમના જ્ઞાનને અપડેટ કરતા રહે છે, જેમની પાસે  કોર્સ અને માર્કસ્ સિવાય પણ  વિદ્યાર્થીઓને કશુંક આપવાનું છે તે શિક્ષક જ સહુને પ્રભાવિત કરે છે અને આવા  શિક્ષકો તૈયાર કરવાની જવાબદારી જે-તે  સંસ્થાની અને સરકારની છે. શિક્ષકમાં  જેટલું ઈન્વેસ્ટ થશે એનું વળતર ચક્રવૃધ્ધિ વ્યાજ સાથે વિદ્યાર્થીઓને મળશે. એ વાત  ધ્યાન રાખી શિક્ષકોના કાયાકલ્પનો પ્રયાસ  કરવો પડશે. આંગળીના એક ટેરવે નોલેજની અમાપ દુનિયા ખૂલતી હોય ત્યારે શિક્ષક માટે વિદ્યાર્થીને કશુંક નવું આપવું એ પડકાર છે અને આ પડકાર  શિક્ષણ માટે સમર્પણ અને વિદ્યાર્થી માટેના પ્રેમ દ્વારા પૂરો કરી શકાય. આજે  શિક્ષકે વિદ્યાર્થીને માહિતીને બદલે જ્ઞાનની દિશા આપવી પડશે. શિક્ષણની સાથે  કેળવણી, માહિતીની સાથે જ્ઞાન અને  કરિયરની સાથે ચારિત્ર્ય ઘડતર થશે ત્યારે  શિક્ષકનું ગૌરવ ફરીથી પ્રસ્થાપિત થશે.                
– સંપાદક

Most Popular

To Top