Business

પ્રિય સન્નારી

કેમ છો?
ગરમીનો પારો દિવસે – દિવસે વધી રહ્યો છે. એની સાથે તમારા મગજનો પારો ઉપર ન જાય એનું ધ્યાન રાખજો. ગરમીમાં કંટાળો અને ગુસ્સો બંને આવે છે. શીતળ જળ દ્વારા એને કંટ્રોલમાં રાખજો. સન્નારીઓ, આજકાલ ગુસ્સો અને આવેશમાં લોકો કાંઇ પણ ખોટું કામ કરે છે. અરે, નાની – નાની વાતમાં હત્યા સુધી પહોંચે છે અને એમાં હજુ મૂછનો દોરો પણ નથી ફૂટયો એવા લબરમૂછિયાઓ પણ બાકાત નથી. આજે ટીનેજ અને યંગસ્ટર્સ બંને વિદ્રોહી અને આક્રમક બન્યાં છે. પહેલાના સમય કરતાં તેઓને અભિવ્યકિતની, નિર્ણયો લેવાની અને જીવન જીવવાની આઝાદી અને સગવડો બંને વધારે મળી છે. તેઓ પેરન્ટસને ગાંઠતા નથી. સમાજની એમને પડી નથી. ખોટું કરવાની શરમ નથી. એટલું જ નહીં એ અંગે કોઇ પસ્તાવો નથી. આવા જડ અને સંવેદનશીલ વલણ પાછળ એક નહીં અનેક કારણ છે.

પહેલી વાત એ કે જીત અને સકસેસ શબ્દોને આપણે જરૂરતથી વધારે ગ્લોરિફાય કર્યા છે. જીત અને સફળતા પ્રેમમાં હોય કે કરિયરમાં જીવનનાં કોઇ પણ ક્ષેત્રમાં હોય…. જીતવું જરૂરી છે. મેળવવું મહત્ત્વનું છે પણ એ કઇ રીતે? કયાં? અને કોની પાસેથી એની કોઇ ગાઇડલાઇન એમને મળતી નથી. ‘જો જીતા વોહી સિકંદર’ સો…. યેનકેન પ્રકારે જીતો…. એવરીથીંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ સકસેસ…. મૂલ્યો – સંવેદના – સંબંધો – પ્રતિષ્ઠા બધું જાય ભાડમાં…. માનવીય મૂલ્યો – અંતરાત્માના અવાજની વાત જ નથી… કોઇ લાંબી તપસ્યા, મહેનત અને ધીરજની ચર્ચા નથી. તેથી પ્રેમમાં પણ ધીરજ નથી. પ્રેમમાં આપવાનું હોય છીનવવાનું નહીં, સંવેદના વિનાની સફળતાનો કોઇ મતલબ નથી હોતો, મારવા કે છીનવવા કરતાં બચાવવું કે આપવું વધારે અગત્યનું છે.

આ સમજાવવાનો સમય કે ધીરજ કેટલાં પેરન્ટ્‌સ પાસે છે? ભલે તું પાછળ રહી જાય, ભલે એ છોકરી તને છોડી દે પરંતુ તું ખોટું નહીં કરે, ખોટું નહીં બોલે એવા સંસ્કાર બાળકને કેમ નથી અપાતા? આજે માતાપિતા અને બાળકો સંવાદ કરે છે ત્યારે માતાપિતાનું જોર માર્કસ,નંબર, મિત્રો અને સગાંસંબંધીઓનાં બાળકો કેટલાં આગળ વધ્યાં? કોણ કેટલું સફળ છે? એના પર જ રહે છે. જિંદગીમાં પૈસા – પ્રતિષ્ઠા નોકરી – છોકરી કેવી રીતે મેળવવી એની દુનિયાભરમાં સલાહ અપાય પરંતુ એ માટે કઇ કઇ લક્ષ્મણરેખા ન ઓળંગવી એનું જ્ઞાન નથી અપાતું. જેમ કે એકઝામમાં ખોટું ન કરવું, સ્પોર્ટસમાં બીજાને હેરાન કરીને કે વગ વાપરીને આગળ ન વધવું, જોબમાં ખોટું ન કરવું પોતાની લીટી મોટી કરવા બીજાની લીટી નાની ન કરવી, છોકરીઓનું રીસ્પેકટ કરવું, ખરો પ્રેમ હોય તો એની ‘ના’નો સ્વીકાર કરવો વગેરે… અગર નૈતિકતાના આ પાઠ બાળકોમાં હશે તો તેઓ ખોટું નહીં જ કરે. એક હદથી નીચે નહીં જ ઊતરે.

બીજી વાત, માની લઇએ કે કશુંક મેળવવાનું ઝનૂન જિંદગીમાં જરૂરી છે પરંતુ આ દુનિયામાં દરેક વ્યકિતને એ ઝંખે તે વસ્તુ કે વ્યકિત મળે જ એ જરૂરી નથી અને એ ન મળે ત્યારે પેરન્ટ્‌સની ભૂમિકા નકારાત્મક નહીં વિધાયક હોવી જોઇએ. ફેલ થયા ઇટ્‌સ ઓકે, ફરી મહેનત કરીશું, નોકરી ન મળી, બીજી ટ્રાય કરીશું, કંઇક બિઝનેસનું વિચારીશું…. નિષ્ફળતા એ લાઇફનો ભાગ છે. એક ક્ષેત્રની નિષ્ફળતાથી આખી જિંદગી નિષ્ફળ કે નકામી નથી બનતી. એવું સમજાવવાને બદલે માત્ર ને માત્ર બાળકની ભૂલો જ ગણાવાશે તો એ સફળતા માટે કોઇ પણ હદે જશે. એવી જ રીતે પ્રેમમાં રીજેકશન મળે એટલે જિંદગી પૂરી નથી થતી. આપણને કોઇ ગમે એટલે કોઇને આપણે ગમીએ એ જરૂરી નથી.

ગમવું, લાગણી જાગવી અને પ્રેમ થવો એ કુદરતી છે. એના પર કોઇની બળજબરી નહીં ચાલે. આટલું સત્ય યુવાન સંતાનોના મગજમાં નાંખવું જ પડે. એમને પ્રેમની જવાબદારી અને મતલબ સમજાવો કે બેટા…. કોઇને ચાહવું એટલે એની સાથે જીવવાની ઇચ્છા કરવી એ જ નથી પરંતુ એના ગમા – અણગમા અને માન – સન્માનને સ્વીકારવું, એની ઇચ્છાને માન આપી એના માટે સુખનો રસ્તો તૈયાર કરી આપવો અને કદાચ પ્રેમ થયા પછી કોઇ પણ કારણસર બ્રેક – અપ થાય કે સામી વ્યકિત બેવફા નીકળે તો પણ એની ખુશીની કામના એ જ પ્રેમ છે, પ્રેમ જીવનમાં ઘણું -બધું છે પરંતુ સર્વસ્વ નથી… ‘પ્યાર સે ભી જરૂરી કઇ કામ હૈ, પ્યાર સબ કુછ નહીં જિંદગી કે લિયે, છોડ – દે સારી દુનિયા કિસી કે લિયે, યે મુનાસિબ નહીં આદમી કે લિયે’ આ હકીકત સમજાવવી જરૂરી છે.

ત્રીજી બાબત છે બદલાની ભાવના અને હત્યા સુધી પહોંચવાનું વલણ…. જયારે પ્રેમમાં રીજેકશન મળે ત્યારે કોઇ ડિપ્રેશનમાં આવે, કોઇ વિદ્રોહી બની બદલો લે અને ત્રીજા પ્રકારના લોકો એને જીવનનું સત્ય માની મુવ ઓન કરે…. ડિપ્રેશનમાં આવતી વ્યકિત પોતાને નુકસાન કરે જયારે વિદ્રોહી વ્યકિત સામી વ્યકિતને નુકસાન કરે. આજકાલ વિદ્રોહનું પ્રમાણ વધ્યું છે કારણ કે રેપ, મર્ડર, મારા-મારીનાં દ્રશ્યો તેઓ અનેક વાર જુએ છે. તેથી મર્ડર, એસિડ એટેક જેવી ઘટનાની અરેરાટી ખતમ થઇ ગઇ છે. લોહી જોઇને ચકકર આવી જાય એવી સંવેદનશીલતા ટીવી-મુવીના ખતરનાક ખેલે છીનવી લીધી છે.

વળી, તેમાંય આજે દરેક ક્ષેત્રમાં નેગેટીવ હીરોઇઝમનાં માન – પાન છે. ખોટા લોકો પૂજાય છે તેથી ખરાબ – ખોટા માટેનું ગીલ્ટ ક્ષણભરમાં વરાળ બનીને ઊડી જાય. તેમાં જુવાનીનો જુસ્સો અને રીજેકશનની લાગણી ઉમેરાતાં તેઓ સાનભાન ભૂલીને ન કરવાનું કરે છે. દુ:ખની વાત એ છે કે પેરન્ટ્‌સ એમનાં સંતાનોનાં મનને વાંચી શકતાં નથી. એની ઉદાસી, આક્રોશ અને મનની આગને સંભાળી શકતાં નથી કારણ કે કમ્યુનિકેશન ઘટયું છે, એકબીજાની વાત – સાંભળવાનો સમય અને ધીરજ બંને નથી. સંતાનનું વર્તન, હાવભાવ જરા પણ બદલાય તો જાગૃત અને સમજુ પેરન્ટ્‌સના ધ્યાનમાં આવી જ જાય છે પણ એ માટે સમય, સ્વસ્થ સંવાદ, બાળકના મતને સમજવાનો પ્રયાસ અને બાળપણથી નૈતિક – સામાજિક મૂલ્યોની ગળથૂથી એમને પીવડાવવી પડે. તમે ચૂકશો તો ઇન્ટરનેટ પરથી મળતું દોઢ ડહાપણ એમને કયારે ખોટી દિશામાં લઇ જશે એ કહેવાય નહીં.                                                                                

– સંપાદક

Most Popular

To Top