surat : સ્મીમેર હોસ્પિટલ ( smimer hospital ) માં કોરોનાની ( corona) સારવાર દરમિયાન મૃત્યુ પામેલા દર્દીના પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે કે, દર્દીને પ્લાઝમા ( plazma) ચઢાવવાના સહમતિ પત્ર પર સ્વર્ગસ્થ પિતાની સહી લીધી હોવાનો અને મૃતકની લાશ સ્વર્ગસ્થ પિતાને સોંપી હોવાનો રિપોર્ટ તૈયાર કર્યો હતો. ડિંડોલી રહેતા અનિલ રામદાસ પાટીલને 12મી એપ્રિલના રોજ ડિંડોલીની ખાનગી હોસ્પિટલમાંથી સ્મીમેર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતાં. તેમનું તારીખ 25મી એપ્રિલના રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. દર્દીનું મોત થતા સ્ટાફ દ્વારા ગાઈડલાઈન પ્રમાણે કાગળો તૈયાર કરી દર્દીના સગાને લાશનો કબજો સોંપી દીધો હતો.
જોકે કાગળો જોઈ અનિલભાઇનો પરિવાર ચોંકી ઉઠ્યો હતો. કાગળ પર મોતનો કબજો મેળવનાર અને મોત અંગે સહુથી પહેલા જેને જાણ કરવામાં આવી હતી એ વ્યક્તિ તરીકે મૃતક અનિલભાઇના પિતા રામદાસભાઈનું નામ હતું. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે રામદાસભાઈ 1995માં જ મૃત્યુ પામ્યા હતાં. પણ સ્મિમેરના કાગળો પર કોવિડ દર્દીને પ્લાઝમા આપવાના સહમતિ પત્રમાં પણ રામદાસભાઈનું નામ અને સહી છે. આટલું જ નહીં પણ કાગળ મુજબ મોત થયાની જાણ પણ રામદાસભાઈને જ કરવામાં આવી હતી. સમગ્ર મામલે મૃતક અનિલભાઇના ભાઈ દીપકભાઈ પાટીલે આ મામલે તપાસની માંગ કરી છે..
દર્દીના સગા પૈકીના કોઈએ નામ અને સહી કરી છે : આરએમઓ
આ મામલે આરએમઓ નરેશ રાણાએ જણાવ્યું હતું કે, આ કેસની વિગત મારા ધ્યાને આવી છે. અમે કોરોના ગાઈડલાઈન ( corona guideline) મુજબ દર્દીઓની સારવાર અને મૃતદેહની સોંપણી કરીએ છીએ. આ મામલે દર્દીના સગા પૈકી જ કોઈએ કાગળો પર સહી કરી છે. પ્લાઝમા ( plazma) માટેની મંજૂરી પણ આપી છે અને લાશનો કબજો પણ મૃતકના સ્વર્ગસ્થ પિતાના નામે મેળવ્યો છે. કોઈ પણ ડોકટર મરાઠીમાં સહી ન કરે. જો કોઈ સ્ટાફ દ્વારા પોતે જ સહી કરી દેવામાં આવી હોય તો એ ઇંગ્લિશ અથવા ગુજરાતીમાં હોય આમ મરાઠી હસ્તાક્ષરો ન હોય શકે.