વલસાડ: (Valsad) વલસાડ તિથલ દરિયા કિનારે મૃતદેહો (Dead bodies) નીકળવાનો સિલસિલો રવિવારે પણ યથાવત રહ્યો છે. ગતરોજ શનિવારે 4 મૃતદેહ બાદ રવિવારે સવારે તિથલ સાઈ મંદિર નજીક દરિયા કિનારેથી વધુ બે અને મગોદડુંગરી દરિયા કિનારેથી (sea shore) 1 મૃતદેહ મળી આવતા પોલીસ ફરી દોડતી થઈ ગઈ હતી. સાથે અગત્યના ડોક્યુમેન્ટ ભરેલી બેગ પણ મળી આવતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે તાઉતે વાવાઝોડામાં બાર્જ પી-305 મુંબઈથી લગભગ 60 કિલોમિટર દૂર 17 મેની સાંજે અરબી સમુદ્રમાં ડૂબી ગયું હતું. આ બાર્જ પર કુલ 261 લોકો સવાર હતા.
- શનિવારે પણ 4 મૃતદેહ મળી આવ્યા હતા, બે દિવસમાં 7 મૃતદેહ મળ્યા
- કાળા કલરની બેગમાંથી કર્મચારીના પાસપોર્ટ, આઈડી કાર્ડ, લાઇસન્સ સહિતના ડોક્યુમેન્ટ મળી આવ્યા
આ બનાવ અંગે ઘટના સ્થળ પરથી મળતી વિગતો પ્રમાણે વલસાડના તિથલ દરિયા કિનારે રવિવારે વહેલી સવારે 5 વાગ્યાના સુમારે સાઈમંદિર નજીક દરિયા કિનારા પાસે બે અજાણ્યા પરુષના મૃતદેહ દરિયામાંથી તણાઈ આવ્યા હતા. જેની જાણ તિથલના સરપંચના પતિ રાકેશ પટેલને થતા તેમણે તાત્કાલિક ગામના ડે. સરપંચ સંકેતભાઈ તેમજ તાલુક પંચાયત સભ્ય ભાવેશ પટેલને આ અંગે જાણ કરી હતી. તેઓએ દરિયા કિનારે તપાસ કરતા બે પુરુષના મૃતદેહ જોવા મળ્યા હતા. જ્યારે સુરવાડા દરિયા કિનારેથી એક શંકાસ્પદ બેગ મળી આવી હતી. મગોદ ડુંગરી દરિયા કિનારેથી પણ 1 મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરતા એક કાળા કલરની બેગમાંથી જહાજમાં ફરજ બજાવતા કર્મચારીના પાસપોર્ટ, આઈડી કાર્ડ, લાઇસન્સ સહિતના અગત્યના ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા.
મહારાષ્ટ્રના દરિયામાં જહાજ ડૂબી જતા અનેક કર્મચારીઓએ જીવ ગમાવ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, 17 મેના રોજ તાઉતે વવાઝોડામાં મહારાષ્ટ્રના દરિયામાં એક જહાજ ડૂબી જવાની ઘટના બની હતી. આ જહાજમાં ફરજ બજાવતા અનેક કર્મચારીઓએ પોતાનો જીવ ગમાવ્યો હતો. જેમાં અત્યાર સુધીમાં વલસાડ જિલ્લાના દરિયા કિનારે અંદાજે 7 જેટલા મૃતદેહ મળી આવ્યા હતા. ઉપરાંત જહાજમાં ફરજ બજાવતા કર્મચારીઓના અગત્યના ડોક્યુમેન્ટ ભરેલી બેગ પણ મળી આવતા પોલીસે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
જણાવી દઈએ કે શનિવારે તીથલ સ્વામિનારાયણ મંદિર પાસેથી ત્રણ અને દાંડીભાગલ દરિયાકિનારેથી એક મળી કુલ્લે ચાર લાશ મળી હતી. આ બનાવની જાણ થતાં વલસાડ પોલીસ (valsad police)નો કાફલો તિથલ દરિયા કિનારે પહોંચી ગયો હતો. આ લાશો એકદમ ફૂલાઈ ગયેલી હોય તેને બહાર કાઢવા માટે તીથલ, ભાગડાવડા, કોસંબા ગામના સરપંચ સહિત ગામના યુવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. લાશને એમ્બ્યુલન્સ (ambulance) મારફતે સિવિલ હોસ્પિટલ (civil hospital)માં ખસેડાઇ હતી અને પોલીસે પણ મૃતદેહોને બહાર કાઢવા માટે મહેનત કરી હતી.