નવી દિલ્હીઃ (New Delhi) દૂરદર્શન (Doordarshan) ચેનલનો લોગો બદલાઈ ગયો છે. તેને રૂબી લાલથી કેસરીમાં બદલવામાં આવ્યો છે. લોગો ભગવો થતા જ અનેક લોકોની પ્રતિક્રિયાઓ સામે આવવા લાગી છે. ડીડીના લોગોમાં ફેરફારથી વિપક્ષ (Opposition) સૌથી વધુ નારાજ છે. વિપક્ષનું કહેવું છે કે ચેનલનું ભગવાકરણ કરવામાં આવી રહ્યું છે. વિપક્ષી નેતાઓનો સવાલ એ છે કે લોકસભા ચૂંટણી પહેલા તેને બદલવાની શું જરૂર હતી. જોકે પ્રસારણકર્તાનું કહેવું છે કે દૂરદર્શનનો લોગો માત્ર ફેરફારના રૂપમાં કેસરી કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ અંગે વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે.
મંગળવારે સાંજે ડીડી ન્યૂઝે તેના સત્તાવાર X હેન્ડલ પર સંદેશ સાથે નવા લોગોનો વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં લખ્યું હતું કે “તમારા મનપસંદ ડીડી ન્યૂઝને નવા અવતારમાં જુઓ, દાવાઓ નહીં, તેઓ તથ્યો દર્શાવે છે, તેઓ દેકાડો નથી કરતા પરંતુ સત્ય પસંદ કરે છે. ડીડી ન્યૂઝ-ભરોસા સચ કા.”
ડીડી ન્યૂઝ ચેનલે મંગળવારે તેના એક્સ હેન્ડલ પર લોગો બદલવાનો વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયોની સાથે એક કેપ્શન પણ હતું. વીડિયો પોસ્ટ કરતી વખતે ડીડી ન્યૂઝે લખ્યું છે કે અમારા મૂલ્યો સમાન છે, પરંતુ હવે અમે એક નવા સ્વરૂપમાં તમારી સામે છીએ. સમાચારની એવી સફર જે તમે પહેલાં ક્યારેય નથી કરી તેના માટે તૈયાર થઈ જાઓ. સંપૂર્ણપણે નવા DD સમાચારનો અનુભવ કરો!
લોગો બદલાયો અને ચર્ચા શરૂ થઈ
ડીડીનો લોગો બદલ્યા બાદ લોકો અને વિરોધપક્ષની પ્રતિક્રિયાઓ પણ સામે આવવા લાગી છે. TACના રાજ્યસભા સાંસદ જવાહર સરકારે આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે દૂરદર્શને તેના ઐતિહાસિક ફ્લેગશિપ લોગોને ભગવા રંગમાં રંગી દીધો છે. ભૂતપૂર્વ CEO તરીકે હું તેના ભગવાકરણને ચિંતાથી જોઈ રહ્યો છું. મને એમ પણ લાગે છે કે તે હવે પ્રસાર ભારતી નથી પણ પ્રચાર ભારતી છે. તમને જણાવી દઈએ કે જવાહર સરકાર 2012 થી 2014 વચ્ચે પ્રસાર ભારતીના સીઈઓ હતા. વિપક્ષના અન્ય એક નેતાએ કહ્યું કે મને ડર છે કે આવતીકાલે ત્રિરંગા ઝંડાનો રંગ પણ બદલીને તેને ભગવો બનાવી દેવામાં આવી શકે છે. આ અંગે સ્પષ્ટતા આપતા ભાજપે કહ્યું કે આપણા રાષ્ટ્રધ્વજનો એક રંગ ભગવો જ છે.
લોગોને લઈને વિપક્ષની ટીકાનો જવાબ આપતા પ્રસાર ભારતીના સીઈઓ ગૌરવ દ્વિવેદીએ જણાવ્યું કે નવા લોગોમાં નારંગી રંગ આકર્ષક છે. તેમણે કહ્યું કે થોડા મહિના પહેલાં G-20 સમિટને ધ્યાનમાં રાખીને અમે ડીડી ઈન્ડિયાને નવી રીતે રજૂ કર્યું હતું અને આ ક્રમમાં ચેનલ માટે ગ્રાફિક્સ નક્કી કર્યું હતું. ગૌરવ દ્વિવેદીએ જણાવ્યું કે તે જ સમયે તેમણે ડીડી ન્યૂઝને વિઝ્યુઅલી અને ટેક્નિકલ રીતે નવા અવતારમાં લાવવાનું કામ શરૂ કરી દીધું હતું.