સુરત : કેન્દ્રીય મંત્રી બન્યા બાદ સુરત (Surat)ના સાંસદ દર્શના જરદોષ (Darshna jardosh) જનઆર્શિવાદ યાત્રાને લઇને સુરતમાં આવ્યા છે. સુરતમાં વિવિધ વિભાગો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું છે, ત્યારે ક્રેડાઇ (CREDAI) દ્વારા યોજાયેલા એક કાર્યક્રમ (Program)માં દર્શના જરદોષે ચેમ્બર ઓફ કોમર્સ (Chamber of commerce) ઉપર પોતાની નારાજગી જાહેર કરી હતી. તેમણે કહ્યું હતું કે, ક્રેડિટ (credit)ની વાત આવે ત્યારે ચેમ્બર વારંવાર વચ્ચે કુદી પડે છે, પોલિટિકલ વિંગમાં અમે કશું કરીએ છીએ કે નહી તે ખબર નથી પરંતુ ક્યારેક એવું થાય કે કોઇ કામ જ કરવા નથી.
મંત્રી દર્શના જરદોષે કહ્યું કે, ટેક્સટાઈલ મંત્રાલય ખુબ જ મોટું છે. સુરતમાં ટેક્સટાઈલનું વિશાલ માર્કેટ છે. દેશના અલગ અલગ શહેરોમાં પણ ટેક્સટાઈલ છે. સુરતનું વોલ્યુમ ભલે મોટું રહ્યું પરંતુ તેની સાથે બીજી કોટન ઇન્ડસ્ટ્રી, નીટિંગ ઇન્ડસ્ટ્રી, ઉત્તરપ્રદેશના વિવર્સો માટેની ઇન્ડસ્ટ્રી, રાજકોટની કોટન ઇન્ડસ્ટ્રી આ તમામનું પણ માર્કેટિંગ કરવું પડશે. ક્યારેક કામ કરતા એવું થાય કે, કામ કર્યું છે તો લોકોની વચ્ચે જઇને કહીએ. મંત્રીએ ચેમ્બરની ઘટનાને યાદ કરતા કહ્યું કે, મંત્રી બન્યાના બે દિવસ બાદ ચેમ્બરમાંથી ફોન આવ્યો. મેં ચેમ્બરના પ્રતિનિધિને બોલાવ્યા, સાથે ડીજીટીઆરના અધિકારીઓ પણ આવ્યા હતા. બીજે દિવસે હું અને સીઆર ભાઈ ગયા. અમે વ્યવસ્થિત આંકડા રજૂ કરીને વિસ્કોર્સ યાર્ન ઉપરની એન્ટિ ડમ્પિંગ ડ્યુટીનો બે જ દિવસમાં નિર્ણય લઇ લીધો.
કોઇ એક એવો મંત્રી બતાવો કે જે 24 કલાકમાં કામ કરી બતાવે. પરંતુ તેમ છતાં જ્યારે મીડિયાના માધ્યમથી ક્રેડિટના વાત આવે ત્યારે ચેમ્બર કૂદી પડે છે..? અમે લેટર લખ્યા હતા. સૌરાષ્ટ્રના લોકો માટે મહુવા ટ્રેન શરૂ કરી તેમાં પણ ચેમ્બરે વારંવાર પોતે રજૂઆત કરી હોવાનો મુદ્દો લાવીને ઊભો રાખ્યો હતો. એ તો સારુ હતું કે, સાંસદ તરીકે અમે પણ રજૂઆતો કરી હતી એટલે રેલ મંત્રી બન્યા બાદ સુરત આવતા ટ્રેનને લીલીઝંડી આપી છે. ચેમ્બરની આવી વાતોથી ક્યારેક કામ કરવાની ઇચ્છા થતી નથી અને તેઓને પાઠ ભણાવવાનું મન થાય પરંતુ જ્યારે શહેર હિતની વાત આવે ત્યારે બધું ભૂલી જવાય છે.
ક્રેડાઈના આગેવાનો દ્વારા મંત્રી દર્શના જરદોષનું સ્વાગત કરાયું
કેન્દ્રીય મંત્રી બન્યા બાદ પ્રથમ વખત સુરત આવેલા સાંસદ દર્શના જરદોષના સન્માન માટે ક્રેડાઈ-સુરત દ્વારા પાલ, ગૌરવપથ પર આવેલી ક્રેટોસ ક્લબમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં ક્રેડાઈ સુરતના ચેરમેન સુરેશ પટેલ, પ્રમુખ રવજી પટેલ (મોણપરા), સેક્રેટરી વિજય ધામેલીયા તેમજ જોઈન્ટ સેક્રેટરી દિપેન દેસાઈ તેમજ કો-ઓર્ડિનેટર જસમત વિડીયા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે સમારોહમાં સુરતના જાણીતા બિલ્ડરો રાજહંસ (દેસાઈ-જૈન) ગ્રુપના જયેશ દેસાઈ, સુરતના ગ્રુપના સંજય સુરાના, અવધ ગ્રુપના દિલીપ ઉઘાડ, વસંત ગજેરા, એમડી માધવજી પટેલ, રઘુવીરના જી.એસ. આસોદરીયા, સંગીની ગ્રુપના વેલજીભાઈ શેટ્ટા સહિતના બિલ્ડરો હાજર રહ્યાં હતાં.