Dakshin Gujarat

ડાંગમાં વીજળીનાં કડાકા સાથે મેઘો વરસ્યો, પ્રવાસીઓએ કુદરતી સૌંદર્યનો આનંદ માણ્યો

સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લામાં (Dang District) સતત ત્રીજા દિવસે વરસાદી (Rain) મહેર થતા પંથક ચોમાસામય બની ગયુ હતુ. ડાંગ જિલ્લામાં ચોમાસાનું વહેલુ આગમન જોવા મળી રહ્યુ છે. ડાંગ જિલ્લામાં ગતરોજ મોડી સાંજે સુબિર તાલુકાનાં ગામડાઓમાં (Village) વીજળીનાં કડાકા ભડાકા સાથે સવા બે ઈંચ જેટલો વરસાદ પડતા સર્વત્ર પાણી પાણીની રેલમછેલ ફરી વળી હતી. સાથે ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં પ્રથમ વખત પૂર્ણા નદી અધધ પ્રવાહ સાથે બન્ને કાંઠે થઈ વહેતી જોવા મળી હતી. બીજી તરફ સાપુતારામાં વરસાદી માહોલનાં પગલે વાતાવરણ ઠંડુગાર બની ગયુ હતુ. વરસાદી માહોલમાં પ્રવાસીઓએ કુદરતી સૌંદર્યનો ભરપૂર આસ્વાદ માણ્યો હતો.

  • ડાંગમાં વીજળીનાં કડાકા ભડાકા સાથે મેઘો વરસ્યો
  • ડાંગ જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘાની મહેર, સાપુતારાનું એક ઇચ વરસાદથી વાતાવરણ ઠંડુગાર
  • ત્રણ દિવસથી વરસાદી માહોલને પગલે પ્રવાસીઓએ કુદરતી સૌંદર્યનો ભરપૂર આસ્વાદ માણ્યો
  • ટાંકલીપાડા માર્ગમાં નદી પર પુલનાં કામ માટે મુકેલું ટેન્કર પૂર્ણા નદીનાં અધધ પ્રવાહમાં તણાયુ
  • સુબિરનાં પાદલખડી ગામનાં પશુપાલકનાં પશુધન પર વીજળી પડતા પાડાનું મોત

ગતરોજ વરસાદી માહોલ વચ્ચે સુબિર તાલુકાનાં પાદલખડી ગામનાં પશુપાલક સીવદાશભાઈ ભોયેનાં પશુધન પર વીજળી પડવાથી એક પાડાનું મૃત્યુ નોંધાયુ હતુ. જ્યારે એક પાડો પશુ દવાખાનામાં સારવાર હેઠળ રખાયો છે. જ્યારે પીપલાઈદેવી ટાંકલીપાડા માર્ગમાં નદી પર પુલનાં કામ માટે મુકેલું ટેન્કર પૂર્ણા નદીનાં અધધ પ્રવાહમાં તણાયુ હતુ. રવિવારે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન, ગલકુંડ, બોરખલ, આહવા, સાકરપાતળ, વઘઇ, સુબિર, ચીંચલી સહિત પૂર્વપટ્ટી અને સરહદીય ગામડાઓમાં સમયાંતરે વીજળીનાં કડાકા ભડાકામાં ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક મધ્યમ વરસાદ વરસ્યો હતો.

રવિવારે આહવા તાલુકામાં 6 મી.મી.વરસાદ, વઘઇ તાલુકામાં 19 મી.મી. સુબિર તાલુકામાં 21 મી.મી. અને સાપુતારા ખાતે 28 મી.મી અર્થાત 1 ઈંચ જેટલો વરસાદ સરકારી દફતરે નોંધાયો હતો. સાપુતારામાં સતત ત્રીજા દિવસે વાદળછાયા વાતાવરણની વચ્ચે વીજળીનાં કડાકા ભડાકામાં મેઘાની સવારી યથાવત રહેતા ફરવા આવેલા પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો. સાપુતારામાં વરસાદી માહોલનાં પગલે વાતાવરણ ઠંડુગાર બની ગયુ હતુ. સતત ત્રીજા દિવસે સાપુતારા ખાતે હળવા વરસાદી માહોલમાં મૌસમનાં રંગીન મિજાજમાં પ્રવાસીઓએ આહલાદક સ્થળોની મુલાકાત લઈ કુદરતી સૌંદર્યનો ભરપૂર આસ્વાદ માણ્યો હતો.

Most Popular

To Top