ભરૂચ: (Bharuch) ભરૂચ જિલ્લા પોલીસે થર્ટી ફસ્ટ અને ન્યૂ યરે (New Year) પોલીસના મહેમાન બની રાત લોકઅપમાં ન વીતે તે માટે સૌ કોઈને અગાઉથી જ વોર્ન કર્યા હતા. જોકે 32મી ડિસેમ્બરની ડાન્સ, ડ્રીંક એન્ડ ડ્રાઈવ (Dance Drink And Drive) સાથે ઉજવણી કરવામાં નશેબાજો ભરૂચ જિલ્લા પોલીસની ચેતવણી નજર અંદાજ કરી ગયા હતા.
- જિલ્લાના તમામ પોઇન્ટ, ચોકડી અને સર્કલ ઉપર થર્ટી ફસ્ટની સાંજથી નવા વર્ષની રાત સુધી ચેકીંગ
- પોલીસના મહેમાન નહીં બનવા જિલ્લા પોલીસે પહેલેથી જ વોર્ન કર્યા છતાં નશેબાજો સુધર્યા નહીં
- ડ્રીંક એન્ડ ડ્રાઈવ, લથડીયા ખાતા સૌથી વધુ 28 લોકો અંકલેશ્વરમાં પકડાયા
31મીની સાંજથી જ ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લાભરમાં તમામ પોલીસ હાઇવે, બ્રિજ, સર્કલ, ચોકડી અને પોઈન્ટો ઉપર ચેકીંગમાં ગોઠવાઈ ગઈ હતી. ખરાબ ડ્રાઇવિંગ, ડ્રીંક એન્ડ ડ્રાઈવ, અન્ય અસામાજિક પ્રવૃત્તિ સામે પોલીસની ટીમોએ ઠેર ઠેર ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં રાત સુધીમાં જ જિલ્લાના 13 પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં 49 પીધેલાઓના કેસ કરાયા હતા. જેઓએ નવા વર્ષની રાત લોકઅપમાં પોલીસના વિશેષ મહેમાન બની ગુજારવાનો વારો આવ્યો હતો.
સૌથી વધુ અંકલેશ્વરમાં 28 પીધેલાઓ પકડાયા હતા. જિલ્લામાં રાત સુધીમાં પીધેલાઓની અડધી સદી વાગી ગઈ હતી. આ ઉપરાંત ઉમલ્લામાં 4, ભરૂચ સી-ડિવિઝનમાં 3, આમોદ, નબીપુર, નેત્રંગ અને વેડચમાં બે બે, જ્યારે જંબુસર, દહેજ મરીન, પાલેજ, ભરૂચ રૂરલ, રાજપારડી અને હાંસોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાતે ચેકીંગ દરમિયાન લથડીયા ખાતા એક એક પીધેલા પકડાયા હતા.
ભરૂચમાં નવા વર્ષની ઠેર ઠેર ઉજવણી, દેવળોમાં પ્રાર્થના સભા યોજાઇ
ભરૂચ : ઈસુના નવા વર્ષ 2023ને ભરૂચ, અંકલેશ્વર સહિત શહેર અને જિલ્લામાં આતશબાજી સાથે શુભેચ્છાઓનો ધોધ વરસાવી અવકારવામાં આવ્યું હતું. ભરૂચના ચર્ચમાં ખ્રિસ્તી સમાજ દ્વારા થર્ટી ફસ્ટની રાતે વિદાય લેતા વર્ષ 2022ને પરંપરા મુજબ બર્નિંગ ધ ઓલ્ડમેનને સળગાવી નવા વર્ષ 2023 ને આવકાર અપાયો હતો. ચર્ચ પરિસરમાં પરંપરા મુજબ ધ ઓલ્ડમેનનું પૂતળું બનવવામાં આવ્યું હતું. જેના ઉપર ગુડબાય 2022 સાથે ગો કોરોના, વ્યસન, અભિમાન, અંધશ્રદ્ધા, ભેદભાવના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા.
બર્નિંગ ધ ઓલ્ડમેનની પરંપરા મુજબ તેમાં સૌ કોઈ ખ્રિસ્તી બંધુઓ જોડાયા હતા. જેમાં વિદાય લેતા વર્ષ 2022 ઓલ્ડમેનના પ્રતિકને સળગાવી તમામના જીવન અને જગતમાં અંધકાર, દુઃખ, પીડાને વિદાય અપાઈ હતી. વર્ષ 2022 માં જે કઈ સુખ દુઃખના અનુભવો મળ્યા તેની શીખ લઇ પ્રભુનો આભાર વ્યક્ત કરાયો હતો. નવું વર્ષ પ્રભુને અર્પણ કરી, પ્રભુ લોકો ઉપર પ્રેમ, પ્રકાશ વરસાવી દરેકના જીવનમાં આંનદ ભરે તેવી પ્રાર્થના કરાઈ હતી.
રાત્રે 12 ના ટકોરે આતશબાજી કરી નવા વર્ષના વધામણાં સાથે એકમેકને હેપી ન્યૂ યરની શુભકામનાઓ પઠવાઈ હતી. આજે રવિવારે વર્ષના પ્રથમ દિવસે ચર્ચમાં ખાસ નવા વર્ષની પ્રાર્થના કરી ખ્રિસ્તી બંધુઓએ નવું વર્ષ વીતે એવી પ્રાર્થના કરવામાં આવી હતી.