દમણ: (Daman) સંઘપ્રદેશ દમણની સાથે દક્ષિણ ગુજરાતના દરિયામાં (Sea) 27 જૂન થી 1 જૂલાઈ સુધી ભારે પવન ફૂંકાવાની શક્યતાને જોતા ભારત સરકારના હવામાન વિજ્ઞાન વિભાગ (Meteorological Department) અમદાવાદ દ્વારા ચેતવણી જારી કરવામાં આવી છે. જે મુજબ મગદલ્લા તથા દમણના (Magdalla And Daman Sea) દરિયામાં 40 થી 50 કિલો મીટરની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતાને જોતા 3 નંબરનું સિગ્નલ લગાવી માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે.
- દમણના દરિયા કિનારે 3 નંબરનું સિગ્નલ : માછીમારોને દરિયો નહીં ખેડવાની સલાહ
- તા. 27 જૂનથી 1 જુલાઈ સુધી ભારે પવન ફૂંકાવાની સંભાવનાને પગલે આદેશ આપવામાં આવ્યો
- દરિયો તોફાની બનવાની દહેશતને પગલે હવામાન વિભાગે ચેતવણી આપી
હવામાન ખાતાની આગાહી મુજબ દ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપવાવ, વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા તથા દમણના દરિયામાં 40 થી 50 કિલો મીટરની ઝડપે ભારે પવન ફૂંકાય શકે એમ છે. સાથે પવનની ઝડપ 65 કિલો મીટર સુધી પણ જઈ શકે એમ હોય ત્યારે આવા સંજોગોમાં દરિયો તોફાની બનતો હોય છે. જે સંજોગોને જોતાં તમામ માછીમારોને દરિયો નહીં ખેડવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી ચેતવણીને પગલે દમણ પ્રશાસને પણ 3 નંબરનું સિગ્નલ પણ લગાવી પ્રદેશના માછીમારો અને લોકોને સચેત કરી દરિયા કિનારાઓથી દૂર રહેવાની સલાહ આપી છે. દમણમાં વીક એન્ડ તથા રોજ બરોજ આવતા પર્યટકો પણ જીવના જોખમે દરિયામાં નાહવા માટે જતાં હોય છે. એમને પણ અગાઉ દરિયામાં નાહવા ઉપર લગાવવામાં આવેલી કલમ 144 નું પાલન કરવા તથા તેના ઉલ્લંઘન પર દંડાત્મક કાર્યવાહી કરવાની પ્રશાસનને ચીમકી ઉચ્ચારી છે.
દરિયામાં નાહવા પર લગાવેલી કલમ 144 નું સરેઆમ ઉલ્લંઘન
લોકોને દરિયામાં નાહવા પર કલેક્ટરે અગાઉ કલમ 144 લગાવી પ્રતિબંધ લગાવ્યો હોવા છતાં પર્યટકો દરિયામાં ઉતરી નાહવાની મઝા માણે છે. નાની દમણના સી-ફેસ જેટી દરિયા કિનારે 27 જૂનના રોજ સાંજે પર્યટકો જીવના જોખમે દરિયા કિનારે નાહતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં પણ દરિયામાં નાહવા પડેલા લોકોને બહાર કાઢવા કે ચેતવણી આપવા માટે પણ પોલીસ કે પ્રશાસનનો કોઈ વ્યક્તિ જોવા મળ્યો ન હતો. ત્યારે જોખમી બનેલા દરિયામાં હવે વધુ જીવ ન હોમાય એ પહેલા ખરાબ હવામાનને જોતા પ્રશાસન સફાળે જાગી પ્રદેશના દરિયા કિનારે સિક્યુરીટી વધારે અને લગાવામાં આવેલી કલમનું શખ્તપણે પાલન કરાવે એ હવે જરૂરી બન્યું છે.