સેલવાસ-દમણ: (Daman) સંઘપ્રદેશ સેલવાસના મસાટ વિસ્તારમાં વાછરડાની (Calves) તસ્કરીની (Smuggling) ઘટના સામે આવી છે. ગૌતસ્કરો વાછરડાને બેભાન કરી રસ્તા પરથી ઘસડીને વાહનમાં નાખે એ પહેલા જ એક ટ્રક ડ્રાઇવર સરદારજીની સતર્કતાને પગલે ગૌ તસ્કરી કરવા આવેલા લોકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
- વાછરડાઓને બેભાન કરી લઈ જતા તસ્કરો સાથે ભીડતાં ટ્રક ડ્રાઇવર સરદારજી
- સેલવાસના મસાટમાં વાછરડાને બેભાન કરી રસ્તા પરથી ઘસડીને વાહનમાં નાખે એ પહેલા ટ્રક ડ્રાઇવરની સતર્કતાથી ગૌ તસ્કરી અટકી
મળી રહેલી જાણકારી પ્રમાણે સેલવાસ મસાટના પાદરીપાડા પાસે એક વાડી જેવી પાર્કિંગની જગ્યા પર 4 થી 5 લોકો વિચરતા ઢોરો અને ગૌવંશોના વાછરડાઓને બેભાન કરી તેમને ગળા અને પગના ભાગે દોરડા વડે બાંધી જમીન પર ઢસડીને લઈ જતા હતા. આ દરમ્યાન એક ટ્રક ડ્રાઇવર સરદારજીએ તેમની ટ્રક પાર્કિંગ કરી હોઈ ત્યારે એમને કંઈ અજુક્તું લાગતા અજાણ્યા લોકોએ તેમની ટ્રકમાંથી ડીઝલ ચોરવાનો પ્રયાસ કરતા હોય એવું લાગતા તેઓ ટ્રકમાંથી ઉતરી જોતા અમુક લોકો ગાયના વાછરડાને જમીન પર ઢસડીને લઈ જતા હતા.
આ ઘટના જોતા સરદારજીએ તુરંત ગૌતસ્કરો સાથે બાથ ભીડી વાછરડાઓને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યાં અન્ય લોકો પણ ભેગા થઈ જતાં વાછરડાને ઉઠાવવા આવેલા તસ્કરો ત્યાંથી કારમાં બેસી સેલવાસ તરફ ભાગી છૂટ્યા હતા. ઘટનાની જાણ સેલવાસ પોલીસને કરતા પોલીસની એક ટીમ પણ સ્થળ પર આવી જરૂરી કાર્યવાહી કરી ટ્રક ડ્રાઇવરનું નિવેદન લઈ આ મામલે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સેલવાસના ડોકમરડીમાં નિર્માણાધીન બિલ્ડીંગના આઠમા માળેથી પટકાયેલા શ્રમિક પરિવારના બાળકનું મોત
સેલવાસ-દમણ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી સેલવાસના ડોકમરડી બ્રિજની બાજુમાં 10 માળના એક બિલ્ડીંગનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે કોન્ટ્રાક્ટરના નેજા હેઠળ કામ કરતા કપરાડા તાલુકાના એક મજૂર પરિવારનો 6 વર્ષીય પુત્ર ઘાણવેરી કપરાડાની સરકારી હોસ્ટેલમાં ભણતો હતો. પણ મકરસંક્રાંતિની રજાને કારણે પરિવાર સાથે બિલ્ડીંગ નિર્માણ કાર્ય સાઈટ પર આવીને રહ્યો હતો. બાળક તેની માતા સાથે બિલ્ડીંગના આઠમા માળે જઈ રહ્યો હતો. ત્યારે અચાનક બાળકનો પગ લપસી જતા તે સીધો આઠમા માળેથી નીચે પટકાયો હતો. જ્યાં તેને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા જ કોન્ટ્રાક્ટર તથા પરિવારના સભ્યો તેને સારવાર અર્થે સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાતા સારવાર દરમ્યાન બાળકનું મોત નિપજતા મજૂર પરિવારમાં શોકની કાલીમા પથરાઈ ગઈ હતી. ઘટનાની જાણ સેલવાસ પોલીસને થતાં પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.