સેલવાસ-દમણ: (Daman) સંઘ પ્રદેશ દાનહના સેલવાસમાં હવે ખુલ્લામાં અને જાહેર વિસ્તારોમાં દારૂનું (Alcohol) સેવન કરશો તો જેલમાં જવું પડશે. કારણ કે, પોલીસે ગલી ખૂચાઓમાં અને ખાણીપીણીની લારીઓ પાસે દારૂનું સેવન કરતાં 22 જેટલા લોકોને પકડી પોલીસ (Police) મથકે લાવી કાયદાકીય કાર્યવાહી કરી છે.
છેલ્લા ઘણા સમયથી સેલવાસના વિવિધ વિસ્તારોમાં ચાઈનીઝની લારીઓ, ઈંડાની લારીઓ, ગલી ખૂંચાઓમાં તથા સાર્વજનિક સ્થળોની આસપાસ અમુક લોકો દ્વારા ખુલ્લામાં દારૂનું સેવન કરાઈ રહ્યું હોવાનું પોલીસ વિભાગના અધિક્ષક આર.પી. મીણાના ધ્યાન પર આવતાં તેમના દિશા નિર્દેશ હેઠળ સેલવાસ પોલીસ દ્વારા એક ટીમ બનાવી છેલ્લા 3 દિવસથી જાહેર રસ્તાઓ, ખુલ્લા મેદાનની આસપાસ, ગલીખૂંચાઓ, સાર્વજનિક સ્થળોની આસપાસ તથા ખાસ કરીને ચાઈનીઝની લારીઓ અને આમલેટની લારીઓ પાસે દારૂનું સેવન કરી રહેલા 22 જેટલા લોકોને પકડી પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જ્યાં પકડાયેલા તમામ લોકોને મામલતદાર સમક્ષ રજુ કર્યા બાદ તેમને છોડવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં પોલીસે 40થી વધુ લોકોને દારૂના સેવન કરવા બદલ પકડી કાર્યવાહી કરી હતી. ત્યારે હવેથી સેલવાસમાં જાહેરમાં દારૂનું સેવન કરનારાઓને સીધા જેલના સળિયા પાછળ ધકેલવાની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે.
દમણની હોટલ રાજ પેલેસના રૂમમાં ડ્રગ્સ વેચતો શખ્સ પકડાયો
દમણ: સંઘ પ્રદેશ દમણ પોલીસે શહેરના મધ્યમાં આવેલી એક હોટલના રૂમમાં રહેતા શખ્સની ડ્રગ્સનું વેચાણ કરવાના ગુનામાં ધરપકડ કરી છે.12 ઓક્ટોબરે પોલીસને ગુપ્ત રાહે બાતમી મળી કે, નાની દમણની રાજ પેલેસના રૂમમાં રહેતો એક વ્યક્તિ રૂમમાંથી કેફી પદાર્થ વેચી રહ્યો છે. જેથી પોલીસની એક ટીમે હોટલ પર જઈ છાપો માર્યો હતો અને હોટલના રૂમમાં રહેતા શખ્સની અટક કરી ત્યાં તપાસ કરતાં પોલીસને 2 નાની નાની બેગમાંથી સફેદ કલરનો પાવડર મળ્યો હતો આ સાથે એક નાનું વજનકાંટા મશીન અને 2 મોબાઈલ ફોન મળ્યા હતા.
પોલીસે આ મામલે તાત્કાલિક વલસાડ એફ.એસ.એલ.ની ટીમને બોલાવતા ટીમે જપ્ત કરાયેલા પાવડરની એક થેલીની તપાસ કરતા તેમાં મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું ખુલ્યું હતું. જ્યાં પોલીસને એક થેલીમાંથી 190.36 ગ્રામ ડ્રગ્સ અને બીજી થેલીમાંથી સાધારણ પાવડર મળ્યો હતો. જે જોતાં પોલીસે આ મામલે એન.ડી.પી.એસ. એક્ટ્ની વિવિધ કલમો હેઠળ રાજસ્થાનના બાડમેર ખાતે રહેતા 37 વર્ષીય આરોપી ગણપતલાલ મોહનલાલ માલીની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીના 18 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.