ડાકોર: ડાકોરના વોર્ડ નં ૩ માં આવેલ એક સોસાયટીમાં અવરજવર કરવા માટેનો મુખ્ય રસ્તો છેલ્લાં દશ વર્ષથી અતિબિસ્માર હાલતમાં ફેરવાયો છે. તેમછતાં તંત્ર દ્વારા આ સોસાયટીમાં નવો રસ્તો બનાવવાની કે ખાડા પુરવાની તસ્દી લેવામાં આવતી ન હોવાથી સ્થાનિકોને અવરજવર કરવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે તંત્ર દ્વારા વહેલીતકે આ સોસાયટીનો રસ્તો નવો બનાવવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ ઉચ્ચારી છે. ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરના વોર્ડ નં ૩ માં હઝરત પાર્ક સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં રહેતાં ૨૦૦ જેટલા રહીશો છેલ્લાં દશ વર્ષથી બિસ્માર રસ્તાને પગલે સતત મુશ્કેલીમાં મુકાઈ રહ્યાં છે.
ચોમાસામાં આ બિસ્માર રસ્તા પર કાદવ-કિચડનું સામ્રાજ્ય સર્જાય છે. જેને પગલે રહીશોને અવરજવર કરવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે. કાદવ-કિચડમાંથી ચાલતાં પસાર થતાં સમયે અનેક સ્થાનિકો લપસી રહ્યાં છે. તદુપરાંત બાઈક-મોપેડ જેવા વાહનો સ્લીપ ખાઈ જવાના પણ બનાવો બનતાં હોય છે. આવા સમયે રાહદારી તેમજ વાહનચાલકોને નાની-મોટી ઈજા પણ પહોંચતી હોય છે. જેથી સ્થાનિકોએ નવો રસ્તો બનાવવાની માંગ સાથે પાલિકાતંત્ર સમક્ષ અનેકોવાર રજુઆત કરી છે. પરંતુ પાલિકાનું નઘરોળ તંત્ર સ્થાનિકોની રજુઆતો ધ્યાને લેતું નથી. નવો રસ્તો બનાવવાનું તો ઠીક, પાલિકાતંત્ર આ બિસ્માર રસ્તા પરના ખાડા પુરવાની તસ્દી પણ લેતું નથી. જેને પગલે પાલિકા પરત્વે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને પાકો રસ્તો બનાવવા માંગ ઉઠી છે.
કાઉન્સિલરો ચુંટણી ટાણે જ આવે છે
સોસાયટીમાં રહેતા અલફાઝ વ્હોરા જણાવે છે કે, જ્યારે રસ્તા બાબત ની વાત આવે ત્યારે કનડગત ઊભી કરી રસ્તાનું કામ રોકી દેવામાં આવે છે, વોર્ડના કાઉન્સિલરો માત્ર ચુંટણી ટાણે જ સોસાયટીમાં નજરે પડે છે. ચુંટણી બાદ ક્યારેય સોસાયટીમાં ફરકતાં જ નથી અને અમારી રજુઆતો પણ ધ્યાને લેતાં નથી.
સોસાયટીમાં રોગચાળો ફેલાવાની દહેશત
આ મામલે એક સ્થાનિક જણાવે છે કે, હાલ ચોમાસાના વરસાદને પગલે સોસાયટીના બિસ્માર માર્ગ પર કાદવ-કિચડનું સામ્રાજ્ય ફેલાયું છે. તદુપરાંત છેલ્લાં કેટલાક મહિનાઓથી આ રસ્તા પર પાણી ભરાઈ રહેલું હોવાથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. તેમછતાં પાલિકાતંત્ર દ્વારા સોસાયટીમાં દવાનો છટકાંવ કરવામાં આવતો નથી. જેને પગલે રોગચાળો ફેલાવાની દહેશત વર્તાઈ રહી છે.