SURAT

95 વર્ષથી સુરતને મહેકાવી રહ્યા છે ડાહ્યાભાઈ પરસોત્તમદાસ માળીના સુગંધિત ફૂલો

HTML Button Generator

આજે સુરતમાં દેશ-વિદેશના વિવિધ જાતના, રંગના, સુગંધના આકર્ષક ફૂલો ઠલવાય રહ્યાા છે. જ્યાં મેરેજના રિસેપ્શન હોય ત્યાં ફૂલોથી ભવ્ય ડેકોરેશન કરાય છે. અત્યારના સમયમાં તો ફૂલોથી ડેકોરેશન કરવા પાછળ સુરતીઓ લાખો રૂપિયા ખર્ચી નાખતા હોય છે. સ્ટેજ ડેકોરેશન, દુલ્હા-દુલ્હન માટેની કારના ડેકોરેશન, ગણેશ ઉત્સવના પંડાલોનું ડેકોરેશન, વિવિધ પ્રકારની પાર્ટીમાં ડેકોરેશન, ભવ્ય શો-રુમ, શોપના ઉદ્દઘાટન વેળા કરાતા ડેકોરેશનમાં, મંદિરના શણગારમાં ફ્લાવર્સનું મહત્ત્વ વધી જતું હોય છે. હવે તો બારેમાસના બધા જ દિવસોમાં ફૂલોની ખપત રહેતી હોય છે.

પણ 100 વર્ષ પહેલા સુરતનું ફૂલ માર્કેટ સીમિત હતું. ત્યારે તો પૂજા-પાઠ, લગ્નમાં દુલ્હા-દુલ્હનની માળા બસ એટલા પૂરતી જ ફૂલોની ડીમાંડ રહેતી. ત્યારે તો ગુલાબ, ચમેલી, તગરી, ગલગોટાના ફૂલો જ વધારે જોવા મળતા. ત્યારે સુરતમાં માળીઓની દુકાન પણ ગણી-ગાંઠી હતી. એ સમયે 95 વર્ષ પહેલા નાનપુરા પોલીસ ચોકી પાસે ડાહ્યાભાઈ માળીએ મુંબઈથી ફૂલો મંગાવી વેચવાનું શરૂ કર્યું હતું. તેમની ફૂલોની દુકાનનો પહેલા શું વપરાશ થતો? લોકો તેમની દુકાને ફૂલો લેવા ક્યાં-ક્યાંથી આવતા? તે જમાનામાં ફૂલોની શું કિંમત રહેતી ?તે આપણે ડાહ્યાાભાઈ પુરસોત્તમદાસ માળી પેઢીનાં વર્તમાન સંચાલકો પાસેથી જાણીએ….

વંશવેલો
ડાહ્યાભાઈ પરસોત્તમદાસ માળી
બાબુભાઇ ઉર્ફે બુધિયાભાઈ માળી
ભરતભાઈ બુધિયાભાઈ માળી
કરણ ભરતભાઈ માળી

SMC, GST, કસ્ટમ, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના કાર્યક્રમો માટે મળે છે ઓર્ડર: ભરતભાઈ માળી
ત્રીજી પેઢીનાં સંચાલક ભરતભાઈએ જણાવ્યું કે, અમને SMC, GST, કસ્ટમ વિભાગ, ઇન્કમટેક્સ વિભાગ, ક્રિભકો, રિલાયન્સ દ્વારા થતા કાર્યક્રમોમાં ડેકોરેશન, મહેમાનોનું બુકેથી સ્વાગત કરવા, ફૂલોની માળાના ઓર્ડર મળે છે. પહેલા અમારે મુંબઈ ફૂલો લેવા જવું પડતુ. પછી સરદાર માર્કેટ અને અશ્વનિકુમાર રોડ ફુલમાર્કેટમાંથી જ ફૂલો મળવા લાગ્યા છે. એટલે મુંબઈ જવાની જરૂર નથી રહી. પહેલા સરદાર માર્કેટ અને એ.કે. રોડ ફૂલ માર્કેટથી અમે સવારે 4 વાગ્યે ઓટોરિક્ષામાં જથ્થાબંધ ફૂલો લાવતાં.

પહેલા એક આનામાં ફૂલો મળતા હવે 10 થી લઈ રૂ. 4-5 હજારના હાર મળે છે: કરણ મળી
ચોથી પેઢીનાં સંચાલક કરણભાઈએ જણાવ્યું કે, મેં મારા દાદા અને મારા ફાધર પાસેથી સાંભળ્યું છે કે વર્ષો પહેલા એક અને બે આનામાં ઢગલાબંધ ફૂલો મળતા હતા. એ વખતે તો સુરતની જનસંખ્યા પણ ઓછી હતી એટલે ફૂલોની ખપત ઓછી હતી. હવે ગુલાબનું એક ફૂલ 10. રૂપિયા મળે છે. મેરેજમાં દુલ્હા-દુલ્હનના ફેન્સી ફૂલોના હાર, મહાનુભાવોને સ્વાગતમાં પહેરાવવામાં આવતા ફૂલોની માળા 4થી 5 હજાર રૂપિયા સુધીની મળે છે. છેલ્લા 30-40 વર્ષથી બર્થડે પાર્ટી, મેરેજ, વેડિંગ રિસેપ્શન, ઓપનિંગના પ્રોગ્રામમાં ફેન્સી ફૂલોથી ડેકોરેશનનું ચલણ વધ્યું છે.

મુંબઈથી ફૂલો લાવવા માટે બાબુભાઇ ઉર્ફે બુધિયાભાઈએ 50 વર્ષ ટ્રેનમાં અપડાઉન કર્યું
ડાહ્યાભાઈના પુત્ર બાબુભાઇ ઉર્ફે બુધિયાભાઈએ ધંધાનો વિકાસ કર્યો હતો. મોટાભાગના ફૂલો મુંબઈથી લાવવામાં આવતા હતા. બુધિયાભાઈ જાતે ફૂલો લેવા મુંબઈમાં દાદર જતા. તેઓ રાત્રે 11 વાગ્યાની મુંબઈ માટે ટ્રેન પકડતા અને સવારે 11 વાગે ફૂલ લઈને સુરત આવતા. ટ્રેનમાં જ વાપી, વલસાડના વેપારીઓને સ્ટેશન પર ફૂલનો સપ્લાય કરતા. તેમણે 50 વર્ષ ટ્રેનમાં અપડાઉન કર્યું. તેઓ સ્ટેશનથી ઘોડાગાડીમાં ફૂલો લાવતાં હતા. એ સમયે આખા સુરતમાંથી માત્ર 4 માળી મુંબઈ ફૂલો લેવા જતા જતા હતા. એ જમાનામાં આ દુકાને ફૂલો લેવા ભીમપોર, ડુમસ, ભીમરાડ, અલથાણ, ઓલપાડથી લોકો આવતા હતા.

ગણેશ ઉત્સવમાં 7થી 8 ફૂટના હાર પણ લઈ જાય છે
કરણભાઈએ જણાવ્યું કે ગણેશ ઉત્સવમાં કરેણ, લિલી, ગલગોટા, તગરીના ફૂલ, ચાઈનીઝ રોઝ, ઓર્કીડના ફૂલોની ડીમાંડ રહે છે. ગણેશજીની પ્રતિમા જેટલા ફૂટ ઊંચી હોય એટલા ફૂટની માળા ગણેશજીના ભક્તો લઈ જાય છે. આ ઉત્સવમાં રોજે રોજ 20 કિલો ગલગોટા , 10 કિલો ગુલાબ, ચાર-પાંચ કિલો તગરીના ફૂલ વેચાઈ જાય છે.

2006ની રેલમાં ગોડાઉનમાં રહેલા ફુલોને સામાનને નુકસાન થયું હતું
કરણ માળીએ જણાવ્યું કે, શરૂઆતમાં અમારી દુકાન નાની હતી. ધંધાનું વિસ્તરણ થતા અમે દુકાન મોટી કરી. જોકે, 2006માં સુરતમાં જે મોટી ભયંકર રેલ આવી હતી તેમાં અમને આર્થિક ફટકો પડયો હતો. ગોડાઉનમાં પાણી ભરાતા આર્ટિફિશિયલ ફૂલોના માલને અને ફૂલો અને માળા રાખવાની ટોપલીઓને પણ નુકસાન થયું હતું. લગભગ 25-30 હજાર રૂપિયાના માલને નુકસાન થયું હતું. કેટલાક દિવસો સુધી દુકાન પણ બંધ રાખવી પડી હોવાથી ધંધો પણ મંદ રહ્યો હતો.

વખત જતા બદલાયો ફૂલોનો અને ડેકોરેશનનો ટ્રેન્ડ
પહેલાના સમયમાં ગલગોટા, ગુલાબ, કરેણ, ગલાિટયા, તગરી, ચમેલી વગેરે જેવા ફૂલોનો ટ્રેન્ડ હતો જેનો ઉપયોગ પૂજા લગ્ન પ્રસંગ કે કઇ પણ સારા-નરસા પ્રસંગોમાં કરવામાં આવતો. આજે વખત જતા જૂના ફૂલો સાથે ચાઇનીઝ રોઝ, આર્કિડ, એન્થોનિયમ વગેરે જેવા ફેન્સી ફૂલોનો ટ્રેન્ડ જોવામાં આવે છે. આ સાથે ડેકોરન, વરમાળા, ગાડી ડેકોરેશન વિ. પણ ખૂબ ફેન્સી બન્યા છે. જેમાં લોકો ઘણો ખર્ચ કરતા જોવા મળે છે. આજે લગ્ન પ્રસંગના ડેકોરેશનમાં જીપ્સી ફૂલોનો પણ ખૂબ વપરાશ જોવા મળે છે. નવા જમાનામાં વેલેન્ટાઇન ડે ઉજવણીએ પણ ફૂલોના વપરાશમાં સારંુ એવું યોગદાન આવ્યું છે.

ઓલપાડ અને જહાંગીરપુરામાં કાશ્મીરી ગુલાબની થાય છે ખેતી
ઓલપાડ અને જહાંગીરપુરામાં કાશ્મીરી ગુલાબની ખેતી થાય છે. સચિન, મરોલી અને ભરૂચમાં પણ ગુલાબની રેગ્યુલર ખેતી થાય છે. આ ગુલાબનો ઉપયોગ મોટાભાગે હાર અને બુકે બનાવવા માટે થાય છે. સુરતની આસપાસ ચમેલી અને પરસના ફૂલોનું પણ સારું ઉત્પાદન થાય છે. જ્યારે તુલસીનું ઉત્પાદન મોટાવરાછા ઉપરાંત જહાંગીરપુરામાં વધારે થાય છે.

પહેલા હતો ભેંસોનો તબેલો
આ પેઢીની સ્થાપના ડાહ્યાભાઈ માળીએ 95 વર્ષ પહેલાં કરી હતી. ત્યારે એમની દુકાન સાવ નાની હતી. આ દુકાનની જગ્યા પર પહેલા ભેંસોનો તબેલો હતો. ડાહ્યાભાઈના પિતા પરસોત્તમદાસ દૂધ વેચવાનો ધંધો કરતા હતા. ડાહ્યાભાઈએ ફૂલોનું વેચાણ શરૂ કર્યું હતું. એ વખતે આ જ વિસ્તારમાં ફૂલોનું વેચાણ કરતી એક બીજી પણ દુકાન હતી. મુંબઈ અને વડોદરાથી ફૂલો આવતા. ત્યારે ફૂલોનો ઉપયોગ મંદિરમાં પૂજાપાઠ, મરણક્રિયા, લગ્નપ્રસંગો, મસ્જિદ, ચર્ચ, જૈન દહેરાસરમાં થતો.

દિવાળીના દિવસોમાં રોજ કરતા 15થી 20 ગણો વ્યાપાર થાય છે
ભરતભાઈએ જણાવ્યું કે દિવાળી, નવરાત્રી, આઠમમાં ફૂલોની ઘરાકી વધી જાય છે. નવરાત્રી અને દિવાળીમાં સેવંતી અને ગલગોટાનું વેચાણ વધારે થાય છે. દિવાળીમાં શોપના ઓપનિંગ વધારે હોય તેના માટે અને ઘરોની સજાવટ માટે ફૂલોની ડીમાંડ વધારે રહે છે. તે વખતે 15થી 20 ગણો વધારે વેપાર થાય છે. ત્રણ જ દિવસમાં ત્રણથી 4 હજાર ફૂટ તોરણ બનાવાય છે.

ક્યાં-ક્યાંથી આવે છે ફેન્સી ફૂલો
સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ફેન્સી ફૂલો દેશ-વિદેશથી આવવા લાગ્યા છે. જીપ્સીના ફૂલોની ડીમાંડ છેલ્લા 5 વર્ષથી વધી છે જે નાસિક અને પુણેથી આવે છે. જ્યારે થાઇલેન્ડથી ઓર્કીડના ફૂલો આવે છે અને બેંગ્લોરથી એંથોરીયમના ફૂલો સુરતના માર્કેટમાં ઠલવાય છે. બારડોલીમાં સનફલાવરના ગ્રીન હાઉસ છે. વ્યારા અને માંડવીમાંથી પણ સનફલાવરના ફૂલોનો જથ્થો સુરત સિટીમાં ઠલવાય છે.

Most Popular

To Top