વ્યારા: ઉકાઈ ડેમ (Ukai Dam) વિસ્તારમાં સફેદ આકાશી વાદળ તીવ્ર ગતિથી ફરતો નીચેથી ઉપર તરફ જતો દેખાયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ ઘટનાનો વિડીયો (Video) ઉતારતો યુવક આદિવાસી વસાવા ભાષામાં આ વિડીયો સ્થાનિક દક્ષિણ ગુજરાતનાં (South Gujarat) આદિવાસી વિસ્તારનો હોવાની વાતને પુષ્ટી આપે છે. પણ સત્તાવાર કોઇ માહિતી મળી નથી. જો આ ઉકાઈ ડેમ વિસ્તારનો વિડીયો હોય તો ઉકાઈ ડેમનાં ઇતિહાસમાં પહેલીવાર આવું સાયક્લોન (Cyclone) જોવા મળ્યું છે. સામાન્ય રીતે આવું સાયક્લોન અમેરિકા (America) જેવા દેશોમાં જોવા મળે છે. આ સાયક્લોનની તીવ્ર ગતિને લઈ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. તાપી જિલ્લાના ફ્લડ કન્ટ્રોલની ટીમે પણ આ ઘટનાથી અજાણ હોવાનું જણાવ્યું હતું. આ સાયક્લોનની ઘટનામાં ડેમનું પાણી નીચેથી ઉપર આકાશ તરફ જતું દેખાય છે.
સામાન્ય રીતે દરિયામાં સર્જાતા ચક્રવાતમાં પાણી આ રીતે આકાશમાં (Sky) ઊડવાની ઘટના બનતી હોય છે, જેના કારણે અમુક વખતે આકાશમાંથી માછલીના વરસાદની (Rain) આશ્ચર્યજનક ઘટનાનો નજારો પણ જોવા મળે છે. હાલ તો આ ઘટનાને અત્યંત ગંભીર એટલે માની શકાય કે ઉકાઈ ડેમની વચ્ચોવચ એક ટાપુ છે. જ્યાં મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે વસવાટ કરે છે. હાલના તાપી જિલ્લા વિકાસ અધિકારી પણ આ સ્થળની મુલાકાત લઈ આવ્યા છે. તેમણે આ તમામ જોખમી જીવન જીવતા આદિવાસી પરિવારને ઉકાઈ ડેમથી બહાર સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાને બદલે તેઓને ટાપુ પર જ જીવન જરૂરિયાતની સુવિધાઓ ઉપલબ્ધ કરવાની વાત કહી પ્રોત્સાહિત કર્યા હતા. આવામાં જો આવું ચક્રવાત ટાપુની આસપાસ સર્જાય તો અહીંનાં બાળકો સહિત અન્ય લોકોને પણ આવું ચક્રવાત આકાશ તરફ ખેંચી લઈ જઈ શકે છે.
વાદળોનો ગડગડાટ અને ભારે પવન ફુંકાવાની સાથે એક ચક્રવાત બન્યું હતું. જે એટલું શક્તિશાળી હતું કે નીચેથી પાણી પુષ્કળ પ્રમાણમાં ઉપર ખેંચાઈ રહ્યું હતું. જો કે, આ વિડીયો ઉકાઇ ડેમનો છે કે નહીં તે જાણવાની પણ તસદી વહીવટી તંત્રે લીધી નથી. આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જોરશોરમાં વાયરલ થઇ રહ્યો છે. મોબાઈલ ફોનમાં આ કુદરતી ઘટનાને કેદ કરનારનો અવાજ તો સંભળાય છે, પણ કોણે કેદ કરી તેની કોઇ માહિતી બહાર આવી નથી. આવું કઈ રીતે બન્યું તેને લઈને પણ લોકોમાં ભારે આશ્ચર્ય હતું.
વિડીયો ઉકાઈ ડેમનો જ છે તેવું હાલ ચોક્કસ માની શકાય નહીં: પી.જી.વસાવા
ઉકાઇ ડેમના ઇનચાર્જ અધિક્ષક ઇજનેર પી.જી.વસાવાનો સંપર્ક કરતાં તેમણે પણ સોશિયલ મિડીયામાં વાયરલ થયેલા વિડીયોથી જ માહિતી મળી હોવાનું જણાવ્યું હતું. જો કે, આ વિડીયો ઉકાઈ ડેમનો જ છે તેવું હાલ ચોક્કસ પણે માની શકાય નહીં, તેવી સ્પષ્ટતા પણ તેઓએ કરી હતી.