આંતરરાષ્ટ્રીય બજારમાં (International Market) ક્રૂડ ઓઈલના (Crud Oil) ભાવ 7 મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયા છે. ક્રૂડના ભાવ હાલમાં $92 પ્રતિ બેરલ છે અને નિષ્ણાતો ભાવમાં વધુ કાપની આગાહી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના (Petrol Diesel) ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે. આ પહેલા ફેબ્રુઆરીમાં ક્રૂડ ઓઈલ 90 ડોલર પ્રતિ બેરલની નજીક હતું જે જૂનમાં 125 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું હતું.
- આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ 7 મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયા
- પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 થી 3 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે
- આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ જૂનમાં 125 ડોલર પ્રતિ બેરલની નજીક હતો જે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં 92 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો
IIFL સિક્યોરિટીઝના વાઈસ પ્રેસિડેન્ટ (કોમોડિટી એન્ડ કરન્સી) અનુજ ગુપ્તાના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ $85 પર આવી શકે છે. આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 થી 3 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. રેટિંગ એજન્સી ઈક્રાના વાઇસ પ્રેસિડેન્ટ અને કો-ગ્રુપ હેડ પ્રશાંત વશિષ્ઠના જણાવ્યા અનુસાર જ્યારે ક્રૂડ ઓઇલ બેરલ દીઠ $1 મોંઘું થાય છે ત્યારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 55-60 પૈસાનો વધારો થાય છે. તેવી જ રીતે જો 1 ડોલરનો ઘટાડો થાય છે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ પ્રતિ લિટર 55-60 પૈસાનો ઘટાડો થાય છે.
ત્રણ મહિનામાં ક્રૂડ ઓઈલ 26% સસ્તું થયું છે
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ જૂનમાં 125 ડોલર પ્રતિ બેરલની નજીક હતો જે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં 92 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો હતો. તે મુજબ ક્રૂડ લગભગ 26% નબળું પડ્યું છે. ચીન અને યુરોપના ઘણા દેશોની અર્થવ્યવસ્થા દબાણ હેઠળ છે. આવી સ્થિતિમાં ક્રૂડની માંગ આગળ જતાં નબળી રહી શકે છે.
22 મેના રોજ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરીને મોટી રાહત આપી હતી. પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારપછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો થયો નથી અને કિંમતોમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
પેટ્રોલ-ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારના આધારે નક્કી કરવામાં આવે છે
જૂન 2010 સુધી કેન્દ્ર સરકાર પેટ્રોલની કિંમત નક્કી કરતી હતી અને દર 15 દિવસે તેમાં ફેરફાર થતો હતો. 26 જૂન 2010 પછી સરકારે પેટ્રોલની કિંમત નક્કી કરવાનું તેલ કંપનીઓ પર છોડી દીધું. આવી જ રીતે ઓક્ટોબર 2014 સુધી ડીઝલની કિંમત પણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવી હતી પરંતુ 19 ઓક્ટોબર 2014થી સરકારે આ કામ ઓઈલ કંપનીઓને સોંપી દીધું હતું. હાલમાં ઓઈલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત, વિનિમય દર, ટેક્સ, પેટ્રોલ અને ડીઝલના પરિવહન ખર્ચ અને અન્ય ઘણી બાબતોને ધ્યાનમાં રાખીને પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ નક્કી કરે છે.
ભારત તેની જરૂરિયાતના 85% ક્રૂડ ઓઈલની આયાત કરે છે
ભારત પોતાની જરૂરિયાતના 85% કરતાં વધુ ક્રૂડ ઓઈલ બહારથી મેળવે છે. તેના માટે ડોલરમાં ચૂકવણી કરવી પડે છે. આવી સ્થિતિમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો અને ડોલરની મજબૂતીથી પેટ્રોલ અને ડીઝલ મોંઘા થવા લાગ્યા છે. ક્રૂડ ઓઈલ બેરલમાં આવે છે. એક બેરલ એટલે 159 લિટર ક્રૂડ ઓઈલ.