સુરતમાં હજી તો શનિવારે એ.પી.એમ.સી માર્કેટની ભીડનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે રવિવારે ઝાંપાબજારમાં લોકોની ભીડનો વિડીયો સામે આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. શહેરમાં પોઝીટીવ કેસો વધી રહ્યા છે. રાંજ્યમાં પણ પોઝીટીવ કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. તેમજ શહેરમાં અત્યારસુધીમાં કોરોનાને પગલે 2 મોત પણ થઈ ચુક્યા છે ત્યારે તંત્ર વધુ સાવધુ બની રહ્યું છે. પરંતુ શહેરીજનો કોરોનાને હજી ગંભીરતાથી લઈ રહ્યા નથી. લોકોને જરૂરી સામાન લેવા જવા માટે કોઈ પાબંધી નથી પરંતુ સોશીયલ ડિસ્ટન્સીંગ રાખવા માટે જણાવાયું છે. પરંતુ લોકો તે સમજવા જ તૈયાર ન હોય તેમ ભીડ કરી રહ્યા છે. જેને પગલે આજે એ.પી.એમ.સી માર્કેટ અનિશ્ચિત મુદ્દત માટે બંધ કરી દેવાયું છે. ત્યારે રવિવારે સવારમાં ઝાંપાબજારમાં ચીકન, મટન લેવા માટે લોકોની ભીડ થઈ હોવાનો વિડીયો વાયરલ થયો હતો.
એકબાજુ તંત્ર, પોલીસ તમામ લોકડાઉનની પરિસ્થિતિ જાળવવા માટે અથાગ પ્રયત્નો કરી રહી છે. પરંતુ શહેરીજનો લોકડાઉનને ગંભીરતાથી લઈ રહ્યા નથી. સોસાયટીઓમાં પણ લોકો ટોળા કરીને બેસી જતા હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. તેમજ માર્કેટમાં પણ ભીડ જોવા મળી રહી છે. રવિવારે એ.પી.એમ.સી માર્કેટ બંધ થવાની જાહેરાત થતા જ લોકો ઝાંપાબજારમાં ચીકન,મટન લેવા ઉમટ્યા હતા. જેથી તંત્રની ચિંતામાં વધારો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં સુરત શહેરમાં કુલ 13 પોઝીટીવ કેસ નોંધાયા છે. અને 2 મોત થયા છે.