Sports

24 વર્ષ બાદ તૂટ્યો યુવરાજ સિંહનો રેકોર્ડ, કર્ણાટકના ખેલાડી પ્રખર ચતુર્વેદીએ રમી બ્રાયન લારા જેવી ઐતિહાસિક ઇનિંગ

નવી દિલ્હી: (New Delhi) ઉભરતા સ્ટાર પ્રખર ચતુર્વેદીએ કૂચ બિહાર ટ્રોફીમાં અણનમ 404 રન બનાવીને રેકોર્ડ બુકને પણ હચમચાવી નાંખી છે. મુંબઈ સામેની ફાઇનલમાં પ્રખર ચતુર્વેદીની આ ઐતિહાસિક ઇનિંગ્સના કારણે કર્ણાટક પણ ચેમ્પિયનશિપ જીતવામાં સફળ રહ્યું હતું. કૂચ બિહાર ટ્રોફી એ ભારતની પ્રતિષ્ઠિત અંડર-19 ડોમેસ્ટિક ટુર્નામેન્ટ છે જેની ફાઇનલમાં ક્યારેય કોઈ બેટ્સમેન 400 રનનો આંકડો પાર કરી શક્યો નથી. ઉપરાંત તેણે કૂચ બિહાર ટ્રોફીની ફાઈનલ મેચમાં યુવરાજ સિંહના સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોરનો રેકોર્ડ તોડ્યો અને ટૂર્નામેન્ટમાં એકંદરે સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોરની યાદીમાં તે નંબર 2 પર પહોંચી ગયો. 2011-12ની સિઝનમાં આસામ સામે મહારાષ્ટ્ર માટે વિજય જોલનો અણનમ 451 રન એ ટુર્નામેન્ટમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર છે.

પ્રખર ચતુર્વેદીએ ફાઇનલમાં 638 બોલમાં અણનમ 404 રન બનાવ્યા હતા, આ દરમિયાન તેણે 46 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. આ ઈનિંગ બાદ તેની સરખામણી વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારાની ઈનિંગ્સ સાથે કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે બ્રાયન લારા ટેસ્ટ ક્રિકેટની એક ઇનિંગમાં 400 રન બનાવનાર એકમાત્ર બેટ્સમેન છે. શિવમોગામાં રમાયેલી ફાઈનલમાં કર્ણાટક પ્રથમ દાવની લીડના આધારે મુંબઈના 380 રનના જવાબમાં ચતુર્વેદીના અણનમ 404 રનના કારણે 8 વિકેટે 890 રન બનાવીને જીત્યું હતું. કૂચ બિહાર ટ્રોફીની ફાઇનલ મેચમાં યુવરાજનો અગાઉનો સર્વોચ્ચ સ્કોર ડિસેમ્બર 1999માં હતો, જ્યારે તેણે બિહારની ટીમ પર પંજાબની જીતમાં (પ્રથમ દાવની લીડ પર) 358 રન બનાવ્યા હતા જેમાં એમએસ ધોની પણ સામેલ હતો.

Most Popular

To Top