Gujarat

15-59 વર્ષની વયજુથના લોકોને વિનામૂલ્યે પ્રિકોશન ડોઝ આપવાનો આરંભ થયો

ગાંધીનગર: તા.૧પ જુલાઇથી ૭પ દિવસ સુધી દેશભરમાં ૧૮+ થી પ૯ વર્ષની વયના લોકોને કોવિડ વેક્સિનેશનનો (Covid Vaccination) પ્રિકોશન ડોઝ (Precautionary dose) વિનામૂલ્યે આપવાની શરૂઆત કરી દેવાઈ છે. રાજ્યમાં મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે તેના ભાગરૂપે ગુજરાતમાં (Gujarat) આ પ્રિકોશન ડોઝની કામગીરીનો આરંભ ગાંધીનગર મહાનગરના સેકટર-ર૪, અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી કરાવ્યો હતો. આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત તમામ સરકારી રસીકરણ કેન્દ્રો પર તા. ૧પમી જુલાઇ, ર૦રરથી ૭પ દિવસ સુધી એટલે કે તા. ૩૦મી સપ્ટેમ્બર, ર૦રર સુધી જ વિનામૂલ્યે કોવિડ વેક્સિનનો પ્રિકોશન ડોઝ ઉપલબ્ધ રહેશે, એટલું જ નહિં, ૧૮-પ૯ વર્ષની વયજુથના અને બીજા ડોઝના ૬ મહિના પૂર્ણ થઇ ગયા હોય તેવા લોકો જ આ પ્રિકોશન ડોઝ માટે એલીજીબલ ગણાશે.

ગુજરાતમાં તમામ જિલ્લા/કોર્પોરેશનમાં આ વયજુથના અંદાજે ૪ કરોડ લાભાર્થી પ્રિકોશન ડોઝ માટે એલીજીબલ થનારા છે તેમને આ વિનામૂલ્યે પ્રિકોશન ડોઝ સેવાનો લાભ મળી શકશે.. રાજ્યના આરોગ્ય વિભાગે આ હેતુસર અંદાજીત ૩પ૦૦ કોવિડ વેક્સિનેશન સેન્ટરો પર ૧પ હજારથી વધુ આરોગ્યકર્મીઓ દ્વારા રસીકરણ વ્યવસ્થા સુનિશ્ચિત કરેલી છે. આ અભિયાન માટે કોવિશિલ્ડ વેક્સિનના અંદાજે ૩.પ૦ કરોડ ડોઝ અને કોવેક્સિનના પ૦ લાખ ડોઝ ભારત સરકાર દ્વારા રાજ્ય સરકારને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર રાજ્યમાં આ પ્રિકોશન ડોઝ માટે પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને વિનામૂલ્યે વેક્સિન આપીને રૂ. ૭૦૦ કરોડનો ખર્ચ ભોગવશે. કેન્દ્ર સરકારે આ વેક્સિનેશન ડ્રાઇવને મિશન મોડમાં દેશભરમાં ઉપાડી લેવાના દિશાનિર્દેશો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપેલા છે. તદઅનુસાર, પબ્લિક અને પ્રાયવેટ સેકટરના મોટા ઓફિસ કોમ્પલેક્ષ, ઉદ્યોગ ગૃહો, રેલવે સ્ટેશન, આંતરરાજ્ય બસ સ્ટેશન્સ, અને શાળા કોલેજોમાં સ્પેશિયલ વર્કપ્લેસ વેક્સિનેશન કેમ્પ્સ યોજવા કેન્દ્ર દ્વારા રાજ્ય સરકારોને જણાવવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં તા. ૧૪મી જુલાઇ-ર૦રર સુધીમાં ૧૮ થી વધુની વયના ૪ કરોડ ૯ર લાખ ર૭ હજાર એટલે કે ૯૯.૮૦ ટકા લાભાર્થીઓને પ્રથમ ડોઝ તેમજ ૪ કરોડ ૯૧ લાખ ૩૯ હજાર લાભાર્થીઓને બીજો ડોઝ અને અન્ય વયજૂથના મળીને સમગ્રતયા ૧૧ કરોડ ર૦ લાખ ૫૬ હજારથી વધુ વેક્સિન ડોઝ આપી મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવવામાં આવી છે.

Most Popular

To Top