Madhya Gujarat

ઓડ ગામે નકલી ગુટખા બનાવવાનું કારખાનું પકડાયું

આણંદ : આણંદના ઓડ નજીક દેવરામપુરા સીમમાં વિમલના ડુપ્લીકેટ ગુટખા બનાવવાના ધમધમતા કારખાના પર એલસીબીની ટીમે શનિવારના રોજ છાપો માર્યો હતો. જેમાં 72 વર્ષિય વૃદ્ધ પોતાના ઘરમાં જ વિવિધ મશીનરીની મદદથી વિમલના ગુટખા બનાવી રહ્યો હતો. જેમાં આણંદ અને અમદાવાદના અન્ય બે વ્યક્તિ પણ ભાગીદાર હતાં. જેમાંથી અમદાવાદના શખસની શોધખોળ હાથ ધરી છે. આ કેસમાં પોલીસે ત્રણેયની સામે ગુનો નોંધી કુલ રૂ.1.31 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઓડ નજીક દેવરામપુરા સીમમાં રહેતાં અનુપ નાનાભાઈ પરમાર નામનો શખસ પોતાના ઘરમાં ડુપ્લીકેટ વિમલ ગુટખા બનાવવાનું કારખાનું ચલાવી રહ્યો છે અને બહારના વ્યક્તિની મદદથી ગુટખા પેકીંગ કરી બારોબાર કંપનીના નામે વેચી રહ્યો છે. તેની સાથે સકિલ ઇકબાલ વ્હોરા (રહે. વ્હોરા સોસાયટી, આણંદ) પણ સંડોવાયો હોવાની બાતમી એમ ફોર યુ ઇન્ટલેક્ચ્યુલ પ્રોપર્ટી રાઇટ સર્વિસીસ સુધી પહોંચી હતી. આ કંપનીને વિમલ ગુટખાનો ટ્રેડમાર્ક અને કોપી રાઇટનો વગર પરવાને ઉપયોગ કરી ચીજ વસ્તુઓ બનાવતો તથા વેચતો હોય ત્યાં તપાસ કરી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આથી, કંપનીના હિરેનભાઈ પટેલ દ્વારા આ બાબતે આણંદ એલસીબીને જાણ કરતાં દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે સંદર્ભે એલસીબીની ટીમે શનિવારની નમતી બપોરે દેવરામપુરા સીમમાં પહોંચી અનુપના ઘરે દરોડો પાડ્યો હતો.

આ દરોડામાં અનુપમ ઘર બહાર જ ઓસરીમાંથી મળી આવ્યો હતો. પોલીસની ટીમે ઘરમાં તપાસ કરતાં એક શખસ પેકીંગ કરતો હતો, જેની અટક કરી પુછપરછ કરતાં તે સકિલ ઇકબાલ વ્હોરા (રહે.વ્હોરા સોસાયટી, આણંદ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની તલાસી લેતાં તેની પાસેથી મોબાઇલ, રોકડ મળી આવી હતી. અનુપના ઘરમાં પોલીસ તપાસ દરમિયાન મીણીયાની થેલીઓ તથા ઇલેક્ટ્રીક મશીન મળી આવ્યાં હતાં. આ થેલામાં ડુપ્લીકેટ વિમલના પેકેજ તથા વિમલ બનાવવાનો સામાન હતો.  આ ઉપરાંત સ્થળ પરથી પોલીસે વિમલ પાન – મસાલાના સીલબંધ પડીકીઓ, નાના મોટા રોલ, પુઠાના બોક્સ, ઓટોમેટીક ઇલેક્ટ્રીક પાઉચ પેકીંગ મશીન, ઈલેક્ટ્રીક વજન કાંટો, કાથાનો પાવડર, મળી કુલ રૂ.1,31,893નો મુદ્દામાલ મળી આવ્યો હતો.

જે પોલીસે કબજે કરી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં અનુપ તથા સકિલ બન્ને વિમલ પાન મસાલા કંપની તરફથી કોઇ પરવાના વગર ડુપ્લીકેટ વિમલ પાન મસાલા બનાવતા હોવાનું કબુલ્યું હતું. આ ડુપ્લીકેટ ગુટખાનો જથ્થો સકિલના કાકાના દિકરા મતીન ઉર્ફે ભયલુ યુનુસ વ્હોરા (રહે. અમદાવાદ)ને પુરો પાડતા હોવાનું જણાવ્યું હતું. આ ધંધામાં ત્રણેય ભાગીદારો છે. આથી, પોલીસે ત્રણેય સામે વિશ્વાસઘાત, છેતરપિંડી તથા કોપીરાઇટ-ટ્રેડ માર્કનો ઉપયોગ કરવા બદલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top