હાલમાં ભારતની એક ઓનલાઇન માર્કેટ સહિત ચાર માર્કેટોને અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ દ્વારા બનાવટી માલ વેચતા બજાર તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા તેના પછી ફરી એક વાર બનાવટી માલસામાન અને પાયરસી એટલે કે બ્રાન્ડ અને સોફ્ટવેર તથા કોપીરાઇટ વગેરે સામેની ચાંચિયાગીરીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. આમ તો વિશ્વમાં જ્યારથી વિવિધ પ્રકારની ચીજવસ્તુઓની બ્રાન્ડો અસ્તિત્વમાં આવી ત્યારથી તેમની નકલનો ધંધો ચાલી રહ્યો છે. જાપાનની કેટલીક વિશ્વ પ્રસિદ્ધ બ્રાન્ડોની એક સમયે ખૂબ નકલ થતી હતી. જાણીતી કંપનીઓની બ્રાન્ડના નામે નકલી માલ બનાવીને વેચવો એ એક સમયે કેટલાક તત્વોનો પ્રિય ધંધો હતો. પછી કોપીરાઇટવાળી સામગ્રી, જેવા કે ગીતો, ફિલ્મો વગેરેની પાયરસી કે ચાંચિયાગીરીનો ધંધો શરૂ થયો.
કોમ્પ્યુટરો, મોબાઇલ ફોન્સ વગેરે અસ્તિત્વમાં આવ્યા અને તે પછી આ સાધનો માટેના સોફ્ટવેરની પાયરસીનો ધંધો પણ ફાલ્યો. વિવિધ જાણીતી બ્રાન્ડો કે ટ્રેડમાર્કની નકલ કરીને વસ્તુઓનું ઉત્પાદન કરીને વેચવામાં આવે છે તેવો માલ ક્યારેક તો ગ્રાહકો જાણતા હોવા છતાં ખરીદે છે કારણ કે સસ્તા ભાવમાં આવી વસ્તુઓ ખરીદીને પોતે મોંઘી બ્રાન્ડની વસ્તુઓ વાપરે છે તેવો રોફ તેઓ ઝાડી શકે છે! વિશ્વભરમાં કેટલાક સ્થળો એવા છે કે જે આવો બનાવટી માલ વેચવા માટે ખૂબ બદનામ છે અને બનાવટી માલના આવા સૌથી વધુ બજારો ચીનમાં હોવાનું જણાયા છે જે બાબતને સ્વાભાવિક માનવામાં આવે છે! હાલ જેઓ યુદ્ધને કારણે ખૂબ ચર્ચામાં છે તે બંને દેશો રશિયા અને યુક્રેનમાં પણ આવા બનાવટી માલના બજારો ચીન પછી મોટી સંખ્યામાં જણાયા છે. યુરોપના ફ્રાન્સ અને ફિનલેન્ડ જેવા દેશોમાં પણ આવા બજારો જણાયા છે.
ભારતના પાંચ બજારોને હાલમાં અમેરિકાના વેપાર પ્રતિનિધિ સત્તા દ્વારા આવો બનાવટી માલ વેચતા બજારો તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આમાં થોડું આઘાત જનક એ છે કે ભારતની લોકપ્રિય ઇ-કોમર્સ વેબસાઇટ ઇન્ડિયા માર્ટ ડોટ કોમને પણ આવા બદનામ બજાર તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. જો કે આમ તો ચીનની વિશ્વ પ્રસિદ્ધ ઇ-કોમર્સ સાઇટ અલી બાબાને પણ આવા બજારની યાદીમાં મૂકવામાં આવી હતી. ભારતની લોકપ્રિય ઇ-કોમર્સ વેબસાઇટ ઇન્ડિયામાર્ટ ડોટ કોમ અને ચાર અન્ય માર્કેટો, જેમાં દિલ્હીના પ્રખ્યાત પાલીકા બઝારનો પણ સમાવેશ થાય છે તેમનો સમાવેશ યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ દ્વારા જારી કરવામાં આવેલા વિશ્વના બદનામ બજારોની હાલની યાદીમાં થયો છે.
અમેરિકાની આ ૨૦૨૧ની નોટોરિયમ માર્કેટ લિસ્ટમાં વિશ્વભરની ૪૨ ઓનલાઇન અને ૩૫ ફિઝિકલ માર્કેટોનો સમાવેશ કરવામાં આવ્યો છે જે બજારો કથિત રીતે ટ્રેડમાર્કની બનાવટ અથવા કોપીરાઇટ પાઇરસીની પ્રવૃતિમાં સંડોવાયેલા છે. એટલે કે આ બજારોમાં પ્રખ્યાત બ્રાન્ડોની બનાવટ કરેલો માલ મળે છે. આ યાદીમાં ભારતની કુલ પાંચ માર્કેટો છે જેમાં એક તો ઇન્ડિયામાર્ટ ડોટ કોમ છે જે ઇ-કોમર્સ વેબસાઇટ છે. દિલ્હીના પાલીકા બઝાર ઉપરાંત અન્ય જે ત્રણ ભારતીય બજારોનો સમાવેશ આ યાદીમાં કરવામાં આવ્યો છે તેમાં મુંબઇની હીરા પન્ના માર્કેટ, કોલકાતાનું કીડ્ડરપોર બજાર અને દિલ્હીના ટેન્ક રોડનો સમાવેશ થાય છે. બનાવટી અને પાઇરેટેડ સામાનનો વૈશ્વિક વ્યાપાર એ અમેરિકાના સંશોધનો અને સર્જનાત્મકતાને અવગણે છે અને અમેરિકન કામદારોને નુકસાન કરે છે. આ ગેરકાયદે વેપારે આ બનાવટી સામાન બનાવવાની કામગીરીમાં રોકાયેલા કામદારો સામેનો ભય પણ વધાર્યો છે જે કામદારોનું શોષણ થઇ શકે છે.
આ ઉપરાંત બનાવટી સામાન વિશ્વભરના ગ્રાહકો અને કામદારો સામે આરોગ્ય અને સલામતીના જોખમો પણ ઉભા કરી શકે છે એમ યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ કેથેરીન ટેઇએ જણાવ્યું હતું. યુએસટીઆરના અહેવાલમાં જણાવાયું છે કે ઇન્ડિયા માર્ટ કે જે ઇ-કોમર્સ વેબસાઇટ છે અને પોતાને વિશ્વની બીજા ક્રમની બિઝનેસ-ટુ-બિઝનેસ માર્કેટ ગણાવે છે તેના પર મોટા પ્રમાણમાં બનાવટી દવાઓ, બનાવટી ઇલેકટ્રોનિક્સ સામાન અને એપેરલ્સનું વેચાણ થતું મળી આવ્યું છે. અમેરિકા કોપીરાઇટ કે બૌદ્ધિક સંપદા અધિકારોની બાબતમાં ખૂબ સંવેદનશીલ છે અને તે પાયરસીના મુદ્દાને ખૂબ ગંભીરતાથી લે છે. બીજી બાજુ વિશ્વના કેટલાક દેશોની સરકારો પોતે આવી પાયરસીને આડકતરી રીતે ઉત્તેજન આપતી જણાઇ છે.
કોપીરાઇટ ભંગ કે સોફ્ટવેર પાયરસીને કારણે સામાન્ય લોકોને બહુ ફેર પડતો નથી, બલ્કે લોકોને સસ્તા ભાવે કે મફતમાં નવી ફિલ્મો જોવા મળી જાય કે મોંઘુદાટ સોફ્ટવેર મફતના ભાવે વાપરવા મળી જાય છે. જો કે આવી પાયરસીની તરફેણ કરી શકાય તેમ નથી. જો કે સામાન્ય લોકોને મુશ્કેલીમાં મૂકી શકે તેવી ગંભીર બાબત જાણીતી બ્રાન્ડો, ખાસ કરીને ખાદ્ય ચીજ વસ્તુઓની કે કેશતેલ, ક્રીમ, ટૂથપેસ્ટ, સાબુ જેવી વપરાશી વસ્તુઓની જાણીતી બ્રાન્ડોના બનાવટી માલનું ઉત્પાદન અને વેચાણ છે. એક વેપારીના મુખે સાંભળવામાં આવ્યું હતું કે ભારતમાં કેટલીક લોકપ્રિય જાણીતી બ્રાન્ડોના માલની અછતને કારણે આવી બ્રાન્ડોનો નકલી માલ બેરોકટોક વેચાઇ રહ્યો છે. આ સ્થિતિ ગંભીર છે. તેમાં પણ બનાવટી દવાઓની બાબત તો ખૂબ જ ગંભીર છે. સરકારે આવી બનાવટો બાબતને ખૂબ ગંભીરતાથી લઇને કડક પગલા ભરવા જ જોઇએ.