સુરત: સુરત જિલ્લા વકીલ મંડળની 2026 ના વર્ષની પ્રમુખ, ઉપપ્રમુખ, જનરલ સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ખજાનચી (મહિલા પ્રતિનિધિ) તથા 11 કારોબારી સભ્યોની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ ચૂંટણીના મુખ્ય ચૂંટણી કમિશનર કે. પી. અસારાવાલાએ ચૂંટણી ફોર્મ સાથે ઉમેદવારો માટે ચૂંટણી આચારસંહિતા સાથેની માર્ગદર્શિકા પણ બહાર પાડી છે. જેમાં ખાસ કરીને નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા અન્વયે ચાર બેઠક મહિલા સભ્યો માટે અનામત રાખવામાં આવી છે.
- ચાર બેઠક મહિલા સભ્યો માટે અનામત, મતપત્રકમાં 11 મત આપવા ફરજિયાત
- એકસરખા મતની સ્થિતિમાં ચિઠ્ઠી ઉછાળી વિજેતા નક્કી જાહેર કરાશે
મતદાન સ્થળે કોઈપણ ઉમેદવાર કે તેના નિમાયેલા પ્રતિનિધિ સીધી કે આડકતરી રીતે ચૂંટણી પ્રચાર કરી શકશે નહીં. કોર્ટ બિલ્ડિંગના કોઈપણ સ્થળે પ્રચાર અંગેના પોસ્ટરો કે બેનર લગાવવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. કારોબારી કમિટીમાં 11 સભ્યની નિમણૂક કરવાની છે, જેથી મતપત્રકમાં 11 મત આપવા ફરજિયાત છે. 11 થી વધુ કે 11થી ઓછા મત આપેલા હશે, તેવા મતપત્રકો રદ ગણવામાં આવશે.
જો કોઈ ઉમેદવારને એકસરખા મત મળશે તો મુખ્ય ચૂંટણી કમિશનર મારફતે ચિઠ્ઠી ઉછાળવામાં આવશે અને જેમાં નામ નીકળશે તેને વિજેતા જાહેર કરવામાં આવશે અથવા ઉમેદવાર દ્વારા નક્કી કરવામાં આવેલા નિર્ણય અનુસાર પણ વિજેતા જાહેર કરી શકાશે. કોઈપણ તબક્કે વાદવિવાદ, વ્યવસ્થા અને વહીવટી અનુસંધાન અંગે આખરી નિર્ણય મુખ્ય ચૂંટણી કમિશનરનો રહેશે. આ સહિતના 32 નિયમો ચૂંટણી કમિશનરે સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણી માટે અમલમાં મૂક્યા છે.
આ વખતે જાણીતા સિનિયર વકીલો સાયલન્ટ
ભૂતકાળમાં સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણીમાં ભારે વાદવિવાદ થતો હતો પરંતુ આ વખતે ચૂંટણી પ્રક્રિયાના પ્રારંભ સાથે હાલ સુધી કોઈ વાદવિવાદ સર્જાયો નથી. જે ઉમેદવારો ઉમેદવારી માટે ઇચ્છુક છે તેઓ મતદાતાઓને પોતાની તરફેણમાં મતદાન કરવા માટે ગ્રુપ બેઠકો, ટિફિન બેઠકો કરી રહ્યા છે એટલે કે પ્રચારના કામે તો લાગી ગયા છે. આ વખતની ચૂંટણીમાં વકીલ મંડળના જાણીતા સિનિયર વકીલો સાયલન્ટ જોવા મળી રહ્યાં છે.
પ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવાર મેદાને
સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણીમાં આજે પ્રમુખ પદના દાવેદાર ઉદયકુમાર પટેલ, હેમંત ચ્હાવાલા, પ્રવીણ રાવલીયાએ ઉમેદવારી નોંધાવી દીધી હતી. ઉપપ્રમુખ પદ માટે પટેલ સંજયકુમાર જગજીવનભાઈ અને વાઘાણી ઘનશ્યામભાઈ લલ્લુભાઈએ ઉમેદવારી નોંધાવી હતી. સેક્રેટરી પદ માટે સાગર વેલધીએ આજે ઉમેદવારી નોંધાવી હતી.
જોઈન્ટ સેક્રેટરી પદે આજે કેયુર આંબલીયાએ ઉમેદવારી નોંધાવી હતી જ્યારે ખજાનચી પદ માટે દિવ્યા કોસંબીયા, રોનિકા ચૌહાણએ ઉમેદવારી નોંધાવી હતી. કારોબારી કમિટી માટે આજે ૧૪ ઉમેદવારે ઉમેદવારી નોંધાવતા કારોબારી સભ્ય માટે કુલ 26 ઉમેદવારના ફોર્મ જમા થયાં હતા.