ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન બન્યા એટલે દેશ માટે ઘણા ગૌરવની વાત થઈ ગઈ.ગૌરવની વાત એટલે કે તેઓ ભારતીય મૂળના છે. દુનિયાના કોઇ પણ ખુણામાં જયારે ભારતીય મૂળના કોઈ વ્યક્તિ ગમે તે ક્ષેત્રમાં સફળતા મેળવે છે ત્યારે દેશમાં આજ પ્રમાણે આત્મગૌરવ ની લાગણી છલકાઈ જાય છે.સફળતા મેળવનાર વ્યક્તિનો જન્મ, ઉછેર, શિક્ષણ કયાં થયું તેની કોઈ ખાસ ચર્ચા નથી થતી. ફક્ત તે ભારતીય મૂળના છે તેટલી જ વાત પુરતી છે. કેટલાક પ્રશ્નો અહીં ભારતીય પ્રજા સામે છે. કે શું આટલી સફળતા આ જ વ્યક્તિઓ ભારતમાં મેળવી શકતે?
શું ભારતીય રાજનિતીમાં યુવાન, શિક્ષિત અને ઈમાનદાર વ્યક્તિ ઉચ્ચ હોદ્દા પર આવી શકે? બ્રિટિશ પ્રજા એક ભારતીય મૂળના વ્યક્તિને વડાપ્રધાન પદ પર નિયુકત કરી શકે તેમની યોગ્યતાને બિરદાવે. શું ભારતીય પ્રજા આવું કરી શકે? આપણી પ્રજા કોઈ વિદેશી મૂળના વ્યક્તિને આવા ઉચ્ચ હોદ્દા પર નિયુકત કરી શકે? અરે દંભ,પ્રપંચ,ધર્મ, ઉંચ-નીચ, અમીર-ગરીબ, જ્ઞાતિ-જાતિ ના વાડામાં ફસાયેલી ભારતીય પ્રજા વિદેશીને તો જવા દો ભારતમાં જન્મેલા ને પણ આગળ વધતા અટકાવી દે છે. ભારતમાં એવા લાખો ઋષિ સુનક છે જે યુવાન, શિક્ષિત અને ઈમાનદાર છે પરંતુ, ભારત અંતે ભારત છે!
સુરત – કિશોર પટેલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.