નડિયાદ: નડિયાદ શહેરના વર્ષો જુનો ઐતિહાસિક મરીડા દરવાજો આવેલો છે. હેરીટેજ સાઈટમાં સ્થાન પામનાર આ મરીડા દરવાજો જાળવણીના છેલ્લાં ઘણાં સમયથી જર્જરિત હાલતમાં ફેરવાયો છે. દશેક વર્ષ અગાઉ આ મરીડા દરવાજાના રીનોવેશનની કામગીરી માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટની પાલિકાના સત્તાધીશો દ્વારા ઉચાપત કરી કામ કરવામાં આવ્યું ન હોવા અંગે પાલિકાના અપક્ષ કાઉન્સિલર માજીદખાન ઐયુબખાન પઠાણે ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરી છે.
આ રજુઆતમાં જણાવ્યું હતું કે, નડિયાદ શહેરના વોર્ડ નં. ૬ માં ૧૦૦ વર્ષ કરતાં પણ જુનો ઐતિહાસિક મરીડા દરવાજો આવેલો છે. સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા આ મરીડા દરવાજાને હેરીટેજ સાઈટમાં સ્થાન આપ્યું છે. હેરીટેજ ગણાંતા આ મરીડા દરવાજાના રીનોવેશન માટે દશેક વર્ષ અગાઉ સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રૂપિયા ૧૦ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જે તે વખતના પાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર તેમજ કાઉન્સિલરોની ઉપસ્થિતીમાં મરીડા દરવાજાના રીનોવેશન બાબતે ઠરાવ પણ કરવામાં આવ્યો હતો.
જોકે, આ વાતને દશ વર્ષ વીતી ગયાં બાદ પણ હજી સુધી મરીડા દરવાજાનું રીનોવેશન કામ હાથ ધરવામાં આવ્યું નથી. ત્યારે દરવાજાના રીનોવેશન માટે ફાળવેલી ગ્રાન્ટની રકમની ઉચાપત કરી જે તે વખતના પાલિકાના સત્તાધીશોએ કૌભાંડ આચર્યું હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. ત્યારે આ બાબતે તાત્કાલિક તપાસ કમીટીની નિમણુક કરી દરવાજાના રિનોવેશનની ગ્રાન્ટના નાણાંની ઉચાપત કરવામાં જવાબદાર ઈસમોને ખુલ્લાં પાડી તેમના વિરૂધ્ધ ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે તેમજ અતિ જર્જરિત બનેલાં આ હેરીટેજ દરવાજાનું વહેલીતકે રીનોવેશન કામ શરૂ કરાવવામાં આવે તેવી માંગ ઉચ્ચારી છે.