Charchapatra

મૃતદેહ સાથે લાગણીશૂન્ય વર્તન આઘાતક છે

દૈનિક વર્તમાનપત્રોમાં તાજેતરમાં જ બનેલ બે અતિ ગંભીર પ્રશ્નોએ વાચકોની લાગણીને ઠેસ પહોંચાડી છે. મૃતદેહનું પોષ્ટમોર્ટમ કરવાના ઝગડામાં સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલ તેમજ સુરત જિલ્લાના મેડિકલ ઓફિસર વચ્ચે જબરદસ્ત બબાલ થઈ હતી. એક જ અઠવાડિયામાં ઇચ્છાપોર ઓ.એન.જી.સી. રોડ પર અજાણ્યા વાહન હડફટે મોત ઉપજેલા અજાણ્યા યુવકનો મૃતદેહ તેમ જ ઉમરા ગામમાં કરિયાણાની દુકાન ચલાવતાં શખ્સે ઝેર પી લેતાં વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં મૃત્યુ થતાં ઓલપાડ પોલીસે મૃતદેહને પોષ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડયો હતો. પહેલા બનાવમાં પોલીસે જાતે જ સિવિલ હોસ્પિટલમાં અને બીજા બનાવમાં પણ ખુદ પોલીસે જ સ્મીમેર હોસ્પિટલમાં મૃતદેહને પોષ્ટમોર્ટમ કરાવવા માટે લાવેલ બંને કેસોમાં ખુદ પોલીસની અત્યંત વિનવણીઓ છતાં પણ બંને હોસ્પિટલોએ પોષ્ટમોર્ટમનો ધરાર ઇન્કાર થતાં બંને લાશો રઝળી પડી હતી.

જયાં પોલીસ ઓથોરીટીને ફાંફા પડતા હોય ત્યાં સામાન્ય વ્યક્તિનું ગજું જ શું ? બીજા બનાવમાં મૃતદેહને તેમનાં સગાંઓ અંતિમવિધિ કરવા માટે વતન લઈ જવા માંગતા હતા. પરંતુ પોલીસની દરમ્યાનગીરી છતાં પણ બંને લાશોનું કલાકો પછી પોષ્ટમોર્ટમ થતાં લાશને વતન લઈ જઈ શકાઈ નહોતી. આ બંને અતિ કરુણ બનાવમાં માનવતા ભુલાય છે. વર્ષો પહેલાં તો સ્મશાનયાત્રા જતી હોય તો વાહનો, પગપાળા જનાર વ્યક્તિ પણ ઊભા રહી જઈને મૃતદેહને માન આપતા. તેમાંયે કોરોનાના ભયંકર આક્રમણ પછી તો મૃત વ્યક્તિ સાથેની સગાઈ, સંબંધો વિસરાઈ ગયા છે. કરુણા, વ્યાવહારિકતા, સગાં સંબંધીઓની વાત તો છોડો, પરંતુ તેની અર્ધાંગિની પણ મૃતદેહ પ્રત્યે લાગણીવિહીન વર્તન બતાવતી થઈ ગઈ છે. આવો જ સમાજને સ્પર્શતો કાયદાનું પાલન કરાવવાની જેની નૈતિક ફરજ છે એવા પોલીસ તંત્રમાં પણ અવારનવાર હદના ઝઘડાઓ થતા રહે છે.

મૃતદેહના રઝળપાટ કરતાં પણ પોલીસ સ્ટેશન હદનો ઝગડો વધુ ગંભીર બને છે. તેમાં વ્યક્તિની જિંદગીનો પ્રશ્ન છે. જખ્મી વ્યક્તિને માટે તો એક એક સેકન્ડ જીવન મરણનો પ્રશ્ન બની જાય છે. પોલીસ તો કાયદાની રખેવાળ છે. તેથી આ તંત્રની તો સમાજ પ્રત્યે વિશેષ જવાબદારી બને છે. આરોગ્ય અને પોલીસ તંત્ર તો સમાજના, રાજ્યના, દેશનો પ્રાણ છે. વર્ષોથી પોલીસ સ્ટેશન હદનો પ્રશ્ન હલ થતો નથી. સમાજના હૃદયને , કરુણાને ગંભીર ઠેસ પહોંચાડતા આ અતિ ક્ષુલ્લક પરંતુ અતિ ગંભીર, સળગતા પ્રશ્નનો તાકીદે કાયમી ઉકેલ આવે એવી સમગ્ર સમાજની લાગણી અને માગણી છે.
ભેસ્તાન-બી.એમ.પટેલ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top