દક્ષિણ કોરિયાના ડાએગુ શહેરમાં ક્વોરેન્ટાઇનમાં મૂકવામાં આવેલા અને સાજા થઇ ગયેલા કેટલાક દર્દીઓને રજા આપી દેવાઇ તેના કેટલાક દિવસ પછી આ દર્દીઓમાં વાયરસ ટેસ્ટ ફરીથી પોઝિટિવ આવ્યો હોવાનું કોરિયન અધિકારીઓએ જણાવ્યું છે.
કોવિડ-૧૯થી સૌથી વધુ ખરાબ અસર ગ્રસ્ત ડાએગુ શહેરમાં જેમને કોરોનાવાયરસના ચેપનું નિદાન થયું હતું તેવા કેટલાક દર્દીઓને અલાયદા વોર્ડમાં રાખવામાં આવ્યા બાદ સાજા થઇ ગયા પછી તેમને રજા આપી દેવાઇ હતી. આમાંથી પ૧ દર્દીઓને વાયરસના ટેસ્ટ ફરીથી પોઝિટિવ આવતા એ બાબતે ભય સર્જાયો છે કે આ વાયરસ માણસના શરીરના કોષોમાં સંતાઇ રહે છે અને સમય આવ્યે ફરીથી સક્રિય થઇ શકે છે. કોરીયાના સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દર્દીને આ વાયરસનો ફરીથી ચેપ લાગે તેવી શક્યતાને બદલે તેના જ શરીરમાં રહી ગયેલો વાયરસ ફરીથી સક્રિય થતો હોવાની શક્યતા છે.
આ સરકાર સંચાલિત આરોગ્ય સંસ્થાના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે આ વાયરસ માણસના શરીરના કોષોમાં શોધી નહીં શકાય તે સ્તરે નિષ્ક્રિય બનીને પડી રહેતો હોઇ શકે છે અને પછી કોઇક અજાણ્યા કારણોસર આ વાયરસના અંશો ફરીથી સક્રિય થતા હોઇ શકે છે. જો કે તે અસ્પષ્ટ છે કે દર્દી ફરીથી ચેપી બની શકે છે કે કેમ? જો કે કેટલાક નિષ્ણાતો કહે છે ક આ વાયરસ આવી રીતે વર્તી શકે તે સાબિત કરવા માટેનો કોઇ પુરાવો નથી અને વાંદરાઓ પર કરવામાં આવેલો અભ્યાસ તો આના કરતા બિલકુલ ઉંધુ સૂચવે છે. એટલે કે દર્દીના શરીરમાં રહી ગયેલા વાયરસ ફરીથી સક્રિય થવાને બદલે તેને વાયરસનો ફરીથી ચેપ લાગ્યો હોવાની શક્યતા જ વધુ જણાય છે એમ તેઓ કહે છે.
અને કેટલાક નિષ્ણાતો કહે છે કે જ્યારે દર્દીઓમાં પોઝિટિવ રિઝલ્ટ બે વખત આવ્યા હોય ત્યારે ઘણી વાર એવું પણ બની શકે છે કે ટેસ્ટના પરિણામો ખોટા આવ્યા હોય. દર પાંચમાંથી એક ટેસ્ટમાં આવું બને છે.