રાજ્યમાં કોરોનાને બ્રેક વાગી હોય તેમ રવિવારે રાજ્યમાં નવા 30 કેસો નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી. જ્યારે 42 દર્દીઓ સાજા થઈ જતાં તેઓને રજા આપી દેવાઈ છે. આજે રાત્રે ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 30 નવા કેસો નોંધાયા છે. જેમાં અમદાવાદ મનપામાં 5, સુરત મનપામાં 3, વડોદરા મનપામાં 2, ગાંધીનગર મનપામાં 1, જુનાગઢ મનપામાં 1 અને રાજકોટ મનપામાં 1 એમ કુલ 13 કેસો મનપા વિસ્તારમાં નોંધાયા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 8,24,713 જેટલા કેસો નોંધાયા છે.
હાલમાં રાજ્યમાં 330 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 5 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 325 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 814307 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. સારવાર વખતે રાજયમાં 10076 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં રવિવારે વિવિધ સેન્ટરો પર 3.22 લાખ લોકોને રસી અપાઈ હતી. જેમાં 45 વર્ષથી વધુ ઉમરના 63271 લોકોને રસીનો પ્રથમ ડોઝ, 45 વર્ષથી વધુ ઉમરના 43415 લોકોને રસીનો બીજો ડોઝ, 18થી 45 વર્ષ સુધીના 190903 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 18થી 45 વર્ષ સુધીના 17023 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ સાથે રાજ્યમાં 3.16 કરોડ લોકોને કોરોના રક્ષક રસી આપવામાં આવી છે.