Sports

રમતજગત પર કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની વધી રહેલી અસર

દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન સામે આવ્યો તે પછી રમતજગત પર કોરોનાનો પંજો ફરી એકવાર ફરી વળે તેવી દહેશત વ્યક્ત થઇ જ રહી હતી આવા સમયે જાણીતા ટેનિસ સ્ટાર રાફેલ નડાલ, ડેનિસ શાપોવાલોવ, આન્દ્રે રૂબેલેવ, બેલિન્ડા બેનસીસ, ઓન્સ જાબુર સહિતના ટેનિસ ખેલાડીને કોરોના થયો હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ એનબીએની મેચો પણ કોરોનાના નવા વેરિઅન્ટને કારણે રદ થઇ રહી છે. આ તરફ ફૂટબોલ જગતમાં પણ તેની અસર દેખાઇ રહી છે અને ઇંગ્લીશ પ્રીમિયર લીગમાં નજીકના ગાળામાં જ 103થી વધુ કેસો નોંધાઇ ચુક્યા છે અને તેની 15થી 20 મેચો રદ થઇ ચુકી છે. જો કે તે છતાં ટૂર્નામેન્ટ રદ થઇ નથી અને તેને ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ક્રિકેટ સહિતની અન્ય કેટલીક રમતો પર પણ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની અસર દેખાઇ રહી છે.

કોરોનાથી ઇંગ્લીશ પ્રીમિયર લીગની મેચો રદ થાય છે પણ ટૂર્નામેન્ટ ચાલુ રાખવાની આયોજકોની જીદ

દક્ષિણ આફ્રિકામાંથી સામે આવેલા કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને કારણે રમતજગત ફરીથી પ્રભાવિત થવાની સંભાવનાઓ દેખાઇ રહી છે. હાલમાં કોરોનાનો આ નવા વેરિઅન્ટ સામે આવ્યા પછી વિશ્વભરમાં ફફડાટ ફેલાયો છે અને ઘણાં દેશોએ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઓપરેશન પ્રતિબંધિત કરવા માંડ્યું છે. આવા સમયે ઇંગ્લીશ પ્રીમિયર લીગ પણ કોરોનાથી પ્રભાવિત થઇ રહી છે. કેટલાક ખેલાડીઓને કોરોનાના નવા વેરિઅન્ટનો ચેપ લાગ્યા પછી કેટલીક મેચો રદ કરવાનો વારો આવ્યો છે, અત્યાર સુધીમાં 20થી વધુ મેચો રદ કરવામાં આવી છે, જો કે તેમ છતાં આયોજકોની એવી જીદ છે કે મેચ ભલે રદ થતી પણ ટૂર્નામેન્ટ તો ચાલુ જ રહેશે. પ્રીમિયર લીગના આયોજકો દ્વારા સોમવારે જ એવી પુષ્ટિ કરવામાં આવી હતી કે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન અર્થાત 20 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર દરમિયાન કુલ મળીને 15186 ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી ખેલાડીઓ, ક્લબના કર્મચારીઓ અને હવે એક ક્લબના મેનેજર સહિત કુલ 103 નવા કોરોના કેસ મળ્યા છે. 103 રિપોર્ટ પોઝિટિવ આવવાને કારણે પ્રીમિયર લીગમાં ભાગ લેનારા ખેલાડીઓ તેમજ ક્લબના કર્મચારીએનો આરટી પીસીઆર ટેસ્ટ અઠવાડિયામાં બે વાર કરવાની યોજના બનાવાઇ છે.

પ્રીમિયર લીગમાં ફૂટબોલ ખેલાડીઓ, ક્લબના કર્મચારીઓ સપોર્ટ સ્ટાફના સભ્યો અને કોચને પણ કોરોના થયો

ઇંગ્લીશ પ્રીમિયર લીગમાં ફૂટબોલ ખેલાડીઓ તે પછી સપોર્ટ સ્ટાફના સભ્યોને કોરોના થયા પછી ક્લબના કર્મચારીઓને પણ કોરોનાનો ચેપ લાગ્યો હોવાના કેસો સામે આવ્યા હતા. હવે એસ્ટન વિલા ફૂટબોલ ક્લબના હેડ કોચ સ્ટીવન ગેરાર્ડને કોરોના થયો હોવાનું પણ સામે આવ્યું છે. ઇંગ્લીશ પ્રીમિયર લીગની 20 ક્લબમાં કોરોનાના નવા 100થી વધુ કેસ સામે આવી ચુક્યા છે. બે અઠવાડિયા પહેલા પ્રીમિયર લીગના 3805 ખેલાડીઓ અને ક્લબના કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરાયો ત્યારે તેમાંથી 42 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. અહીં એ નોંધ ખાસ કરવાની કે રોજ બરોજ એકાદ બે મેચ રદ થવાના અહેવાલ આવી રહ્યા છે. સોમવારે પણ લીડ્સ અને વોલ્વરહેમ્પટન ટીમોમાં કોરોનાના કેસ સામે આવતા ઇંગ્લીશ પ્રીમિયર લીગ ફૂટબોલ ટૂર્નામેન્ટની કેટલીક વધુ  મેચો સ્થગિત થઇ હતી. એસ્ટોન વિલા વિરૂદ્ધ મંગળવારે લીડ્સની ઘરઆંગણેની મેચ રદ થઇ હતી, આ પહેલા રવિવારે લીવરપુલની પણ એક મેચ સ્થગિત કરાઇ હતી. વોલ્વર હેમ્પટન અને આર્સનલ વચ્ચે મંગળવારની મેચ પણ સ્થગિત કરી દેવાઇ છે. રવિવારે વાટફોર્ડ સામેની તેમની ઘરઆંગણેની મેચ પણ રમાઇ નહોતી. પ્રીમિયર લીગમાં હવે અઢી અઠવાડિયામાં કુલ 15 મેચ રદ થઇ ચુકી છે.

ટેનિસ ખેલાડીઓમાં રાફેલ નડાલ, ડેનિસ શાપોવાલોવ સહિતના ખેલાડીઓને કોરોનાએ લપેટમાં લીધા

સ્પેનનો સ્ટાર ટેનિસ ખેલાડી રાફેલ નડાલ અબુધાબીમાં એક પ્રદર્શન ટૂર્નામેન્ટમાં ભાગ લઇને સ્વદેશ પરત ફર્યા પછી તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. નડાલે જાતે જ ટ્વિટ કરીને માહિતી આપી હતી કે તે સ્પેન પહોંચ્યા પછી કરાયેલા આરટી-પીસીઆર ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો છે. જે તે સમયે નડાલના સંપર્કમાં આવેલાઓમાં આ વાતને કારણે ફફડાટ વ્યાપ્યો હતો, તેમાં પણ નડાલને છેલ્લે જે મળ્યા હતા તેમાં સ્પેનના માજી સમ્રાટ જુઆન કાર્લોસ પણ સામેલ હતા. તેઓ ગત વર્ષે જાહેર થયેલા નાણાકીય ગોટાળાના આરોપ પછી સંયુક્ત આરબ અમીરાતમાં રહે છે. નડાલે માહિતી આપી હતી કે અબુધાબીમાં દર બે દિવસે તેનો ટેસ્ટ કરાયો હતો અને સ્પેન પરત ફરવાના એક દિવસ પહેલાના તમામ પરીણામ નેગેટિવ આવ્યા હતા. આ તરફ કેનેડાનો ટેનિસ સ્ટાર ડેનિસ શાપોવાલોવ એટીપી કપ માટે સિડની પહોંચ્યા પછી તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. 22 વર્ષિય ખેલાડી ઓસ્ટ્રેલિયા ગયેલી કેનેડિયન ટીમનો હિસ્સો છે. એટીપી કપ સિડનીમાં 1થી 9 જાન્યુઆરી દરમિયાન રમાવાનો છે અને તે પછી ઓસ્ટ્રેલિયન ઓપન 17 જાન્યુઆરીથી મેલબોર્નમાં શરૂ થશે. શાપોવાલોવ ગત અઠવાડિયે અબુધાબીમાં વર્લ્ડ ટેનિસ ચેમ્પિયનશિપમાં એક પ્રદર્શન મેચ રમ્યો હતો, જ્યા તેણે ત્રીજા સ્થાનના પ્લેઓફમાં રાફેલ નડાલને હરાવ્યો હતો. આ ટૂર્નામેન્ટ રમ્યા પછી સ્પેન પહોંચેલા નડાલનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. અન્ય ટેનિસ ખેલાડીઓમાં મહિલા ખેલાડી બેલિન્ડા બેનસિચ અને ઓન્સ જાબુરનો ટેસ્ટ પણ પોઝિટિવ રહ્યો હતો.

અબુધાબીની એક ઇવેન્ટમાં રમેલા ઘણાં ટેનિસ ખેલાડીઓને કોરોનાનો ચેપ લાગ્યો

આન્દ્રે રૂબેલેવનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો તે પછી એવું જાહેર થયું હતું કે અબુધાબીમાં એક ઇવેન્ટમાં રમ્યા પછી જ તેનો પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આમ નડાલ, શાપોવાલોવ, બેલિન્ડા બેનસિચ, ઓન્સ જાબુર અને હવે રૂબેલેવ પણ અબુધાબીમાં જ કોરોનાનો શિકાર બન્યો છે. કોરોનાના કારણે અન્ય કોઇ રમતને અસર થઇ હોય તો તે છે એનબીએ. કોરોનાના વધતા જતાં કેસને કારણે એનબીએ દ્વારા વધુ પાંચ મેચ સ્થગિત કરી દેવામાં આવી હતી, જેના કારણે સ્થગિત મેચોની સંખ્યા વધીને 7 થઇ ગઇ છે. રવિવારે રદ થયેલી મેચોમાં ઓરલેન્ડો અને વોશિંગ્ટનની મેચો પણ સામેલ હતી. આ પહેલા એટલાન્ટાના સ્ટાર ગાર્ડ ટ્રાએ યંગ અને લોસ એન્જેલસ લેકર્સે કોચ ફ્રેક વોજેલને કોરોનાનો ચેપ લાગ્યાની વાતની પુષ્ટિ કરી હતી. કોરોના પોઝિટિવ થવાના કારણે અત્યાર સુધીમાં એનબીએની 20 ટીમોના ઓછામાં ઓછા 75 ખેલાડીઓ આઉટ થઇ ચુક્યા છે.

Most Popular

To Top