રાજ્ય સરકારે કોરોનાની હાલમાં ચાલી રહેલી બીજી લહેરમાં 41 હજાર બેડથી વધારીને 1 લાખ કર્યા છે. તો હવે ૩જી લહેર સામે પણ આપણે લડીશું, તેમાં હતાશ થવાની જરૂરત નથી તેમ સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું.
વડોદરામાં વર્ચ્યુઅલ હાજરીથી કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરાવતાં રૂપાણીએ કહ્યું હતું કે, છેલ્લા 10 દિવસમાં કોરોનાની ગતિ ધીમી પડી છે. રોજ 12500 નવા કેસો સામે 13800 દર્દી સાજા થઈને ઘરે જઈ રહ્યા છે. તે આપણા માટે રાહતના સમાચાર કહી શકાય. કોરોના સામે લડવા છેલ્લા દોઢ માસમાં ગુજરાતમાં 2 લાખ 75 હજારથી વધુ લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના સઘન પગલાં તેમજ કોરોના વોરિયર્સની દિવસ-રાત મહેનત અને લોકોના સહકાર-જાગૃતિના પરિણામે ગુજરાત કોરોનાની બીજી લહેરમાં પણ ધીમે ધીમે મક્કમતાથી બહાર આવી રહ્યું છેતેમણે જણાવ્યું હતું કે, રોનાની બીજી લહેરમાં રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે છેલ્લા મહિનામાં બેડની સંખ્યા 41 હજારથી વધારીને 1 લાખ કરવામાં આવી છે.
જ્યારે ઓક્સિજન બેડની સંખ્યા 18 હજારથી વધારીને 58 હજાર કરવામાં આવી છે. રાજ્ય સરકારના સઘન પ્રયાસોથી 2000 જેટલી હોસ્પિટલમાં દૈનિક 1100 ટન ઓક્સીજનનો 24 કલાક અવિરત પ્રવાહ પૂરો પાડવામાં આવી રહ્યો છે. નવા નવા ઓક્સિજન પ્લાન્ટ પણ સ્થાપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત છેલ્લા એક માસના ગાળામાં ગુજરાતની વિવિધ હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે રાજ્ય સરકારે 7 લાખથી વધુ રેમડેસિવર ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવીને દર્દીઓને સુવિધા પૂરી પાડી છે.
‘મારું ગામ કોરોનામુક્ત ગામ’ અભિયાન હેઠળ ખૂબ જ ટૂંકા ગાળામાં રાજ્યના 33 જિલ્લામાં 13000 થી વધુ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર નિર્માણ કરીને 1 લાખ 20 હજારથી વધુ બેડની વ્યવસ્થા ઊભી કરી છે. હવે ગુજરાત ત્રીજી લહેર માટે પણ સજ્જ થઈ રહ્યું છે. આપણે વ્યથા નહીં વ્યવસ્થા સાથે આગળ વધા રહ્યા છીએ.