યુએસ રાષ્ટ્રપતિ જો બિડેન (Joe biden) ગુરુવારે જાહેરાત કરવાની યોજના ધરાવે છે કે યુએસ ફાઇઝર (pfizer biotech )ના 500 મિલિયન ડોઝ ખરીદશે અને 92 ઓછી-મધ્યમ આવક ધરાવતા દેશો અને આફ્રિકન સંઘને દાન કરશે. વિશ્વભરમાં આ ઐતિહાસિક પગલું કોરોના રોગચાળા સામે લડવામાં મદદ કરશે.
બ્રિટનમાં જી-7 શિખર સંમેલનમાં બિડેનની જાહેરાત કરતા પહેલા વ્હાઇટ હાઉસે (white house) કહ્યું હતું કે આ પ્રથમ વાર છે જયારે કોઈ પણ એક દેશ દ્વારા રસી ( corona vaccine )ની સૌથી મોટી ખરીદી અને દાન છે, અને અમેરિકન કોવિડ -19 થી વિશ્વભરના લોકોને બચાવવા મદદ કરવાની પ્રતિબદ્ધતા ધરાવે છે. હાલ બિડેન યુરોપના પ્રથમ વિદેશી પ્રવાસ પર બ્રિટન પહોંચ્યા છે. વ્હાઇટ હાઉસે કહ્યું કે બિડેન વિશ્વભરની અન્ય લોકશાહીઓને પણ સલામત અને અસરકારક રસીઓના વૈશ્વિક પુરવઠામાં ફાળો આપવા હાકલ કરશે. આજના દાનનો મુખ્ય હેતુ જીવન બચાવવા અને આ રોગચાળાને સમાપ્ત કરવાનો છે.
ઓગસ્ટમાં શરૂ થશે રસીનું સપ્લાય
રસીનો પુરવઠો ઓગસ્ટ 2021 માં શરૂ થશે. આ વર્ષના અંત સુધીમાં કુલ 200 મિલિયન રસી પૂરી પાડવામાં આવશે અને બાકીના 300 મિલિયન 2022 ના પ્રથમ છ મહિનામાં આપવામાં આવશે. વ્હાઇટ હાઉસે કહ્યું કે યુ.એસ. પણ આ રસીઓને કોવાક્સ દ્વારા ઓછી અને મધ્યમ આવકવાળા દેશોમાં ફાળવશે.
ભારતમાં કોરોના રસીની અછત વચ્ચે, યુએસ ફાર્મા કંપની ફાઇઝર-બાયોટેક આ વર્ષે ભારતને 5 કરોડ ડોઝ આપવા સંમતિ બતાવી છે, પરંતુ કંપની કેન્દ્ર સરકાર પાસેથી નિયમોમાં છૂટછાટ માંગે છે. રાયટર્સના મતે ભારત સરકાર અને ફાઈઝર-બાયોટેક વચ્ચે રસીના સોદા ( vaccine deal) ને લઇને અનેક મંત્રણા યોજાઇ છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, રસી અંગે ભારત સાથે વાટાઘાટો ચાલી રહી છે અને તેના પરિણામો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રસીના સોદાને લગતો મામલો એક જગ્યાએ અટવાયો છે.
હકીકતમાં, ફાઈઝર-બાયોટેકે યુ.એસ. યુ.કે. સહિતની અનેક સરકારો પાસેથી કાનૂની રક્ષણનો વિશ્વાસ માંગ્યો છે, હવે ફાઈઝર ભારતમાં આ માંગ કરી રહ્યું છે. કંપનીની ઇચ્છા છે કે ફાઇઝરની રસી રજૂ થયા પછી, જો કોઈ પણ પ્રકારનો કાયદાકીય સ્ક્રૂ આવે તો કંપની તેના માટે જવાબદાર રહેશે નહીં. કેન્દ્ર સરકારે આ માટે આગળ આવવું પડશે.