આણંદ : આણંદ જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરે વધુ એક વખત તંત્રની ઉંઘ હરામ કરી નાંખી છે. બીજી લહેરના અનુભવ બાદ તંત્ર દ્વારા આગોતરા પગલાં ભરવા છતાં સ્થિતિ કાબુ બહાર જઇ રહી હોય તેમ એક જ દિવસમાં 247 કેસ પોઝીટીવ આવતાં તંત્ર પણ ચોંકી ગયું છે.આણંદ જિલ્લામાં કોરોના કેસનો ગ્રાફ ઝડપભેર વધી રહ્યો છે. તેમાંય ઉત્તરાયણ બાદ રીતસર ઉછાલો જોવા મળ્યો છે. આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર, જિલ્લામાં બુધવારના રોજ 247 કોરોના પોઝીટીવ કેસ આવ્યાં છે. જોકે, 105 દર્દી સાજા પણ થતાં એકંદરે રાહત રહી હતી. હાલ જિલ્લામાં કુલ 723 એક્ટિવ કેસ છે. જેમાંથી શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં 26 સારવાર લઇ રહ્યાં છે. 23 અન્ય ખાનગી હોસ્પિટલમાં છે. ત્રીજી લહેરમાં સૌથી મોટી રાહત એ છેકે, ઘાતકતા ઓછી હોવાથી હોમ આઈસોલેશનની સલાહ આપવામાં આવી રહી છે. જેના પગલે હાલ 674 દર્દી ઘરે જ સારવાર લઇ રહ્યાં છે. આમ છતાં પાંચ દર્દી ઓક્સિજન, 2 બાયપેપ અને 2 વેન્ટીલેટર પર છે.
આરોગ્ય વિભાગ ત્રણ મોરચે લડી રહ્યું છે
આણંદ જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર દરમિયાન ટેસ્ટીંગ, ઘરે ઘરે સર્વે કરવા ઉપરાંત રસીકરણની ઝુંબેશ પણ સઘન બનાવવામાં આવી છે. આ ઉપરાંત કોરોના પોઝીટીવ દર્દીની સારવાર માટે તંત્ર કામે લાગ્યું છે. આમ, આરોગ્ય વિભાગ હાલ કોરોનાના પગલે એક સાથે ત્રણ મોરચે લડી રહ્યું છે.
બોરસદ અને પેટલાદમાં પણ સ્થિતિ ગંભીર
આણંદ જિલ્લામાં બોરસદ અને પેટલાદમાં કોરોના કેસની સ્થિતિ ગંભીર બની રહી છે. હાલ આણંદ તાલુકામાં 161, આંકલાવમાં 4, બોરસદમાં 20, ખંભાતમાં 8, પેટલાદમાં 47, સોજિત્રામાં 4, તારાપુરમાં 2 અને ઉમરેઠમાં 1 કેસ બુધવારના રોજ પોઝીટીવ આવ્યો હતો. જિલ્લામાં કોરોનાના કુલ 11,433 દર્દી પોઝીટીવ નોંધાયાં છે. જેમાં 10,660 સારવાર થકી સાજા થયાં હતાં. જ્યારે કુલ મૃત્યું આંક 50 સુધી નોંધાયો છે.