Vadodara

વડોદરામાં કોરોનાને પગલે તાત્કાલિક અસરથી 117 બાગ-બગીચાઓ બંધ

       વડોદરા : જે રીતે વડોદરા શહેરમાં ઉત્સવો અને રાજકિય મેળાવડા બાદ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને વડોદરામાં  વધી રહેલા કોરોનાનાં કેસોને પગલે પરિસ્થિતિ ગંભીર બની રહી છે ત્યારે મહાનગર પાલિકા દ્વારા ગુરુવાર 18 માર્ચથી  વડોદરા શહેરમા આવેલાં  તમામ 117 બાગ-બગીચાઓ બંધ  કરવાનો નિર્ણય મ્યુનિસિપલ કમિશનર પી સ્વરૂપે  મેયર અને અન્ય હોદ્દેદારો અને વહીવટી અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ  લીધો હતો. 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પ્રક્રિયા  પુરી થવાની સાથેજ રાજ્યભરમાં કોરોનાએ માથુ ઉચક્યુ છે અને રોજે કોરોનાનાં કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે હવે વડોદરાના નગરજનો માટે માઠા  સમાચાર સામે આવ્યા છે.

વડોદરા શહેરમાં કોરોનાના કેસો વધતા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આગામી નિર્દેશ મળે નહી ત્યા સુધી તાત્કાલિક ધોરણે  શહેરનાં 117 બાગ-બગીચાઓને બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેમા ખાસ સયાજી બાગ અને  પ્રાણી સંગ્રહાલય પણ બંધ કરી દેવામાં આવ્યા છે.

જો કે હજી  શરૂઆત છે, જો શહેરીજનો હજુ પણ કોરોનાને હળવાશથી લેતા રહેશે તો તંત્ર દ્વારા વધુ કડક પગલા લેવામાં આવી શકે તેમ છે.વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં વધી રહેલા કોરોના કેસ  મામલે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે.

આજથી શહેરના તમામ પાર્ક અને ગાર્ડનના દરવાજા ફરીથી સ્થાનિકો માટે બંધ કરવામાં આવ્યા છે. તો સાથે જ સયાજીબાગ  અને ઝુ પણ બંધ રહેશે. અન્ય હુકમ ન થાય ત્યાં સુધી બંધ રાખવાના વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આદેશ અપાયા છે.

આ અંગે વડોદરા મહાનગર પાલિકામાં એક્રોચમેન્ટ રિમૂવલ અને સિક્યુરિટી ડાયરેક્ટર મંગેશ પી જયસ્વાલે  ગુજરાત મિત્ર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વડોદરા શહેર સહિત સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ચિંતાજનક પ્રસર્યુ છે અને વડોદરા શહેરમાં પણ કોરોના પોઝિટિવ કેસો માં વધારો થયો છે ત્યારે સાવચેતીના ભાગરૂપે પાલિકા તંત્રે વડોદરા શહેરના તમામ 117 બાગ બગીચા અને પ્રાણી સંગ્રાલય બંધ રાખવાનો નિર્ણય લીધો છે 31 માર્ચ બાદ પરિસ્થિતિ ધ્યાને લઇ બાગ-બગીચા ખોલવા અંગે નિર્ણય લેવાશે.

ઉપરાંત વડોદરાનાં મેયર કેયુર રોકડીયાએ પણ જણાવ્યું હતું કે  કમિશ્નર સાથેની બેઠક બાદ તાત્કાલિક ધોરણે 117 બાગ બગીચાઓ સંપૂર્ણ
રીતે  આગામી 31મી માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય લીધો છે  જેથી બાગબગીચાને કારણે કોરોનાનું સંક્રમણ ફેલાય નહિ.

શહેરમાં વધુ 79 કોરો પોઝિટિવ કેસ : એક પણ મોત નહીં

કોરોનાં પોઝિટિવના ગુરુવારે વધુ 79 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 25,731 ઉપર પહોંચ્યો છે.જ્યારે સોમવારે પાલિકા દ્વારા જારી કરેલ યાદી મુજબ કોરોનાં ને કારણે એક પણ મરણ નહીં નોંધાતા મોંતની સંખ્યા 243 પર સ્થિર હતી.

વડોદરા શહેરમાં વિતેલા 24 કલાકમાં 2,908 સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાં 79 પોઝિટિવ અને 2,829 નેગેટિવ આવ્યા હતા.શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કુલ 636 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.જેમાં 488 દર્દીઓની હાલત સ્થિર છે.જ્યારે 148 દર્દીઓની હાલત ગંભીર છે.

જેમાં ઓક્સિજન ઉપર 103 અને 45 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.આ ઉપરાંત કોરોનાં પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા કુલ 1,776 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે.શહેરમાં સરકારી  અને ખાનગી હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશનમાંથી 91 વ્યક્તિઓને રજા અપાઈ છે.આ સાથે કુલ ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 24,852 ઉપર પહોંચી હતી.

ખાનપુરમાં વધુ 2 કેસો સામે આવ્યા,જ્યારે 4 વ્યક્તિઓ કોરોના મુક્ત થઈ

ખાનપુર ગામમાં ગુરુવારે કોરોનાં ના વધુ બે કેસો સામે આવતા વિતેલા 11 દિવસમાં કોરોનાના 50 દર્દીઓ મળી આવ્યા છે.જ્યારે 4 વ્યક્તિઓ સાજા થઈ જતા હોસ્પિટલ માંથી તેઓને રજા આપી દેવામાં આવી છે.ગ્રામપંચાયત દ્વારા ગામના 7 મોટા મંદિરો અને 3 મોટી દુકાનો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જયારે ગામમાં અવરજવર ઉપર કડક નિયંત્રણો લાદી દેવામાં આવ્યા છે.

શહેર નજીક સેવાસી નજીક આવેલું ખાનપુર ગામ 1450 લોકોની વસ્તી ધરાવે છે.ગત તા.8 થી 18 સુધીના 11 દિવસના સમયગાળામાં 50 કોરોનાના દર્દીઓ મળી આવતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.ખાનપુર ગામમાં ઝડપભેર ફેલાઇ રહેલા કોરોનાને રોકવા માટે ગ્રામપંચાયત દ્વારા વિવિધ પગલા ભરવામાં આવ્યા છે.

તેવું જણાવતા ગામના સરપંચ પ્રિતેશભાઇ પટેલે જણાવ્યુ હતુ કે આજે વધુ 2 કેસો આવ્યા છે.જ્યારે ચાર લોકો સાજા થઈ  ગયા છે.કોરોનાંના કેસો સામે આવતા ગામના 7 મોટા મંદિરો ભકતોની પુજાવિધી માટે બંધ કરી દેવામાં આવ્યા છે.

માત્ર પૂજારી ભગવાનની પુજા અર્ચના કરશે.જયારે ગામની મોટી 3 દુકાનો જયાં ચીજવસ્તુઓ લેવા માટે લોકોની ભીડ એકઠી થાય છે.આ ત્રણેય દુકાનો હાલ બંધ કરી દેવામાં આવી છે.જયારે ગામના પટેલ ફળિયામાં અવરજવર ઉપર કડક નિયંત્રણો લાદી દેવામા આવ્યા છે.

આ સ્થિતિ અંગેની જણ જીલ્લા આરોગ્ય અધિકારીને કરવામાં આવી છે.તેઓ દ્વારા પણ સેમ્પલના ચેકીંગની સંખ્યા વધારી દેવામાાં આવી છે.જ્યારે ગ્રામજનો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન પાડી સરકારી ગાઈડલાઈન નો ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું છે. જેથી લોકો કામ વગર ઘરથી બહાર નીકળ્યા ન હતા. આ ઉપરાંત ફેરિયાઓને પણ પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.

બાગ બગીચાઓ સવારે 10 થી 5 વાગ્યા સુધી ખુલ્લા કરવા કોંગ્રેસ પ્રવકતાની માગ

વડોદરા શહેરમાં છેલ્લાં 10 દિવસમાં કોરોનાં એ ફરી એકવાર માથું ઉંચકતા તંત્ર દોડતું થયું છે.કેસોમાં સતત થઈ રહેલા વધારાને પગલે તંત્ર દ્વારા કોરોનાંને કાબુમાં લેવા માટે સતત પગલાં ભરવામાં આવી રહ્યા છે.

સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં કોરોનાં કેસોમાં વધારો થતાં શહેરના તમામ બાગ બગીચાઓ બંધ કરવામાં આવ્યા હતા.ત્યારે શહેર કોંગ્રેસ પ્રવક્તા શૈલેષ અમીને કોરોનાં કાળ દરમિયાન આરોગ્ય માટે અત્યંત જરૂરી મોર્નિંગ વોકર્સ માટે તમામ બાગ બગીચાઓ સવારે 5 કલાકેથી 10 કલાક સુધી ખુલ્લા રાખવાની માંગ કરતો પત્ર મ્યુ.કમિશ્નરને મેઈલ મારફતે મોકલી રજુઆત કરી હતી.

શહેર કોંગ્રેસ પ્રવક્તા અને એડવોકેટ શૈલેષ અમીને જો અભ્યાસુ સરકાર હોય તો પ્રજાને કોરોના થી બચવા કસરત અને મોર્નિંગ વૉક કરવાની સલાહ સાથે બાગ બગીચાઓમાં સુવિધા આપવા જોઈએ તેમ જણાવી મ્યુનિસિપલ કમિશ્નર પી.સ્વરૂપને મેલ મારફતે શહેરના તમામ બાગ બગીચાઓ મોર્નિંગ વોકર્સ માટે સવારે 10 થી 5 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની માંગણી કરી છે. વડોદરા શહેર કોંગ્રેસ પ્રવક્તા એડવોકેટ શૈલેશ અમીને પત્રમાં જણાવ્યું હતું કેવડોદરા શહેર માં જયારે બંધીયાર મકાનોમાં ચાલતા થીયેટર , મોલ , શોપિંગ કોમ્લેક્ષો , એસ.ટી. ડેપો , રેલ્વે પ્લેટફોર્મ સાથે સાથે ખુબ ભીડ એકત્રિત કરતા કડકબજાર , મંગળબજાર , મંદિરો – મસ્જિદો કે જેમાં જનસમુદાય એકત્રિત થાય છે.

તેવી જગ્યાઓ ઉપર કોઈ પ્રકારના પ્રતિબંધ કે સોશિયલ ડિસ્ટન્સ ફરજીયાત , માસ્ક જેવા નિયંત્રણ પણ મુક્યા નથી અને શહેરીજનો ના સારા સ્વાથ્ય માટે તેમજ કોરોના સંક્રમણથી બચવા માટે કસરત કરવા કે મોર્નિંગ વોક કરવા માટે વપરાતા બાગ – બગીચાનો ને તાળાબંધી કરવી એ તઘલખી નિર્ણય છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top