દક્ષિણ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ગંભીર રૂપ ધારણ કરી રહ્યું છે. જેમાં વલસાડ જિલ્લામાં 61, નવસારી જિલ્લામાં રવિવારે વધુ 53, સંઘપ્રદેશ દમણમાં 24 અને દાદરા નગર હવેલીમાં 160, ડાંગ જિલ્લામાં 7, ભરૂચ જિલ્લામાં 67, તાપી જિલ્લામાં 61 અને નર્મદા જિલ્લામાં 42 મળી 475 લોકો કોરોના સંક્રમિત થયા હતા, જ્યારે રવિવારે વલસાડ જિલ્લામાં 5, ડાંગ જિલ્લામાં 2 અને તાપી જિલ્લાના વાલોડ પોલીસ સ્ટેશનનો કર્મચારી અને ભરૂચ જિલ્લામાં વૃદ્ધ દંપતી મળી 10 લોકોના મોત નિપજ્યા હતા.
દક્ષિણ ગુજરાતમાં કોરોનાનો કહેર વરસી રહ્યો હોય તેમ સંક્રમિત લોકોની સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. જેમાં આજે રવિવારે વલસાડ જિલ્લામાં 61 કેસ નોંધાયા છે. જેમાં વલસાડ તાલુકામાં 17, પારડી તાલુકામાં 10, ઉમરગામ તાલુકામાં 18, ધરમપુર તાલુકામાં 11, વાપીમાં 4 અને કપરાડા તાલુકામાં 1 કેસ નોંધાયા હતા. જ્યારે 5 દર્દી ધરમપુર ખારવેલના સડક ફળીયાના 82 વર્ષના આધેડ, વલસાડ તાલુકાના કચિગામ પારસી ફળિયાની 55 વર્ષની મહિલા, ભડકમોરા વાપી મણીગરના 48 વર્ષના પુરુષ, ઉમરગામના 32 વર્ષના પુરુષ અને મોદી સ્ટ્રીટ પારડીના 55 વર્ષના પુરુષના મોત નિપજ્યા હતા.
નવસારી જિલ્લામાં રવિવારે વધુ 53 કોરોનાના નવા કેસ નોંધાયા છે. જેમાં ગણદેવી તાલુકામાં 20 કેસ, નવસારીમાં 15, જલાલપોર તાલુકામાં 10, ચીખલી અને વાંસદા તાલુકામાં 4-4 નવા કેસ નોંધાયા હતા. સંઘપ્રદેશ દમણમાં રવિવારે વધુ 24 અને દાદરા નગર હવેલીમાં નવા 160 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે ડાંગ જિલ્લામાં કોરોનાના વધુ 7 કેસ અને 2ના મોત નિપજ્યા હતા. ઉપરાંત ભરૂચ જિલ્લામાં 67, તાપી જિલ્લામાં 61 અને નર્મદા જિલ્લામાં 42 લોકો મળી 475 લોકો કોરોના સંક્રમિત થયા હતા. ભરૂચના વૃદ્ધ દંપતીનું કોરોનાથી એક જ દિવસે મોત થયું હતું. તાપી જિલ્લામાં રવિવારે વાલોડ પોલીસ મથકે ફરજ બજાવતા કોરોના સંક્રમિત એએસઆઇ પ્રતાપભાઇ પાડવીનું મોત નિપજ્યું છે.